પાક. ૭૨ કલાકમાં કોઈ મોટો નિર્ણય લઈ શકે છેઃ હામિદ મીર

નવી દિલ્હી: પઠાણકોટમાં થયેલા આતંકી હુમલાને લઈને પાકિસ્તાન સરકારે પણ હવે કડક વલણ અપનાવ્યું છે. હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા મળવા પર વડા પ્રધાન નવાઝ શરીફે ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી હતી અને પાકિસ્તાન તરફથી હવે આગામી ૭૨ કલાકમાં કોઈ મોટા સમાચાર મળશે એવો પાકિસ્તાનના પત્રકાર હામિદ મીરે દાવો કર્યો છે.

એક ટીવી ન્યૂઝ ચેનલ સાથેની ખાસ ચેનલમાં પત્રકાર હામિદ મીરે જણાવ્યું હતું કે પાકિસ્તાન પઠાણકોટના આતંકી હુમલાના સંદર્ભમાં કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. જોકે હુમલા સાથે સંકળાયેલ કોઈ પણ શખસની ધરપકડ થવા અંગે તેણે કંઈક કહેવાનો ઈનકાર કર્યો હતો.

હામિદ મીરે જણાવ્યું હતું કે આ બેઠકમાં નવાઝ શરીફ ઉપરાંત પાક.ના સંરક્ષણ પ્રધાન, ગૃહ પ્રધાન અને વિદેશ બાબતોના સલાહકાર પણ હાજર હતા. આ ઉપરાંત પાકિસ્તાનના એન.એસ.એ. નસીરખાન ઝાઝુઆ, વિદેશ સચિવ એઝાઝ અહેમદ, આઈબીના ડીજી આફતાબ સુલતાન પણ હાજર હતા.

વિદેશ સચિવ સ્તરની વાટાઘાટ રદ થવાના પ્રશ્ન પર હામિદ મીરે જણાવ્યું હતું કે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પાકિસ્તાનને જે પુરાવા આપવામાં આવ્યા છે તેના આધારે હવે નવાઝ શરીફ પર કાર્યવાહી કરવાનું દબાણ વધ્યું છે. બંને દેશ વચ્ચે હવે વાતચીત ચાલુ રહેશે કે સ્થગિત થઈ જશે તે અત્યારે કહી શકાય તેમ નથી.

આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ ગણાતા મૌલાના મસૂદ અઝહર અને ત્રણ અન્ય હેન્ડલરને લઈને હામિદ મીરે વધુમાં જણાવ્યું હતું કે પુરાવાના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે અન્ય કેટલાક લોકો અંગે માહિતી મળી છે. નવાઝ શરીફે આ અંગે કેટલીય બેઠક યોજી છે અને હવે કોઈ જરૂરી પગલાં ભરવા માટે સક્રિય વિચારણા ચાલી રહી છે.

You might also like