હાફિઝ સઈદની ધમકીઃ તો પાકિસ્તાન ભારત પર ડ્રોન અણુહુમલા શરૂ કરી દેશે

નવી દિલ્હી: પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના વડા અને ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદે ફરી એક વાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. હાફિઝ સઈદે ભારતને પોકળ ધમકી આપતાં જણાવ્યું છે કે ભારત હવે પાકિસ્તાનને ૧૯૭૧ના સમયનો દેશ ન સમજે. હવે ૧૯૭૧નું પાકિસ્તાન રહ્યું નથી. હવે પાકિસ્તાન પાસે અણુશસ્ત્રોની તાકાત છે. હવે પાકિસ્તાન ભારતને કોઈ પણ જવાબ આપવા સક્ષમ છે.
પાકિસ્તાનમાં ખુલ્લેઆમ રેલી યોજીને હાફિઝ સઈદે અમેરિકા અને ભારત પર હુમલો કરતાં જણાવ્યું છે કે અમેરિકા ભારતીય એરપોર્ટ પર ડ્રોન તહેનાત કરી શકે છે અને એ દ્વારા પાકિસ્તાન પર અમેરિકા ડ્રોન હુમલા કરી શકે છે, પરંતુ જો આવું બનશે તો પાકિસ્તાન પણ ડ્રોન દ્વારા ભારત પર અણુહુમલા કરશે.
જો ભારતીય ધરતી પરથી પાકિસ્તાન વિરુદ્ધ ડ્રોન હુમલા કે અન્ય કોઈ આક્રમણ થશે તો પાકિસ્તાન પાસે પણ સમગ્ર ભારતમાં હુમલા કરી શકાય એટલી સંખ્યામાં ડ્રોન છે. હાફિઝ સઈદ બે િદવસ સુધી ભારત-પાકિસ્તાન સરહદે દેખાયો હતો અને તેણે ૧૦ સરહદી ગામોમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકતું ભાષણ કર્યું હતું.
હાફિઝ સઈદના આ નવા વીડિયોથી ફરી એક વાર સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાનની કરણી અને કથનીમાં ફેર છે. પાકિસ્તાન અવારનવાર એવો દાવો કરે છે કે તેની ધરતી પરથી ભારત વિરુદ્ધ ત્રાસવાદી પ્રવૃત્તિઓ કરવામાં આવતી નથી, પરંતુ આ નવા વીડિયોમાં પાકિસ્તાનની પોલ ફરી એક વાર ઉઘાડી પડી ગઈ છે.
હાફિઝ સઈદે ફરી વાર ધમકી આપી છે કે જો ભારત પાકિસ્તાન વિરુદ્ધ કોઈ પણ આક્રમણ કરશે અથવા તો આક્રમણ કરવા માટે અમેરિકાને પોતાની ધરતીનો ઉપયોગ કરવા દેશે તો ભારતે તેનાં ખતરનાક જીવલેણ પરિણામોનો સામનો કરવો પડશે.

You might also like