શું હનુમાનજી ખરેખર વાનર હતા ?

હનુમાનજી નામ સાંભળતાં જ લગભગ દરેક ધાર્મિક વ્યક્તિના કાન સરવા થઇ જાય અને મન મનોમન તેમના સ્વરૂપને વંદી પડે. માથું નતમસ્તક આપોઆપ થઇ જાય. હનુમાનજી આ કલિયુગના હાજરાહજૂર દેવ છે. જયાં જયાં રામાયણનું પઠન થતું હોય છે ત્યાં ત્યાં એક ખાસ આસન અથવા ગાદી તેમને બેસવા માટે મુકાય છે. રામાયણ કહે છે કે જયાં જયાં રામાયણનું પઠન થતું હોય છે ત્યાં ત્યાં હનુમાનજી મહારાજ સૂક્ષ્મરૂપે વિચરે છે ત્યાં સુધી તેઓ મંડપમાં રહે છે જયાં સુધી કથા પૂરી ન થાય.
ઘણા લોકો હનુમાનજીને અગિયારમા રુદ્ર ગણે છે. ઘણા લોકો તેમને વાનર સ્વરૂપ ગણેછે. ભક્તોમાં આ બાબતે ભેદ છે છતાં ભક્તો હનુમાનજી આગળ નત મસ્તક થઇ જાય છે તે વાત નિર્વિવાદ છે. આજે ઘણા શ્રીમંતો તથા ઘણા હનુમાન ભક્તો જયાં પણ વાંદરા જુએ ત્યાં તેને હનુમાન સ્વરૂપ ગણી પગે લાગે છે ઘણા દિલદાર ભકત તથા શ્રીમંતો દર શનિવારે તથા મંગળવારે વાંદરાને કેળાં, બિસ્કિટ કે અન્ય ફળફળાદિ આપે છે. આ તો છે હનુમાનજી મહારાજ પ્રત્યેની અપ્રતીમ ભક્તિ. હનુમાનજી કોણ? બાબતની એક કથા આપના સમક્ષ પ્રસ્તૃત છે.

એક વખત નારદજીને અભિમાન થયું કે હું ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત છું તેથી હું નિર્મોહી બની ગયો છું. તેથી ભગવાને તેમની ભ્રમ ભાગવા માયા રચી. તેથી નારદજી એક રૂપાળી રાજ કન્યાસાથે લગ્ન કરવા તૈયાર થઇ ગયા. તે કન્યા તો મા મહાલક્ષ્મી સાક્ષાત હતાં. જયારે તે કન્યાનો સ્વયંવર રચાયો ત્યારે નારદજી ભગવાન પાસેથી તેમના જેવું સુંદર રૂપ ઉછીનું લઇ સ્વયંવરમાં ગયા. ભગવાન તો માયાવી.

તેમણે નારદજીને શ્રેષ્ઠ કરવાનું વચન આપી નારદજીને વાનરરૂપ આપ્યું. નારદજીને તો વિશ્વાસ હતો કે ભગવાન મારી પડખે છે. તેથી મારાં લગ્ન તે કન્યા સાથે જરૂર થશે. સ્વયંવર શરૂ થયો બધાને નાપસંદ કરતી તે કન્યા નારદજીને જોઇ ખડખડાટ હસી પડી પછી આગળ વધી ગઇ. બીજી બાજુ વિષ્ણુ પણ ત્યાં ગયા હતા. લક્ષ્મી તો વિષ્ણુ સિવાય કોને વરે! તેમણે ભગવાનના ગળામાં વરમાળા પહેરાવી દીધી. નારદજી ગુસ્સામાં રોષભેર ત્યાંથી ચાલી નીકળ્યા. એક જળાશય આવ્યાં તે પાણી પીવા ત્યાં ગયા. ત્યાં પાણીમાં તેમણે તેમનું સ્વરૂપ જોયું. તે સ્વરૂપ વાનરનું હતું.

નાદરજીને ખ્યાલ આવ્યો કે આ સ્વરૂપ તો ભગવાન આપ્યું છે. તે જ વખતે ભગવાન મા લક્ષ્મી સાથે ત્યાંથી પસાર થતા હતા. તેમને જોઇ નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો કે, ‘તમે મારી મશ્કરી કરી છે તેથી તમારે માનવ થવું પડશે. રાજા થવા માટે વને વને રખડવું પડશે. જેમ મને પત્ની ન મળી તેમ તમારે પણ પત્ની વિયોગ સહેવો પડશે. તમે મને વાનર સ્વરૂપ બનાવી મારી મશ્કરી કરી છે તેથી તમારે વનવાસમાં પણ મારી જેવા વાનરની સહાય લેવી પડશે. તો જ તમે શત્રુ પર વિજય મળવશો.’

જયારે નારદજી ઉપરથી માયાનો પ્રભાવ દૂર થયો કે તરત તેમને પોતાની મુર્ખાઇભર્યા શ્રાપ ઉપર ખૂબ પસ્તાવો થયો. હવે શું થાય? શ્રાપ તો નીકળી ગયો. તેજ વખતે ભગવાને પણ તેમને શ્રાપ આવ્યો હતો કે તારા રામ સ્વરૂપમાં તમારે જ મને વાનર સ્વરૂપ લઇ મદદ કરવી પડશે. આમ નારદજી ભગવાનના શ્રાપને કારણે હનુમાનજી બન્યા હતા.

એક બીજી કથા મુજબ રાવણ પોતાનું બળ બતાવવા કૈલાસ ઉપર ગયો ત્યારે નંદિને વાનર કહી મશ્કરી કરી. તેથી નંદિએ રાવણને શ્રાપ આપ્યો કે, ‘તારા બળનું તને અભિમાન છે તે બળ એક વાનર જ તોડશે. તેના થકી જ તારો વિનાશ થશે. આમ હનુમાનજી વિષ્ણુના શ્રાપને કારણે શિવજીનું રૂદ્રસ્વરૂપ વાનરરૂપ પામ્યું.’ •
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like