ગુરુકુળમાં રાજહંસ બિલ્ડિંગમાં અાગઃ પિતા-પુત્રીનાં મોત

અમદાવાદ: શહેરના ગુરુકુળ રોડ પર આવેલા રાજહંસ ફલેટના ત્રણ માળના મકાનમાં વહેલી સવારે એકાએક આગ લાગતાં ચકચાર મચી ગઈ હતી. મકાનમાં રહેતા પરિવારનાં પિતા-પુત્રીનાં ગૂંગળામણ અને દાઝી જવાથી મોત નીપજ્યાં હતાં. જ્યારે એક મહિલાને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. ઘાટલોડિયા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

ફાયરબ્રિગેડનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુરુકુળ વિસ્તારમાં આવેલા ગ્વાલિયા સ્વીટની ગલીમાં રાજહંસ નામના ત્રણ માળના ફલેટ આવેલા છે. આ ફ્લેટમાં બ્રિજમોહન રાજપાલ, તેની પત્ની, બ્રિજમોહનના પુત્ર નીરલ રાજપાલ (ઉં.વ. ૪૧), તેની પત્ની પલ્લવી રાજપાલ (ઉ.વ.૩૮) અને પુત્રી અરાઇના રાજપાલ (ઉ.વ.૫) અને ઘરઘાટી બહેન રહેતા હતા. ગત રાત્રે તેઓ જમી-પરવારીને સૂઈ ગયા હતા. દરમિયાનમાં વહેલી સવારે ગ્રાઉન્ડફલોરના ઇલેક્ટ્રીક બોર્ડમાં અચાનક આગ લાગી હતી, જોતજોતામાં આગ નીચેના ભાગેથી ઉપરના માળ સુધી પહોંચી હતી.

આગની ઘટના બનતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બૂમાબૂમ કરતાં નીચે સૂતેલા બ્રિજમોહન, તેમના પત્ની અને કામવાળાં ઘરઘાટી બહેન બહાર નીકળી ગયા હતા પરંતુ ઉપરના માળે સૂતેલા નીરલ, તેમનાં પત્ની અને પુત્રી આગમાં ફસાઈ ગયા હતા. બનાવની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરાતાં છ જેટલી ફાયરની ગાડીઓ તાત્કાલિક દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. ભારે જહેમત બાદ ફાયરની ટીમ આગને કાબૂમાં લીધી હતી.

આ ઘટનામાં આગમાં ગૂંગળાઈ અને દાઝી જવાથી નીરલ રાજપાલ અને અરાઇના રાજપાલનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે તેમનાં પત્ની પલ્લવી રાજપાલને સારવાર અર્થે સ્ટર્લિંગ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટના બનતાં ઘાટલોડિયા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રાજપાલ પરિવાર છેલ્લાં ૨૦ વર્ષથી ત્યાં રહેતો હતો. બ્રિજમોહન રાજપાલ અને તેમના પુત્રને સુપ્રીમ એન્જિનિયરિંગ વર્ક્સનો ઈલેક્ટ્રીક વાયરિંગનો વ્યવસાય હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું. એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ લાગવાનું સાચું કારણ જાણવાની તજવીજ હાથ ધરી હતી.

રાણીપના સાકેત ફ્લેટમાં લાગેલી અાગમાં માતા-પુત્રનાં મોત થયાં હતાં
ગત ૬ ફેબ્રુઆરીના રોજ રાણીપ જીએસટી ફાટક નજીક આવેલા સાકેત એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ટોરેન્ટ પાવરના કર્મચારીઓના કામ કર્યા બાદ મોડી રાત્રે અચાનક જ શોર્ટસર્કિટથી આગ લાગી હતી. આ આગ ચાર માળ સુધી ફેલાઈ હતી, જેમાં શ્રેયાંસ શાહ નામના યુવક અને તેની માતાનું મોત નીપજ્યું હતું. પાર્કિંગમાં રહેલા ૩૮થી ૪૦ જેટલા વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા. એક મહિના સુધી બ્લોકના રહીશોને ફલેટની નીચે રહેવું પડ્યું હતંુ. ફલેટમાં શોર્ટસર્કિટથી આગ લાગવાના બનાવોમાં વધારો થતાં ફલેટમાં પણ હવે ફાયરસેફટીની જરૂરિયાત ઊભી થઈ છે.

You might also like