શ્રી હનુમાન ઉપાસના

સમગ્ર ભારતમાં તમને ઠેર ઠેર શિવાલય અથવા હનુમાનજીનાં નાનાં કે મોટાં મંદિરો જોવા મળશે. જેટલા શિવાલય હશે તેટલાં જ તેનાથી વત્તા કે ઓછા અંશે હનુમાનજીનાં પણ મંદિર જોવા મળે જ છે. હનુમાનજી નૈષ્ઠિક બ્રહ્મચારી છે. તેમની સાધના જો કોઇ મન, વચન, કર્મથી પવિત્ર રહીને કરે તો જે તે હનુમાનજી ઉપાસકનાં કઠિનમાં કઠિન કે ખૂબ ભયંકર કષ્ટ દૂર થાય છે. જગતના સાત ચિરંજીવીઓમાં જેની ગણના થાય છે તેવા શ્રીરામ ભક્ત હનુમાનજી છે. જેમ શંકરનું શિવાલય નંદિ વગરનું નથી હોતું તેમ શ્રીરામના રામજી મંદિરમાં હનુમાનજી મહારાજ અવશ્ય જોવા મળે છે.
હનુમાનજી, બળ, બુદ્ધિમાં સંપન્ન છે. તેઓ માનસશાસ્ત્ર, રાજનીતિ, સાહિત્યિક તત્વજ્ઞાન વગેરેનું ઊંડું જ્ઞાન ભગવાન સૂર્યદેવ પાસેથી શીખ્યા હતા. અર્થાત્ તેઓ શ્રી સૂર્યનારાયણના પ્રિય શિષ્ય છે. અહીં આપણે શ્રી હનુમાનજી મહારાજની સરળ ઉપાસના કેવી રીતે કરવી તે જોઇએ.
ઉપાસનાની સરળ રીતઃ
દરરોજ પ્રાતઃકર્મ પતાવી સ્નાન કરી હનુમાનજી ચાલીસાનો પાઠ કરવો. મંગળવાર તથા શનિવારે હનુમાનજીનું પૂજન કરી તેમના કપાળમાં સિંદૂર લગાવવું. તેમને જે ભક્ત સિંદૂર ચડાવે છે તે ભક્તના મનમાંથી ભયની લાગણી સદા માટે ચાલી જાય છે. શત્રુઓ ફાવતા નથી. તબિયત સારી રહે છે. દર શનિવાર તથા મંગળવારે આંકડાના મોટા ફૂલની માળા અવશ્ય ચડાવવી, તેમને પ્રસાદમાં બુંદી, સૂકો મેવો કોઇ ફળ કે મલિદો ચડાવી શકાય છે.
હનુમાનજીની તત્કાળ પ્રસન્નતા મેળવવા જે તે ભાવકે રાતના નવ પછી શનિવારે સો હનુમાન ચાલીસાના પાઠ કરવા. ૧૦૧ કે ૧૦૮ કરવા નહીં ફક્ત ૧૦૦ હનુમાન ચાલીસા કરવા કારણ કે હનુમાન ચાલીસામાં સ્વયં તુલસીદાસજી મહારાજે લખ્યું છે કે, જો શત બારપાઠ કરે કોઇ છૂટે હિ બંદિ મહાસુખ હોઇ. હનુમાન ચાલીસાને પોતાની જિંદગીભરનું પુણ્ય અર્પણ કરીને શ્રી તુલસીદાસજીએ હનુમાન ચાલીસાને અપાર સિદ્ધિ અર્પણ કરી છે. પાઠ બને તો મોઢે કરવા. જેમને પાઠ મોઢે નથી તેવા ભક્તે લાલ રંગમાં છપાયેલી હનુમાન ચાલીસાના પાઠ કરવા. કારણ કે લાલ રંગમાં છપાયેલી હનુમાન ચાલીસાનું મહત્ત્વ વધારે છે. તે રંગ હનુમાનજીને ખૂબ પ્રિય છે. પાઠ બને તો લાલ પીતાંબર પહેરીને જ કરો. હા પાઠ કરવા બેસતી વખતે એક અખંડ દીપક સિંગતેલનો ચાલુ રાખવો. અગરબત્તી અખંડ રાખવી. કપાળે એક તિલક સિંદૂરનું કરવું. પાઠ પૂર્ણ થયેથી બને તો સુંદરકાંડનો એક પાઠ કરવો. પાઠ પૂર્ણ થયા પછી વડીલોને પગે લાગવું. તેમની આરતી કરવી. પ્રસાદ વહેંચવો. પાઠમાં બેસતાં પહેલાં ગણપતિ મહારાજને ૧૦૦ પાઠ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરવી. પાઠ દરમ્યાન ઇશારા કરવા નહીં, બોલવું નહીં.
હનુમાનજી વીર છે, વીર તથા ઉગ્ર દેવ દેવીની ઉપાસના રાત્રે નવ પછી કરવાનું શાસ્ત્રોકત વિધાન છે. રાતના નવ પછી વીર તથા ઉગ્ર દેવ દેવી પૃથ્વી પર વિચરણ કરતા હોય છે. જ્યાં તેમની સાધના ઉપાસના રાત્રે નવ પછી થતી હોય છે ત્યાં તેઓ તત્કાળ પહોંચી જઇ પ્રસન્નતા અનુભવે છે, તે ખુશ થતાં જ તેઓ જે તે ભક્તની મનની ઇચ્છા જાા તેને પૂર્ણ કરે છે.
સાવધાની ઃ
મન, કર્મ, વચનથી પવિત્ર રહેવું, પારકી સ્ત્રીને હંમેશાં માતા કે બહેન કે દીકરીનાં સ્વરૂપે જોવાં, કોઇ સ્ત્રી માટે મનમાં કુભાવ લાવવો નહીં, બને તેટલું બ્રહ્મચર્ય પાળવું.
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like