ભોપાલ જેલના ૧૬૦માંથી ૮૦ ગાર્ડ પ્રધાનોના બંગલા પર તહેનાત હતા

ભોપાલ: ભોપાલ જેલબ્રેકના કિસ્સામાં એક ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ૩૦ ઓક્ટોબરે ભોપાલની સેન્ટ્રલ જેલના ૧૬૦ સુરક્ષા કર્મચારી પૈકીના ૮૦ ગાર્ડ મુખ્ય પ્રધાન, ચીફ સેક્રેટરી, જેલ મિનિસ્ટર સહિતના પ્રધાનો અને ડીજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓના બંગલા પર સુરક્ષા માટે તહેનાત હતા.

ભોપાલ જેલમાં રહેલા ૨૯ પૈકી ૧૭ આતંકીએ દિવાળીની રાતે જ ભાગવાનું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ મેનેજમેન્ટમાં ગરબડ થતાં તેમાંથી માત્ર આઠ જ આતંકી ભાગવામાં સફળ થયા હતા, જોકે આ સમગ્ર ઘટનાનો માસ્ટરમાઈન્ડ અબુ ફૈઝલ હતો, જેમાં તેના પ્લાન મુજબ હાઈ સિક્યો‌િરટી સેલના સેક્શન-અે અને સેક્શન-બીમાં બંધ રહેલા ૧૭ આતંકીની બેરેકની ચાવી બનાવડાવવામાં આવી હતી અને તેમાં દરેક ચાવી પર તાળાનો નંબર હતો.

જેલતંત્ર અને પોલીસ દ્વારા આ અંગે કરવામાં આવેલી તપાસમાં આવી વિગતો બહાર આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેલ મેન્યુઅલના નિયમને સ્પષ્ટ રીતે તોડવામાં આવ્યા છે. આતંકીઓ દિવસભર બેરેક બહાર એકબીજાને મળતા હતા ત્યારે આ અંગે પોલીસ આતંકીઓના મદદગારની તપાસ કરી રહી છે. આ સમગ્ર કાંડમાં જાણવા મળ્યું હતું કે આતંકીઓ રોટેશનમાં જે તાળાં બદલવામાં આવતાં હતાં તેના પર સતત નજર રાખી રહ્યા હતા અને આ દરમિયાન તાળાંની ચાવીઓ પણ અહીંતહીં ફરતી હતી ત્યારે એક આતંકી ચાવી બનાવવામાં માહેર હતો, જોકે જેલનો ગુપ્તચર વિભાગ અને પોલીસ તેને ઓળખવામાં થાપ ખાઈ ગયાં હતાં.

સવારના નવથી સાંજના પાંચ વચ્ચે આતંકીઓ મળતા હતા
આ જેલમાં રહેલા આતંકીઓ દરરોજ સવારના 9 થી સાંજના પાંચ કલાક દરમિયાન એકબીજાને મળતા હતા. આ દરમિયાન દરેક આતંકી ત્રણ-ત્રણ કે ચાર-ચારના ગ્રૂપમાં એકબીજાની બેરેકમાં આવતા-જતા હતા અને તેમની મરજી મુજબ સાથે બેસતા હતા. જેલના નિયમ મુજબ સવારના 10 થી બપોરના એક અને સાંજના ચારથી 5-30 કલાક સુધી બેરેક બહાર નીકળવાનો નિયમ છે ત્યારે આતંકીઓ તેમની આ મુલાકાત વખતે પ્લાસ્ટિકના ટૂથબ્રશને ચાવી તરીકે તૈયાર કરતા હતા. આ માટે તેઓ કપડાં સીવવાની સોયને ગરમ કરીને બ્રશને ચાવીનો આકાર આપતા હતા. આ વાતનો પુરાવો તાળા સાથે ચોંટી ગયેલા પ્લાસ્ટિક પરથી મળ્યો હતો.

તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્લાનિંગ મુજબ તમામ આતંકીઓ રાતના એક થી બે વચ્ચે જ બેરેક બહાર નીકળ્યા હતા અને ત્યારે જ આ વખતે ફરજ પર રહેલા કર્મચારીની હત્યા કરી હતી અને આ દરમિયાન અવાજ સાંભળીને એક અન્ય ગાર્ડ આવ્યો પણ હતો, પરંતુ તેને રમાશંકરની લાશ બતાવીને ડરાવી દેવાયો હતો અને તે વાયરલેસથી મેસેજ આપી ન શકે તે માટે તેને ચાદરથી બાંધી દેવાયો હતો. દિવાળીની રાતે જે આતંકીઓ જેલમાંથી ભાગ્યા હતા તેમની પાસે બે બેગ હોવાનું પણ બહાર આવ્યું છે.

You might also like