હનુમાનજી ગૃહસ્થ કે બાળ બ્રહ્મચારી

આજ સુધી આપણે એમ જ સાંભળ્યું છે કે હનુમાનજી બાળ બ્રહ્મચારી છે. તેઓએ તેમનું સમગ્ર જીવન ભગાવન શ્રીરામને અર્પણ કર્યું છે. તેઓ રાજકુમાર હોવા છતાં પિતા કેસરીનું રાજ્ય છોડી કિષ્કિંધાનાં દુર્ગમ જંગલ, પહાડો વચ્ચે ભગવાન સૂર્યદેવના પુત્ર સુગ્રીવ સાથે રહ્યા અને ભગવાન શ્રીરામ, લક્ષ્મણ ભૈયા તથા મા જાનકીની સેવા આજે પણ કરે છે. વાત અહીં એવી છે કે હનુમાન ભક્તો તથા બીજા અન્ય ભક્તો પણ આ લેખના લેખક ઉપર કાંઇક અંશે કૃદ્ધ થાય છતાં આપણાં શાસ્ત્રોની અવનવી તથા અટપટી દુનિયામાં હનુમાનજીને ગૃહસ્થ સ્વરૂપે પણ દર્શાવાયા છે. આ વાત પરાશર સંહિતામાં સ્પષ્ટપણે જણાવી છે.

હનુમાનજીને ભગવાન સૂર્યનારાયણ પાસેથી વિદ્યા શીખવા માટે ભગવાન સૂર્યનારાયણની એક પુત્રી સુવર્ચલા સાથે લગ્ન કરવાં પડ્યાં હતાં. હનુમાનજીએ બાળ બ્રહ્મચારી હોવાથી ફક્ત વિદ્યા શીખવા માટે જ સૂર્યદેવના કહેવાથી તેમની પુત્રી સુવર્ચલા સાથે લગ્ન કર્યાં હતાં તેમાં જગ કલ્યાણ સિવાય બીજી કોઇ જ વાત હતી નહીં. ઝાઝી પંચાત કર્યા વગર શ્રી હનુમાનજીની ક્ષમા માગી આપની સમક્ષ પારાશર સંહિતામાં વર્ણવાયેલી આ કથા અત્રે આલેખું છું. હનુમાનજી શિવના અંશ હોવાથી આ કથા અત્રે અસ્થાને નહીં જ ગણાય.

કથાઃ
હનુમાનજી સંકટમોચક તથા બાળ બ્રહ્મચારી તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આજે પણ તે વિદ્યમાન છે. શું તમે કદી સાંભળ્યું છે કે હનુમાનજીનો વિવાહ પણ થયો હતો? તેમનું તથા તેમની પત્નીનું એક મંદિર પણ છે. જ્યાં લોકો તથા ખાસ તો હનુમાન ભક્તો દર્શન કરવા આવે છે. તે પણ દૂર દૂરથી. કહેવાય છે કે હનુમાનજીના આ મંદિરે તેમની પત્ની સાથેની મૂર્તિનાં દર્શન કરવાથી ઘરમાં પતિ પત્ની વચ્ચે ચાલતા ઝઘડાનો અંત આવે છે. છૂટાછેડા સુધી ગયેલી વાતનું સુખદ સમાધાન થાય છે. વાત છે આંધ્રપ્રદેશના ખમ્મમ જિલ્લામાં આવેલ હનુમાનજીના આ મંદિરની, જ્યાં તેઓની મૂર્તિ તેમની પત્ની સુવર્ચલા કે જે સૂર્યદેવની પુત્રી, શનિદેવની તથા મા તાપીની બહેન છે તેની છે.

હનુમાનજીને ભગવાન સૂર્યનારાયણ પાસે તેમના પિતા કેસરી તથા માતા અંજની વિદ્યા ગ્રહણ કરવા મોકલે છે. હનુમાનજી ફક્ત રામદૂત નથી. તે તો જબરદસ્ત ગાયક, સંગીતકાર, જ્યોતિષી તથા અનેક વિદ્યાના જ્ઞાતા પણ છે. તેમણે અનેક રાગ શોધેલા છે તેવું હનુમાન જ્યોતિષ નામના ગ્રંથમાં વર્ણન છે. હનુમાનજીના ગુરુ સૂર્યનારાયણ છે. હવે તેમને તો નિરંતર ચાલ્યા જ કરવું પડે. હનુમાનજી સૂર્યદેવતાના રથ પર રહી તેમની પાસેથી વિદ્યા ગ્રહણ કરે છે. તેઓ પરમ વિચક્ષણ તથા બુદ્ધિશાળી હોવાથી તરત વિદ્યા શીખી જતા. સૂર્યદેવે ભણાવેલ પાઠ તેમને અક્ષરશઃ યાદ રહી જતો.

એક વખત સૂર્યનારાયણ સમક્ષ એક ધર્મસંકટ આવી ગયું. હનુમાનજી સૂર્યદેવ પાસેથી નવ વિદ્યા શીખ્યા, જેમાંથી પાંચ વિદ્યા તો તેમને ગુરુએ અર્પણ કરી, પરંતુ ગુરુ સૂર્યનારાયણ બીજી ચાર વિદ્યા શીખવતાં ધર્મસંકટમાં મુકાઇ ગયા. આ ચાર વિદ્યા ફક્ત પરણેલાને જ શીખવી શકાય. હવે? સૂર્યદેવે પોતાને આવડતી બધી જ વિદ્યા શીખવવાનો સંકલ્પ લીધો હતો. આ તો ધર્મસંકટ છતાં તેમણે શિષ્ય હનુમાનજીને આ અંગે વાત કરી. સાથે જણાવ્યું કે હવે બાકીની ચાર વિદ્યા શીખવા તમારે લગ્ન કરવા પડશે, પણ હનુમાનજીની પત્ની કોણ બને? તે સવાલ હતો.

આથી સૂર્યદેવે વચલો રસ્તો કાઢી તેમણે તેમની ખૂબ તેજસ્વી પુત્રી છે તેની સાથે તેમનો વિવાહ નક્કી કર્યો. વિદ્યા ગ્રહણ કરવા માટે હનુમાનજી લગ્ન કરવા તૈયાર થયા. સૂર્યનારાયણ તેમની પુત્રી સુવર્ચલાનાં લગ્ન ધામધૂમથી કર્યાં. હનુમાનજી વિવાહિત થઇ ગયા. હવે તે વિદ્યાના અધિકારી થયા. હનુમાનજી તથા સુવર્ચલા લગ્નની રાતથી જ તપસ્યા કરવામાં લીન થઇ ગયા. હનુમાનજી વિવાહિત હોવા છતાં આજે પણ બાળ બ્રહ્મચારી છે. સૂર્યદેવ પાસેથી નવે નવ વિદ્યા શીખીને કામકાજમાં લાગી ગયા. ફરીથી હનુમાનજીની ક્ષમા, કારણ કે આ અપ્રસ્તુત વાત ફક્ત ભક્તો માટે જ રજૂ કરી છે.•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like