સુખ અને દુઃખમાં સમતા

વર્ષો પછી એક મિત્ર લખે છેઃ રોજ સવારે જાગું ત્યારે મને એવી લાગણી થાય છે કે આજે કાંઇક માઠા સમાચાર મળશે. રોજ સવારે જાગતાંવેંત મને એવી દહેશત રહે છે કે આજે કાંઇક ખરાબ બનશે. રોજ સવારે આવી દહેશતની લાગણીને લીધે મારો આખો દિવસ બગડી જાય છે. તમે તો ઘણુંબધું વાંચો છો ને વિચારો છો તો મને આળસ કર્યા વિના વળતી ટપાલે જણાવો કે મને આવું કેમ થાય છે? આમ જુઓ તો સવારે આવી લાગણી થયા પછી ખરેખર આખા દિવસમાં ખાસ કશું ખરાબ બનતું નથી, પણ સવારે જાગતાંવેંત દહેશતની જે લાગણી થાય છે તેની પકડમાંથી છૂટી શકતો નથી!

તમે તો જૂના મિત્ર છો એટલે તમારાથી શું છુપાવવાનું? પણ આવી લાગણી થયા પછી હું અહીં- તહીંથી ભેગાં કરીને બધાં ગુજરાતી અખબારોમાં આપની આજ વાંચી જાઉં છું અને જુદાં જુદાં અખબારોની એ બધી દૈનિક ભવિષ્યવાણીથી વધુ મોટા ગૂંચવાડામાં પડું છું! એક અખબારમાં મારી રાશિનું ભવિષ્ય એવું લખ્યું હોય છે કે ‘આજે તમારે વાહનના અકસ્માતથી ખાસ સંભાળવું, કોર્ટ-કચેરીના કામમાં પાછા પડશો. સંતાનો સાથે ઘર્ષણ થશે’, પણ મારે તો કોર્ટ-કચેરીમાં કોઇ કેસ છે જ નહીં, નથી મેં કોઇના ઉપર કેસ કર્યો કે નથી કોઇએ મારા ઉપર કેસ કર્યો!

વાહનના અકસ્માત વિશે કહું તો મેં પાર્ટટાઇમ ડ્રાઇવર રાખેલો છે અને અમે પતિ-પત્ની કોઇ કોઇ વાર દેવદર્શને જઇએ છીએ. સંતાન સાથેના ઘર્ષણની વાત કરીએ તો મારાં દીકરાે અને દીકરી બંને અમેરિકા છે અને મજામાં છે. ઘર્ષણ જેવું તો કાંઇ છે નહીં!
વધુ મૂંઝવનારી બાબત એ છે કે દરેક અખબારમાં મારી રાશિનું ભવિષ્ય મોટા ભાગે તદ્દન વિરોધાભાસી હોય છે! આમાં શું સમજવું?
મેં મારા મિત્રને પત્ર દ્વારા તો નહીં પણ ફોન પર જણાવ્યું કે આમાં કશું સમજવા જેવું જ નથી. શાંતિથી જાતે વિચાર કરીને કોઇ પણ વ્યક્તિએ સમજવું જોઇએ કે તમારી ચંદ્રરાશિ કે સૂર્યરાશિ જે હોય તે-આવી રાશિવાળી કેટલી વ્યક્તિઓ હશે? તમારા જેવી જ ચંદ્રરાશિ કે સૂર્યરાશિવાળી લાખો વ્યક્તિઓ હશે, એમાં કોઇ સ્ત્રી, કોઇ પુરુષ, કોઇ બાળક હશે. જુદા જુદા સ્થળે અને જુદી જુદી સામાજિક-આર્થિક અને કૌટુંબિક પરિસ્થિતિમાં જીવતી હશે. હવે આ બધાંને તમે વાંચો છો તે ‘આપની આજ’ કઇ રીતે લાગુ પડે?

આ જ્યોતિષીની રોજબરોજની આગાહીની વાત બાજુએ રાખીને વિચારો. કોઇ પૂછે છે કે એલોપથીમાં માનવું કે ના માનવું? એલોપથી સારી કે આયુર્વેદ? કોઇ ત્રીજી વ્યક્તિ પ્રશ્ન કરે છે કે આયુર્વેદમાં માનવું કે હોમિયોપથીમાં? ટૂંકમાં, આવી દરેક બાબતમાં આપણને આવા પ્રશ્ન થાય અને આના કોઇ એવા સચોટ જવાબ હોઇ ના શકે, જે બધી જ વ્યક્તિઓને એકસરખા લાગુ પડી શકે.

મિત્રના પત્રનો જે મૂળ મુદ્દો છે તે તો દહેશતનો છે. આ બાબતમાં માણસે પોતે જ તન અને મનને જાતે જ ટટ્ટાર કરવાં પડે છે. શરીરની બાબતમાં, જિંદગીના સુખ-દુઃખની બાબતમાં શંકા અને ડરના ચક્કરમાં પડીએ તો તો જીવી જ ના શકાય. કોઇ પણ માણસ એવા વિચાર-તરંગમાં અટવાય કે એક કલાક પછી શું બનશે? ચાર કલાક પછી શું થશે? સાંજે શું થશે? રાત્રે શું થશે? આમ જુઓ તો જીવન એક સંગ્રામ છે અને માણસે પોતે એક સ્વસ્થ અને શૂરવીર લડવૈયાના મિજાજથી જ તેનો સામનો કરવા તૈયાર રહેવું જોઇએ. આવી ‘તૈયારી’નો અર્થ એવો નથી કે બીજી ઘડી, બીજા કલાક કે બીજા દિવસે બનશે, તેના વિશે અકારણ ચિંતા અને ડર સેવવો. માણસમાં એટલું મજબૂત મનોબળ હોવું જોઇએ, ના હોય તો એવું મનોબળ કેળવવું જોઇએ કે કોઇ પણ પળે જ કાંઇ બને-સારું
બને કે ખરાબ બને- હું કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પૂરેપૂરો સજજ છું!

જિંદગીમાં સારા અને ખરાબ બંને પ્રકારના બનાવો તો ઘણીવાર અચાનક જ બનવાના છે. કોઇ ખરાબ સમાચારથી જો આપણું હૃદય બેસી જાય અગર કોઇ એકદમ સારા સમાચારથી આપણી ઓચિંતી ખુશકિસ્મતીનો જોરદાર ધક્કો હૃદયને લાગે તો હૃદયરોગનો હુમલો પણ સંભવી શકે છે!

એટલે માણસે ખરેખર ‘સુખી’ થવું હોય અને કોઇ પણ અવસ્થામાં ‘સુખી’ જ રહેવું હોય તો ‘તીવ્ર નિરાશા’ અને ‘તીવ્ર ઉત્તેજના’ની લાગણી પર અંકુશ રાખવો જ પડે છે. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે સુખ-દુઃખમાં, લાભ-ગેરલાભમાં, માન કે અપમાનમાં અને વિજય અને પરાજયમાં ‘સમતા’ રાખવી!

આવું શ્રીકૃષ્ણ કહી શકે. સામાન્ય માનવી તો કહેશે કે આમાં કહેવું જેટલું સહેલું છે તેટલું આચરણમાં મૂકવું સહેલું નથી, અત્યંત મુશ્કેલ છે. એ દલીલમાં જરૂર તથ્ય છે પણ સાથે-સાથે આપણે સમજવું પડે કે જિંદગીનું મધ આપણે ખરેખર ચાખવું જ છે તો મધની સાથે મધમાખીના ડંખ અને કાંટાની સોયની વેદના પણ સ્વીકારવી જ પડશે. આવી પીડામાં કશી મીઠાશ અને કશુંક ગુણકારી ઔષધ સંભવી શકે છે. – લેખકના પુસ્તકમાંથી

You might also like