ડોકલામ વિવાદ વચ્ચે ચીને ભારત સાથેના સંબંધોને મહત્વપૂર્ણ ગણાવ્યા

બીજિંગ: સિક્કિમ-ભુતાન અને ચીનની સરહદ સાથે સંકળાયેલા વિસ્તાર ડોકલામમાં તણાવ વચ્ચે ડ્રેગને ભારત સાથેના પોતાના સંબંધોને મહત્ત્વપૂર્ણ ગણાવ્યા હતા. ‌ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ જણાવ્યું હતું કે ચીન અને ભારતે જે રીતે ડોકલામ મુદ્દાનું નિરાકરણ લાવેલ છે તેનાથી જણાય છે કે બંને દેશો વચ્ચેના સબંધોનું કેવું મહત્ત્વનું સ્તર છે.

હાલ નવી દિલ્હીમાં રશિયા, ચીન અને ભારતના વિદેશ પ્રધાનો વચ્ચે બેઠક ચાલી રહી છે. આ બેઠક માટે રવાના થતાં પહેલાં વાંગ યીએ આ વાત જણાવી છે. આ બેઠક દરમિયાન ચીનના વિદેશ પ્રધાન ભારતના અધિકારીઓને પણ મળશે. ડોકલામ, મૌલાના મસૂદ અઝહર, વન બેલ્ટ વન રોડ જેવા કેટલાય મુદ્દે ભારત અને ચીન વચ્ચેના સંબંધો અવરોધરૂપ હોવા છતાં બંને દેશોએ પરિપકવ પડોશીઓની જેમ વિવાદો વચ્ચે પારસ્પારિક સંબંધોને આગળ વધારવા પ્રતિબદ્ધતા વ્યકત કરી છે.

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને ચીનના તેમના સમકક્ષ વાંગ યી વચ્ચે એક કલાક સુધી મંત્રણા યોજાઇ હતી અને બંને દેશો વાતચીતને સતત ચાલુ રાખવા સંમત થયા છે. સુષમા સ્વરાજે વારંવાર ઉચ્ચસ્તરિય વાતચીત માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેને ચીનના વિદેશ પ્રધાને કોઇ પણ જાતના ખચકાટ વગર તેનો સ્વીકાર કર્યો હતો.

હવે ટૂંક સમયમાં બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની આગેવાનીમાં સરહદી વિવાદ ઉકેલવા માટે બેઠક યોજાનાર છે. સ્વરાજ અને વાંગ યીની દ્વિપક્ષીય મંત્રણા રશિયા, ભારત અને ચીનના (રિક)ના વિદેશ પ્રધાનોની વાર્ષિક બેઠક શરૂ થતાં પહેલાં થઇ હતી.

You might also like