ઈન્ફોસિસ ટ્રમ્પને શરણેઃ દસ હજાર અમેરિકનને નોકરી આપશે

નવી દિલ્હી: ભારતની મોટી ઈન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી) કંપની ઈન્ફોસિસ હવે અમેરિકાની ટ્રમ્પ સરકારનાં દબાણ સામે ઝૂકી ગઈ છે. ઈન્ફોસિસ હવે એચ-૧બી વિઝાના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે સ્થાનિક સ્તરે ૧૦,૦૦૦ જેટલા અમેરિકન એન્જિનિયરને હાયર કરશે. ઈન્ફોસિસ આગામી બે વર્ષમાં અમેરિકામાં ચાર ટેકનોલોજી અને ઈનોવેશન હબ ઊભાં કરશે. જેમાં ૧૦,૦૦૦ જેટલા અમેરિકનોને જોબ આપવામાં આવશે.

આ નવા સેન્ટર દ્વારા ઈન્ફોસિસ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ), મશીન લર્નિંગ, યુઝર એક્સપિરિયન્સ ક્લાઉડ અને બિગ ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેમાં વિકાસ કરશે. ઈન્ફોસિસના સીઈઓ વિશાલ સિક્કાએ જણાવ્યું હતું કે આ વર્ષે ઓગસ્ટમાં પ્રથમ હબ અમેરિકામાં ઈન્ડિયાના ખાતે ખોલવામાં આવશે અને ૨૦૨૧ સુધીમાં અમેરિકન કર્મચારી માટે ૨૦૦૦ જેટલા રોજગારનું સર્જન કરવામાં આવશે.

અન્ય ત્રણ કેન્દ્રનું લોકેશન આગામી કેટલાક મહિનામાં નક્કી કરવામાં આવશે. આ આઈટી હબ માત્ર ટેકનોલોજી અને ઈનોવેશન અંગે લોકોને તાલીમ જ નહીં આપે, પરંતુ ફાઈનાન્શિયલ સર્વિસીસ, ઉત્પાદન, હેલ્થકેર, રિટેલ અને એનર્જી દ્વારા મહત્ત્વના ઉદ્યોગો સાથે કામ કરવાને પણ અગ્રીમતા આપવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like