હાફિઝ સઈદના નામે યુપીમાં બે શાળાને ફૂંકી મારવાની ધમકી

આગ્રા: ૨૬/૧૧ના માસ્ટર માઈન્ડ અને દેશના સૌથી વોન્ટેડ આતંકી હાફિઝ સઈદના નામે બોમ્બ ધડાકાની ધમકી આપતો એક પત્ર મળ્યા બાદ આગ્રામાં ભારે દહેશતનું વાતાવરણ ઊભું થયું હતું. આ પત્ર દ્વારા બે શાળાઓને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી આપવામાં આવી હતી.

આવાસ વિકાસ સ્થિત સનરાઈઝ પબ્લિક સ્કૂલમાં આ પત્ર મળ્યો હતો. જ્યારે બીજી ધમકી શાહગંજ સ્થિત રાધા વલ્લભ ઈન્ટર કોલેજમાં બોમ્બ વિસ્ફોટની પોલીસ કંટ્રોલરૂમને આપવામાં આવી હતી. આ બંને ધમકી મળતાં પોલીસે સઘન તપાસ ચાલુ કરી દીધી હતી. આજે શાળા-કોલેજમાં આ અંગે જડતી પણ લેવામાં આવશે. બંને સ્થળોએ ધમકી ત્યારે મળી જ્યારે શહેરમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેક્ટિસની ટીમ સ્નિફર ડોગ સ્કવોડ ચેકિંગ કરી રહી હતી.

સનરાઈઝ પબ્લિક સ્કૂલમાં ધો. ૭માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને દીવાલ પર ચીપકાવેલો એક પત્ર મળ્યો હતો. આ પત્ર કાળા રંગની પેનથી લખવામાં આવ્યો હતો. આ પત્રમાં શાળામાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી હતી, જોકે ધમકી આપનારનું નામ જણાવાયું ન હતું.

શાળાઓને ધમકી મળતાં એસએસપી ડો. પ્રીતિન્દરસિંહે આજે બપોરે ૨.૦૦ વાગ્યે પોલીસ લાઈનમાં તમામ શાળાઓના આચાર્યની એક બેઠક બોલાવી છે, જેમાં શાળાઓમાં સુરક્ષાવ્યવસ્થા વધુ સઘન બનાવવા ચર્ચા થશે. સનરાઈઝ પબ્લિક સ્કૂલમાં પાંચ લાઈન લખેલો પત્ર મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે આજે ૧૧.૩૦ કલાકે તમારી જ શાળાઓનાં બાળકોને સ્કૂલની અંદર ઘૂસીને બોમ્બથી ઘૂસી મારીશું. જો તમારામાં તાકાત હોય તો અમને રોકીને બતાવો…… તમારો દૂશ્ચિંતક.

You might also like