જય વીર ઝંડ હનુમાનજી જનતાનગર ચાંદખેડા

હનુમાનજી એટલે ભક્તોના આરાધ્ય દેવ. હનુમાનજીનું મંદિર જોતાં જ ગમે તેટલો નાસ્તિક પણ મનોમન નમન તો કરી જ દે છે. ગમે તેવું પ્રબળ સંકટ હોય તો પણ હનુમાનજીને શરણે જનારાનું સંકટ ટળી જાય છે. આથી ભક્તો તેમને સંકટમોચન હનુમાનજી તરીકે ઓળખે છે. આખા ભારતના લગભગ દરેક ગામમાં હનુમાનજીનું નાનું મોટું મંદિર અવશ્ય હોય જ છે. નાનાં નાનાં ગામમાં તો ભાગોળે હનુમાનજીનું મંદિર હોય છે જ. વાત આજે આપણે કરવાની છે ચાંદખેડાના જનતાનગરમાં આવેલા જય વીર ઝંડ હનુમાનજીના મંદિરની.

પાવાગઢથી ૪૦ કિલોમીટર દૂર જાંબુઘોડા અભયારણ્યમાં ઝંડ વીર હનુમાનજીનું વિશાળ મંદિર આવેલું છે. ત્યાંના સ્થાનિક આદિવાસીઓના કહેવા મુજબ આ મંદિર ૪૦૦ વર્ષ જૂનું છે. બીજા કેટલાકના કહેવા પ્રમાણે હનુમાનજીની આ મૂર્તિ મહાભારત કાળમાં પાંડુશ્રેષ્ઠ ભીમે સ્થાપી હતી. તે પછી નામ તેનો નાશ કહેવત મુજબ હનુમાનજીની મૂર્તિ સિવાયના આજુબાજુના સ્થળનું કેટલીય વખત સર્જન વિસર્જન થયું, હનુમાનજીની મૂર્તિ આજે પણ તેવી ને તેવી જ છે. ચાંદખેડાના ભક્તોના જણાવ્યા મુજબ અહીં લોકો વખતોવખત જતા. એક વખત જનતાનગરના એક હનુમાન ભક્ત જાંબુઘોડા ગયાે. તેમને હનુમાનજીની આ મૂર્તિ ખૂબ ગમી ગઇ.

તેમણે મનોમન નક્કી કરી લીધું કે આવું જ એક મંદિર મારે ચાંદખેડા જનતાનગરમાં બનાવવું છે. બીજા અનેક ભક્તોને લઇને તેઓ ફરીથી જાંબુઘોડા ગયા. તેમણે તેમને આ મંદિર બતાવ્યું અને જણાવ્યું કે આપણે જનતાનગરમાં આવું એક મંદિર બનાવીએ. ભક્તો તરત સંમત થઇ ગયા. હનુમાનજીની મૂર્તિ તેમણે અમદાવાદમાંથી લીધી. થોડો ફાળો ઉઘરાવ્યો અને મંદિરનું બાંધકામ ચાલુ કર્યું. હનુમાનજીની આ મૂર્તિ એટલી ભવ્ય છે કે તેમને જોતાં જ માથું શ્રદ્ધાથી નમી પડે. કહેવાય છે કે જાંબુઘોડા અભયારણ્યમાં શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુને પાતાળમાં તીર મારીને પાતાળ ગંગા પ્રગટ કરી. આજે પણ ત્યાં પાણીની તંગી પડતી નથી. આ પાતાળ ગંગામાંથી અવિરત પાણી વહ્યા કરે છે. ચાંદખેડા જનતાનગરના પ્રવેશદ્વારમાં જ જય વીર ઝંડ હનુમાનજીનું મંદિર છે.

મંદિરના પ્રવેશદ્વારમાં જમણી બાજુ ગણેશજી તથા ડાબી બાજુ કાળભૈરવ દાદા છે. મંદિરના પ્રવેશદ્વારની ડાબા હાથે સંભવનાથ જૈન દેરાસર છે. જમણે હાથે શનિદેવનું ખૂબ સુંદર મંદિર છે. કહેવાય છે કે શનિદેવ ન્યાયના દેવતા છે. તેઓ ક્યાંય અનિષ્ટ થવા દેતા નથી. વીર ઝંડ હનુમાનજીના મંદિરમાં સવાર સાંજ આરતી ટાણે ખૂબ ભક્તો ઊમટી પડે છે. આ મંદિરમાં દર શનિવારે સુંદરકાંડનો પાઠ કેતન કામલેની વ્યાસપીઠે થાય છે ત્યારે હૃદયંગમ દૃશ્યો સર્જાય છે. જો તમારું કોઇ કામ થતું ન હોય તો અહીં એક વખત દર્શન કરવા માત્રથી તમારું કામ હળવું થઇ જાય છે. મંદિરને ભક્તો તરફથી વિશાળ શેડ પ્રાપ્ત થયો છે. એક ભક્ત તરફથી સાઉન્ડ સિસ્ટમ તથા આરતી વખતે વગાડવાના નગારાંનો સેટ  પણ પ્રાપ્ત થયો છે. •શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like