હાફિઝની ધમકીઃ ભારત પઠાણકોટ જેવા વધુ હુમલા માટે તૈયાર રહે

મુઝફ્ફરાબાદ: જમાત-ઉદ-દાવા અને જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ હા‌િફઝ સઇદે ભારતને ફરી ધમકી આપી છે. હા‌િફઝ સઈદે જણાવ્યું હતું કે ભારતમાં પઠાણકોટ જેવા હજુ અનેક હુમલા થઈ શકે છે અને ભારત આવા હુમલા માટે તૈયાર રહે. પાક હસ્તકના કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદની સેન્ટ્રલ પ્રેસ ક્લબમાં કાશ્મીર અંગે વાત કરતાં હા‌િફઝ સઈદે ભારતને આવી ધમકી આપી હતી.

હા‌િફઝ સઈદે જણાવ્યું હતું કે મારી જિંદગીનો એકમાત્ર મકસદ કાશ્મીરની આઝાદી છે. તેમણે સૈયદ સલાહુદ્દીનની વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે તેઓ શા માટે લશ્કરની તાકાત પર લોકોને સરપ્રાઈઝ આપવાની કોશિષ કરે છે. હા‌િફઝ સઈદે જણાવ્યું હતું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરના લોકોની મનની ઈચ્છા જાણવાની અને સમજવાની કોશિષ કરવી જોઈએ.

હા‌િફઝ સઈદે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ વસ્તુને વધુ દબાવવામાં આવે છે ત્યારે સ્વાભાવિક રીતે તે વધુ ઊછળીને તેનો ચારે દિશામાંથી જવાબ મળે છે. ક્યારેક આ બાજુથી તો ક્યારેક બીજી બાજુથી જવાબ મળે છે. હા‌િફઝ સઈદે વડા પ્રધાન મોદી પર નિશાન તાકતાં જણાવ્યું હતું કે જો તમારી નીતિ કાશ્મીરીઓને લશ્કરની તાકાત પર દબાવવાની હોય તો સાંભળી લો કે આ મામલો હવે શ્રીનગર સુધી અટકશે નહીં. આ મામલો હવે પઠાણકોટ જશે અને ત્યાંથી પણ આગળ વધશે. સઈદે જણાવ્યું હતું કે કાશ્મીરમાં જે કંઈ ચાલી રહ્યું છે તેનો ઉકેલ લાવવામાં નહીં આવે તો ભારત માટે એક મોટો ખતરો બની જશે. આ વાત સમજીને જરૂરી પગલાં લેવાની જરૂર છે.

હા‌િફઝ સઈદે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે મારી તમને અરજ છે કે અલ્લાના નામે બધા એક થઈ જાવ. અલ્લા તમારા પાછળના તમામ ગુનાઓ માફ કરી દેશે. હા‌િફઝ સઈદે જણાવ્યું હતું કે કાશ્મીરીઓને તેમનો હક અપાવવાનો પ્રયાસ એ અલ્લાની મરજી છે.

You might also like