સીબીએસઈની માન્યતા અંગે વાલીઓથી મોઢુ સંતાડતા સંચાલકો

અમદાવાદ: સીબીએસઇનાં જોડાણ કે માન્યતા વગર ચાલતી શાળાઓ ફી ના નામે લાખો રૂપિયા વાલીઓ પાસેથી ખંખેરી લે છે. ગુરુકુળ ખાતે એચબી કાપડિયા ગ્રુપની નાઈન કિડ્ઝ સ્કૂલમાં આજે વાલીઓએ હંગામો મચાવ્યો હતો. સીબીએસઇના અભ્યાસક્રમના નામે ૪પ હજાર જેટલી ફી એક વર્ષ પહેલાં ઉઘરાવી લીધા પછી તેની માન્યતા અંગે સંચાલકો પાસેથી જવાબ મળતાં તેઓએ ગલ્લાંતલ્લાં કરતાં વાલીઓ રોષે ભરાયા હતા અને આજે સવારે સ્કૂલ ખૂલતાં જ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

ગુરુકુળ ખાતે નાઇન કિડઝ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીનું કહેવું છે કે છેલ્લા એક મહિનાથી તેઓ શાળા સંચાલકોને સીબીએસઇની માન્યતા અંગેની વિગતો માગી રહ્યા છે શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસેથી સીબીએસઇની ફી ઉઘરાવી હોવાથી વાલીઓ આગ્રહ રાખી રહ્યા છે કે તેમને શાળા સંચાલકો સાચી માહિતી આપે. શાળા સંચાલકોએ ગત વર્ષે પૂરી ૪પ હજાર ફી વિદ્યાર્થી દીઠ સીબીએસઇના નામે ઉઘરાવી લીધી હતી અને હવે જવાબ આપવાના મુદ્દે હાથ અદ્ધર કરી દીધા હતા.

શાળા સંચાલકોના આવા વર્તન બદલ વાલીઓ રોષે ભરાયા હતા અને ઊઘડતી સ્કૂલે વાલીઓએ એકઠા થઇને સ્કૂલના દરવાજે શાળાની સીબીએસઈની માન્યતા બાબતે સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ જણાવ્યું હતું કે અમે આ મુદ્દે ડીઇઓ કચેરી સમક્ષ રૂબરૂ રજૂઆત કરીશું. અમારાં બાળકો જે શાળામાં ભણે છે જેની અમે ફી ભરીએ છીએ તે શાળાના માધ્યમની માન્યતા જણાવાનો અમને પૂરો અધિકાર છે.

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. મહેતાએ જણાવ્યું હતું કે હું આ બાબતે કંઇ જાણતો નથી પરંતુ શાળા પાસે સીબીએસઇની માન્યતા નહીં હોય અને ફી ઉઘરાવી હશે તો ચોક્કસ તેમની સામે કડક પગલાં લઇને કાર્યવાહી કરવામાં આવશે. વાલીઓના કહેવા મુજબ શાળા સંચાલકોએ સીબીએસઇનો અભ્યાસક્રમ નહીં ચલાવતા હોવાનું જણાવ્યું હતું. વાલીઓએ જ્યારે એમ પૂછયું કે તમે નથી ચલાવતા તો ફી આટલી તગડી કેમ વસૂલી? ત્યારે સંચાલકોએ કહ્યું હતું કે તમારું બાળક ૯મા ધોરણમાં આવે ત્યારે જ ખબર પડે કે કયું બોર્ડ છે. હાલમાં અમે તમને ફી બાબતે કે માન્યતા બાબતે કંઇ કહી શકીએ નહીં.

છેલ્લા કેટલાક સમયથી માન્યતા વગર સીબીએસઇનો કોર્સ ચલાવતી શાળાઓની ફરિયાદો ડીઇઓ કચેરીને મળતી રહી છે. સીબીએસઇ જોડાણ વગર શાળા ચલાવવી, પ્રવેશ આપવો, તોતિંગ ફી વસૂલવી બધું ગેરકાયદે હોવા છતાં ગુજરાત શિક્ષણ બોર્ડ પાસ સીબીએસઇના મુદ્દે પગલાં લેવાની કોઇ સત્તા નથી. સીબીએસઇની રિજિયોનલ ઓફિસ અજમેર અને મુખ્ય કચેરી દિલ્હી હોવાથી શાળા સંચાલકો તેનો ભરપુર ફાયદો ઉઠાવે છે. ધોરણ ૧ થી ૪માં શાળાએ સીબીએસઇનું જોડાણ મેળવવું જરૂરી નથી. તેથી જોડાણ ન હોવા છતાં સીબીએસઇનો અભ્યાસક્રમ ભણાવી શાળા સંચાલકો ફી નામે ધારે એટલી લૂંટ ચલાવી શકે.

http://sambhaavnews.com/

You might also like