હનુમાન જંજીરાનું અનુપમ માહાત્મ્ય

કળિયુગમાં હનુમાનજી પ્રત્યક્ષ દેવ છે. તેમની સાધના કરનાર સાધકને તરત ફળ મળતું જોવા મળે છે. તેમાંય પણ હનુમાન જંજીરાની સાધના અચૂક ફળ આપનારી ગણાય છે. તેને માલામંત્ર પણકહેવાય છે. ૩ર અક્ષરથી વધુ અક્ષરના મંત્રને માલામંત્ર કહેવામાં આવે છે. આની સાધના સ્વયંસિદ્ધ કરવામાં આવે છે. અર્થાત્ માલામંત્રના જાપથી સફળતા મળે છે. તેને સિદ્ધ કરવાની જરૂ પડતી નથી.

હનુમાન જંજીરાનું ચલણ નાથ સંપ્રદાય દ્વારા અસ્તિત્વમાં આવ્યું છે. ગુરુ ગોરખનાથ અને ગુરુ મછેન્દ્રનાથ જંજીરા સાધનાના આદ્ય પ્રવર્તક છે. જંજીરાની સાધના કાળી ચૌદશ અને દિવાળીની રાત્રે કરવામાં આવે તો તત્કાળ સિદ્ધિ આપે છે. આ હનુમાન જંજીરાની સાધના મંદિરમાં, સ્મશાનમાં, નદી કિનારે કે નદી પાસે આવેલા પર્વતની ગુફામાં સ્થાપિત હનુમાનજીના મંદિર પાસે કરવાથી ખૂબ જ ઝડપી તેનું ફળ મળતું સાધકને દેખાય છે.

હનુમાન જંજીરાની રચના સામાન્ય રીતે લોકબોલીમાં કરવામાં આવી છે. જંજીરાના અંતમાં આણ આપવામાં આવે છે. કેટલાક જંજીરામાં આણ આપવામાં આવતી નથી.

એક પ્રખર હનુમાન ભક્તના મત મુજબ જેટલી ભારે આણ હોય તેટલો જંજીરો શીઘ્ર ફળ આપે છે. આણ વગરના જંજીરા સાત્વિક ગણાય છે. તે ઉગ્રતાના અભાવવાળા જંજીરા ગણાય છે. અત્રે આણના કેટલાક પ્રકાર જોઇશું.

મેરી ભક્તિ ગુરુ કી શક્તિ ફરો મંત્ર ઇશ્વરોવાચ. જંજીરાના અંતમાં મોટા ભાગે આ પ્રકારની આણ જોવા મળે છે. આણનો આ પ્રકાર ખૂબ સાત્વિક છે.

માતા કી શૈયા પર પાંવ ધરે શિવ કી જટા તૂટે. આણનો આ પ્રકાર ખૂબ ઉગ્ર છે. તે ખૂબ તામસી પણ છે. આ પ્રકારની આણનો જંજીરો અચૂક ફળ આપે છે, પરંતુ તેમાં જે તે દેવની મરજી હોતી નથી. આમાં હું અંગતપણે માનું છું કે દેવની મરજી વગરની સાધના કરવી હિતાવહ નથી.

કેટલાક જંજીરામાં આણ નથી. તે નીચે મુજબ છે.
ભોંય કરો પથારી તંબૂ તાણો આકાશ
રામચંદ્રજી કો આશરો હનુમાન હમારા સાથ
કાળા માળા કૂકડા જમદૂત હમારા ગુલામ
આ જંજીરા આણ આપવામાં આવેલી નથી. આ જંજીરો ઘણો સાત્વિક અને અનેક પ્રકારના કાળમાં પ્રયોજી શકાય છે. જંજીરા સામાન્ય રીતે આત્મરક્ષા, પ્રેત બાધા દૂર કરવા, રોગ, શોક દૂર કરવા માટે હોય છે.

જંજીરા હનુમાનજી ઉપરાંત ચામુંડા મા, કાલભૈરવ, લક્ષ્મીજી, ગણેશજીના પણ જોવા મળે છે. કબીર પંથના એક મહાત્માએ કબીર સાહેબનો જંજીરો બનાવેલો છે. જે લગભગ અપ્રાપ્ય છે. એવું કહેવાય છે કે આ જંજીરાથી જુગારના આંક કાઢી શકાતા હતા. તેથી આ જંજીરો એક સાત્વિક સાધુના હાથમાં આવવાથી તેમણે સમાજમાં બદી ન ફેલાય તથા તેનો દુરુપયોગ ન થાય તે માટે નષ્ટ કરી દીધો છે.

હનુમાનજીના જંજીરાની સાધના કરતાં પહેલાં દાદાને તેલ સિંદૂરનો ચોલો ચડાવવો. આંકડાની તથા ૧૧ લવિંગની માળા ચડાવવી. ચૂરમાનું નૈવેદ્ય ચડાવવું આવશ્યક છે. હનુમાન જંજીરાની સાધના વીરાસનમાં બેસી કરવાથી ઉત્તમ ફળ મળે છે. હનુમાનજી સંયમના તેજનાં પ્રતીક છે. જેઓ કામી હોય, માંસાહારી હોય તેણે આ પ્રયોગ ન કરવો. હનુમાનજીની ભક્તિ, ઉપાસનાથી ખૂબ દૂર રહેવું. હનુમાન સાધના સાત્વિકને ઉત્તમ ફળ આપે છે. તામસીને દંડ આપે છે. ઘણા તામસી ભક્તો ગાંડા થઇ ગયેલા લેખકને જોવા મળ્યા છે. •
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like