સોનાની Jewelry પર હોલમાર્કિંગ ટૂંક સમયમાં ફરજિયાત બનાવાશે

અમદાવાદ: દેશમાં સોનાની જ્વેલરીનું કરોડો રૂપિયાનું વેચાણ થાય છે, પરંતુ જ્વેલરીના વેચાણના હોલમાર્કિંગના નામે મોટી છેતરપિંડી થતી હોય છે. સરકારે આ છેતરપિંડીને રોકવા માટે કમર કસી છે. સોનાની જ્વેલરી પર હોલમાર્કિંગને ફરજિયાત કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવશે, જે અંગેના દિશા નિર્દેશો પણ આ સપ્તાહમાં જાહેર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જેના પગલે હોલમાર્કિંગ વગરની સોનાની જ્વેલરી વેચવી સંભવ નહીં બને. જ્વેલર્સે આ અંગે હોલમાર્કિંગનું લાઇસન્સ મેળવવું પણ જરૂરી બનશે. જ્વેલર્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે હાલ સોનાની જ્વેલરી પર હોલમાર્કિંગ સ્વૈચ્છિક છે. સોનાની જ્વેલરીની ક્વોલિટીને લઇને ગ્રાહકો અને જ્વેલર્સની વચ્ચેના વિશ્વાસ પર જ કારોબાર થાય છે.

સરકાર દ્વારા પ્રસ્તાવિત દિશા નિર્દેશોમાં હોલમાર્કિંગ જ્વેલરીમાં ૧૮ કેરેટ, ૧૪ કેરેટની જ્વેલરીની શુદ્ધતા માપવામાં આવશે. તબક્કાવાર આ નિયમને લાગુ કરવામાં આવશે, જેથી જ્વેલર્સને મુશ્કેલી ન પડે. ઉલ્લેખનીય છે કે હાલ દેશભરમાં એક અંદાજ મુજબ મોટા અઢી લાખથી વધુ જ્વેલર્સ છે, જેમાંથી માત્ર ૨૫ હજાર પાસે જ હોલમાર્કિંગના લાઇસન્સ છે.

દરમિયાન નાના અને મધ્યમ કક્ષાનાં શહેરો માટે સરકાર આ દિશા નિર્દેશો લાગુ કરવા માટે એક વર્ષ સુધીની રાહત આપી શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ એક અંદાજ મુજબ દેશભરમાં વેચાતી કુલ જ્વેલરીના ૪૦ ટકાથી વધુ જ્વેલરીમાં હોલમાર્કિંગના નિયમનો અભાવ જોવાય છે, છતાં ક્વોલિટીને લઇને છેતરપિંડી આચરાતી હોય છે.

ગ્રાહકો દ્વારા ઊંચા ભાવે ખરીદાતી સોનાની જ્વેલરી જ્યારે તેઓ વેચવા જાય ત્યારે નીચી ક્વોલિટીના કારણે ભાવ પણ ઓછા મળે છે. આ અંગે અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીના કહેવા પ્રમાણે હોલમાર્કિંગનો નિયમ લાગુ કરાય તો ગ્રાહકોને પણ ચૂકવેલા નાણાં સામે ગુણવત્તાવાળી જ્વેલરી મળશે.

You might also like