હાફિઝ સઈદ અમારા માટે પણ ખતરારૂપઃ પાક. સંરક્ષણ પ્રધાન

નવી દિલ્હી: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સ્વયં જણાવ્યું છે કે મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ આતંકી હાફિઝ સઈદ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ પાકિસ્તાન માટે પણ ખતરારૂપ છે. ખ્વાજા આસિફે આ વાત જર્મનીમાં મ્યુનિચ કાઉન્ટર ટેરર મીટ (એમસીટીએમ) ખાતે કહી હતી.

૩૦ જાન્યુઆરીથી હાફિઝ સઈદને નજરકેદ કરવામાં આવ્યો છે. તેનો પાક.ની એન્ટી ટેરર લિસ્ટમાં સમાવેશ કરાયો છે. આસિફે જણાવ્યું છે કે પાક પર પોતાની ધરતી પરથી આતંકવાદને ખતમ કરવા દબાણ વધી રહ્યું છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ આ દબાણ વધી ગયું છે. આસિફે એવું પણ જણાવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈસ્લામોફોબિયા દુનિયાભરમાં ફેલાવી રહ્યા છે.

હાફિઝ સઈદના ભાઈ હાફિઝ મસૂદે પણ ભારત પાકિસ્તાન પર દબાણ લાવી રહ્યું હોવાનો આક્ષેપ કરી રહ્યો છે. એક ઈન્ટરવ્યૂમાં મસૂદે જણાવ્યું હતું કે મારા ભાઈને નજરકેદ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સરકાર તેના પર વોચ રાખી રહી છે. તેને મળવાની પ્રક્રિયા પણ ઘણી લાંબી છે. તેણે એવું પણ જણાવ્યું હતું કે મારો ભાઈ પાકિસ્તાનમાં માનવતાવાદી સંગઠન, શાળાઓ અને હોસ્પિટલ ચલાવી રહ્યો છે. લશ્કર-એ-તોઈબા કાશ્મીરમાં શું કરે છે તેની સાથે મારે કોઈ નિસ્બત નથી.
http://sambhaavnews.com/

You might also like