મેંગલુરુના કરણ આચાર્યએ બનાવેલા હનુમાનજીનો સ્કેચ વાઈરલ થયો

મેંગલુરુ: આજકાલ બેંગલુરુુમાં દર બીજા વાહન પર ગુસ્સાવાળા હનુમાનજીનાં સિંદૂર રંગવાળાં સ્ટિકર જોવા મળી રહ્યાં છે. મેંગલુરુના કરણ આચાર્યએ બનાવેલો હનુમાનજીનો સ્કેચ વાઈરલ થઈ ગયો હોવાથી આવું જોવા મળી રહ્યું છે. હનુમાનજીના ફોટાવાળાં આવાં સ્ટિકર કેબ્સ, ઓટોરિક્ષા, મોટાં વાહનથી લઈને ખાનગી ગાડીઓ પર લાગેલાં જોવા મળે છે. આ સ્ટિકરની વિશેષતા અે છે કે તેમાં હનુમાનજીનું ચિત્ર જોવા મળે છે.

કર્ણાટકમાં થોડા દિવસોમાં જ જાણીતી થઈ ગયેલી આ તસવીરને બનાવનારા કરણ આચાર્યએ જણાવ્યું કે તેણે હનુમાનજીનું આ ચિત્ર તેના મિત્રોના કહેવાથી બનાવ્યું હતું, પરંતુ ત્યારે તેને એ વાતનો અંદાજ ન હતો કે તેનું આ ચિત્ર (સ્કેચ) સ્ટિકરમાં ફેરવાઈ જઈને આટલું બધું પ્રચલિત થઈ જશે. ગત માસે તે જ્યારે બેંગલુરુ ગયો હતો ત્યારે દરેક બીજી ગાડી પર તેણે બનાવેલા હનુમાનજીના ચિત્રનું સ્ટિકર લાગેલું જોતાં તે પણ ચોંકી ઊઠયો હતો. આ અંગે કરણે જણાવ્યું કે મારા મિત્રોએ મને જણાવ્યું કે મારું આ ચિત્ર ખૂબ જ જાણીતુું થઈ ગયું છે ત્યારે મને એ વાત પર ભરોસો ન હતો, પરંતુ આજે મારી આંખે આવાં સ્ટિકર મોટા ભાગનાં વાહનો પર જોતાં હું પણ આ બાબતથી અચરજમાં મુકાઈ ગયો છું.

ગણેશ ચતુર્થી માટે સ્કેચ બનાવવાનો હતો
કરણે જણાવ્યું કે તે ગણેશ ચતુર્થી માટે ખાસ સ્કેચ બનાવવાનો હતો, પરંતુ મેં હનુમાનજીના સ્કેચ બનાવીને મોકલી આપ્યા હતા, જોકે મને ખબર ન હતી કે મારા આવા સ્કેચ કર્ણાટકમાં વાઈરલ થઈ જશે. તેણે વધુમાં જણાવ્યું કે તે હનુમાનજીની આખી તસવીર બનાવવા માગતો હતો, પરંતુ હાલ તે માત્ર ચહેરો જ બનાવી શક્યો છે. કરણે આવી તસવીરને કોપીરાઈટ કરાવી નથી. તેનું કહેવું છે કે તેની આર્ટ-કળા આટલી બધી પ્રચલિત થઈ જતાં તે ગર્વ અનુભવે છે. તેણે જણાવ્યું કે ભલે મને આ સ્કેચથી પૈસા નથી મળ્યા, પરંતુ મારી કલાની કદર તો થઈ છે તે વાત મારા માટે આનંદની વાત છે.

You might also like