સઈદ ભારતમાં હુમલા માટે ત્રાસવાદીઓને ભડકાવે છે

જમ્મુ: સીમા સુરક્ષા દળે (બીએસએફ) જણાવ્યું છે કે મુંબઈ ત્રાસવાદી હુમલાના મુખ્ય સૂત્રધાર હાફિઝ સઈદ સરહદ પર ચાલતી ત્રાસવાદી તાલીમ છાવણીઓનો પ્રવાસ કરીને ત્રાસવાદીઓને ભારત વિરુદ્ઘ આતંકી હુમલા કરવા માટે સતત ભડકાવી રહ્યો છે. બીએસએફએ એવો આક્ષેપ કર્યો છે કે જમાત ઉદ દાવાનો પ્રમુખ હાફિઝ સઈદના આ અભિયાનમાં પાકિસ્તાની લશ્કરી દળોની મિલીભગત છે. બીએસએફના આઈજી (જમ્મુ ક્ષેત્ર) રાકેશ શર્માએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનનાં સુરક્ષા દળોએ હાફિઝ સઈદને ખુલ્લેઆમ ફરીને ત્રાસવાદી જૂથોને ભારત વિરુદ્ઘ ભડકાવવાની મંજૂરી આપી છે. શર્માએ જણાવ્યું હતું કે હાફિઝ સઈદ સતત ત્રાસવાદીઓને ભડકાવતો તમે જોયો હશે. તાજેતરમાં એવી માહિતી મળી છે કે ત્રાસવાદી છાવણીઓ અને  તાલીમ કેન્દ્રોમાં એવાં ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવી રહ્યા છે કે આપણે ભારત વિરુદ્ઘ ત્રાસવાદી યોજનાઓ ઘડવાની છે.

બીએસએફના આઈજીએ વધુમાં જણાવ્યું હતું કે સીમા પાર ત્રાસવાદમાં વધારો થયો છે. સરહદ પર પણ ત્રાસવાદીઓની સંખ્યા વધી રહી છે. હાફિઝ સઈદ સતત ભડકાઉ ભાષણો આપી રહ્યો છે અને સિયાલ કોટ તેમજ અન્ય વિસ્તારોમાં ફરી ફરીને ભારત વિરુદ્ઘ ત્રાસવાદીઓને ઉશ્કેરી રહ્યો છે. બીજી બાજુ ગુપ્તચર સૂત્રો દ્વારા મળેલી બાતમી અનુસાર જમ્મુ અને કાશ્મીર વિસ્તારમાં હુમલા કરાવવા માટે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ ૩૦ જેટલા ત્રાસવાદીઓને પાક હસ્તક્ષના કાશ્મીરમાં લાવી દીધા છે. તેમાં લશ્કર- ઓ- તોઇબા, હિઝબુલ મુજાહિદ્દીન અને જૈશ એ મોહમંદના ત્રાસવાદીઓને સમાવેશ થાય છે. આ ત્રાસવાદીઓને પેશાવરથી લાવવામાં આવ્યા છે અને હાલ ભારતીય સરહદ નજીક રાખવામાં આવ્યા છે.

You might also like