ગૌહાટીની બેટ્સમેન માટે સ્વર્ગસમી વિકેટ પર આજે રનનો વરસાદ થશે

ગૌહાટીઃ ઓસ્ટ્રેલિયાના કાર્યવાહક કેપ્ટન ડેવિડ વોર્નરે આજે ભારત સામે રમાનારી બીજી ટી-૨૦ મેચ અંગે કહ્યું કે આસામ ક્રિકેટ સંઘના બારસાપાડામાં નવનિર્મિત સ્ટેડિયમની પીચ બેટિંગ માટે અનુકૂળ નજરે પડી રહી છે. વોર્નરે કહ્યું, ”વિકેટ શાનદાર દેખાઈ રહી છે. અહીં પહેલી મેચ રમાશે અને એ બંને ટીમ માટે ખાસ બની રહેશે. આશા રાખું છું કે અમે અહીં પહેલી જીત હાંસલ કરીશું.”

અહીંના ક્યુરેટર મુકુટ કલિતાએ પણ કહ્યું છે કે, ”આ પરંપરાગત ટી-૨૦ વિકેટ છે, જેમાં રનનો વરસાદ થશે. અમારો સર્વશ્રેષ્ઠ પ્રયાસ રનથી ભરપૂર વિકેટ બનાવીને મેચને યાદગાર બનાવવાનો છે. અમે જોયું છે કે ઘરેલુ ક્રિકેટમાં આ પીચમાંથી સ્પિનર્સને મદદ મળી છે, પરંતુ આશા રાખું છું કે આજની મેચમાં ઘણા રન બનશે.” ગત વર્ષે હિમાચલ પ્રદેશની ટીમ રણજી ટ્રોફીમાં અહીં ફક્ત ૩૬ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી, પરંતુ ક્યુરેટર મુકુટ કલિતાએ આના માટે હિમાચલના પ્રદેશના બેટ્સમેનોને દોષી ઠેરવ્યા હતા.

જ્યારથી આ સ્ટેડિયમ બન્યું છે ત્યારથી કલિતા આ સ્ટેડિયમ સાથે જોડાયેલા છે અને અહીં પાછલી ત્રણ સિઝનથી ઘરેલુ મેચોનું આયોજન થઈ રહ્યું છે. આજે આ સ્ટેડિયમનો પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચનો ઇંતેજાર ખતમ થશે. કલિતાએ જણાવ્યું કે વરસાદની આગાહી છે, પરંતુ અમે વરસાદ સામે નીપટવા માટે તૈયાર છીએ અને મેદાનની માટીમાં રેતી વધુ હોવાને કારણે મેદાન સૂકવવામાં ઘણી મદદ મળશે.

ગઈ કાલે બપોર બાદ અહીં વરસાદ પડ્યો હતો, જેના કારણે ભારતને પોતાનું પ્રેક્ટિસ સેશન રદ કરવું પડ્યું હતું. ધોની, વિરાટ, જાધવ, નહેરા, મનીષ પાંડે અને કુલદીપ જેવા થોડા ખેલાડી આ વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન માટે મેદાન પર પહોંચ્યા હતા. જોકે તેઓ નેટ સુધી પહોંચે એ પહેલાં જ વરસાદ શરૂ થયો હતો, જેના કારણે ભારતીય ખેલાડીઓએ પ્રેક્ટિસ સેશન રદ કરવું પડ્યું હતું. વરસાદ પડવો બંધ થયા બાદ ધોની અને કોહલી સહિત કેટલાક અન્ય ખેલાડીઓએ ફૂટબોલ રમ્યા હતા.

You might also like