બ્રેકઅપ માટે ગર્લફ્રેન્ડને બે કરોડ આપ્યા છતાં છોકરી ન માની

બીજિંગ: ચીનના હાંગઝોઉ શહેરમાં એક યુવક બારમાં મોટી સૂટકેશ લઇને તેની ગર્લફ્રેન્ડને મળવા ગયો. આ કોઇ રોમેન્ટિક ડેટિંગ નહોતું. આ બંને અેક ડીલ કરવા ભેગાં થયાં હતાં. છોકરો ઇચ્છતો હતો કે ગર્લફ્રેન્ડ તેનો પીછો છોડે, પરંતુ ગર્લફ્રેન્ડ તેને ‌ચિંગમની જેમ ચીપકી રહી હતી.

યુવક આ સંબંધથી એટલો કંટાળી ગયો હતો કે તે પીછો છોડાવવા માટે મોં માગી રકમ આપવા તૈયાર થઇ ગયો હતો. તે મોડી રાતે બે કરોડ રૂ‌પિયા જેટલી રકમ લઇને ગર્લફ્રેન્ડને મળવા ગયો હતો, જોકે તેની ગર્લફ્રેન્ડને આટલા રૂપિયાથી પણ સંતોષ નહોતો, તેને રૂ.૧૦ કરોડ જોઇતા હતા. બંને વચ્ચે થોડી વાર રકઝક થઇ. તે યુવક ૧૦ કરોડ નહીં આપી શકે તેમ કહીને ચલણી નોટો ભરેલી બેગ ત્યાં જ મૂકીને ચાલતો થયો.

થોડી વાર પેલી યુવતી બેગ પાસે બેઠી, પછી તે પણ બેગ લીધા વગર જતી રહી. બહાર નીકળીને તેણે તે યુવકને ફોન કરીને કહ્યું કે પોતે પૈસાને હાથ પણ લગાડ્યો નથી અને જ્યાં મૂક્યા હતા ત્યાં જ મૂકીને નીકળી ગઇ છે. આટલી મોટી રકમ એમ થોડી છોડી દેવાય, ત્યાં સુધીમાં જોકે આ લાવા‌િરસ પડેલી બેગ સ્ટાફના હાથમાં આવી ગઇ.

સ્ટાફે ખોલીને જોયું તો તેમાં બે કરોડ રૂપિયા હતા. તરત જ તેમણે પોલીસને સૂચના આપી. પેલો યુવક બેગ પરત લેવા આવે ત્યાં સુધીમાં તો આ બેગ પોલીસ કસ્ટડીમાં પહોંચી ચૂકી હતી. યુવકે પોતાની આપવીતી કહી. બારના કેમેરામાં એ વાતનો પુરાવો પણ મળી ગયો. બ્રેકઅપ માટે પૈસા આપનાર છોકરાની વાત સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થઇ છે.

You might also like