નવો ફતવોઃ હજયાત્રા પર જતાં પહેલાં મુસ્લિમોએ તમામ દેવું ચૂકવી દેવું જોઇએ

નવી દિલ્હી: આલા હજરત દરગાહના સુન્ની બરેલી મૌલવીઓએ જારી કરેલા એક નવા ફતવામાં જણાવ્યું છે કે ઇસ્લામ કાયદા અનુસાર હજ જતાં પહેલાં કોઇ વ્યકિતએ પોતાનું તમામ દેવું ચૂકવી દેવું જોઇએ. મૌલવીએ એટલી હદે કહ્યું છે કે સરકાર દ્વારા લગાવવામાં આવેલા તમામ પ્રકારના ટેકસ પણ મુસ્લિમોએ હજ જતાં પહેલાં ચૂકવી દેવા જોઇએ. તેમાં મ્યુનિ. ટેકસ અને ઇન્કમટેકસનો પણ સમાવેશ થાય છે.

ફતવો જારી કરનારા મૌલવી મુફતી મહંમદ સલીમ નૂરીએ જણાવ્યું હતું કે ઇસ્લામી કાનૂન અનુસાર હજ પર જનાર મુસ્લિમોએ પોતાનું તમામ દેવું ચૂકવી દેવું જોઇએ. પયગંબર મહંમદ સાહેબે જણાવ્યું છે કે જ્યારે કોઇ વ્યકિત હજ પર જાય છે ત્યારે તે વ્યકિત અલ્લાહને મળવા જાય છે અને તેથી આવી કોઇ પણ વ્યકિત પર કોઇ પણ પ્રકારનું દેવું હોવું જોઇએ નહીં.

નૂરી જણાવે છે કે સરકાર દ્વારા પોતાના નાગરિકો પર લગાવવામાં આવેલા ટેકસ એ પણ એક પ્રકારનું દેવું છે અને તેથી હજયાત્રા પર જતાં પહેલાં સરકારના તમામ ટેકસ ચૂકવી દેવા જોઇએ. ઇસ્લામ જણાવે છે કે લોકોએ પોતાની રોજબરોજની જવાબદારી અદા કરી દેવી જોઇએ અને પછી ધાર્મિક જવાબદારી પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

You might also like