તત્કાલ ટિકિટ બ્લોક કરતો સોફ્ટવેર વેચનાર મુખ્ય સૂત્રધાર પકડાયો

અમદાવાદ: ટ્રેનની ટિકિટનાં કાળાંબજાર કરવાનું લાઇસન્સ એટલે કે રેડમિર્ચ સોફટવેર વેચનાર આરોપીની અમદાવાદ આરપીએફની ટીમે ધરપકડ કરી છે. વટવામાં રહેતા આરોપીએ અમદાવાદ સહિત અનેક જગ્યાએ આ રેડમિર્ચ સોફટવેરનું વેચાણ એજન્ટને કર્યું છે. આરપીએફની ટીમે હાલ આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

રેડમિર્ચ સોફટવેર દ્વારા ટ્રેનની ટિકિટનું બુકિંગ કરતા એજન્ટની આરપીએફની ટીમે તપાસ શરૂ કરી હતી, જેમાં સુરતના રેડમિર્ચ સોફટવેરના ડિ‌સ્ટ્રિબ્યૂટરની ધરપકડ કરાઇ હતી, જેની પૂછપરછ અને બેન્ક ડિટેઇલની તપાસમાં અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા સલીમ અમીનુદ્દીન ખાન (ઉ.વ.૧૮) આ સોફટવેર વેચતો હોવાનું બહાર આવ્યું હતું.

આરપીએફની ટીમે વટવામાંથી સલીમની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આરોપી સલીમ હાઇટેક ગુનેગાર છે. રેડમિર્ચ સોફટવેર અને અન્ય સોફટવેર તેણે અમદાવાદ અને ભારતનાં અનેક શહેરના એજન્ટને વેચ્યા હોવાનું કબૂલ્યું હતું.

માત્ર એક ક્લિક દ્વારા સોફટવેરમાંથી તાત્કા‌લિક ટિકિટ બુક થતી હતી. રેડમિર્ચ સોફટવેર આઇઆરસીટીસીના તમામ સિક્યોરિટી ફીચર્સ તોડી માત્ર ર૦ સેકન્ડમાં ટિકિટ બુક કરી આપે છે. આરપીએફએ આરોપી સલીમની વધુ તપાસ શરૂ કરી છે.

You might also like