અમેરિકાના ગુરુદ્વારામાં તોડફોડઃ ISIS વિરુદ્ધ બેફામ ગાળો લખાઇ

લોસ એન્જલસ: અમેરિકાના લોસ એન્જલસના એક ગુરુદ્વારામાં તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલો છે. ગુરુદ્વારાની દીવાલો પર આતંકી સંગઠન આઇએસઆઇએસ વિરુદ્ધ ગાળો અને ઇસ્લામ વિરોધી સૂત્રો લખવામાં આવ્યાં હતા. શીખ સમુદાયના એક નેતાએ આ ઘટના અંગે એવી આશંકા વ્યકત કરી છે કે કેલિફોર્નિયામાં ગત સપ્તાહે થયેલા ફાયરિંગના જવાબમાં આ ઘટના ઘટી છે.

કેલિફોર્નિયામાં ફાયરિંગની ઘટના બાદ અમેરિકામાં આઇએસઆઇએસ વિરુદ્ધ ભારે રોષ અને આક્રોશ પ્રવર્તે છે. આ ફાયરિંગમાં ૧૪ લોકોનાં મોત થયાં હતાં. હુમલાખોર યુગલ સૈયદ ફારુક અને તસ્ફીન મલિક પાકિસ્તાની મૂળનાં હોવાનું બહાર આવ્યું છે. ગુરુદ્વારાની આ ઘટના બાદ લોસ એન્જલસના આઉટર વિસ્તાર બુએના પાર્કમાં શીખ ગુરુદ્વારાના પ્રમુખ ઇન્દ્રજોતસિંહે જણાવ્યું હતું કે અમે શીખ સમુદાયના લોકોની સુરક્ષાને લઇને ચિંતિત છીએ. અમારું માનવું છે કે કેલિફોર્નિયામાં થયેલા ફાયરિંગ બાદ આ પ્રકારની નફરત ભડકી ઊઠી છે. આપણે તેને અટકાવવી પડશે.

અમેરિકન નાગરિકો શીખને પણ મુસ્લિમ જ માને છે. ૧૧/૯ના હુમલા બાદ અમેરિકામાં શીખ પર ર૦૦થી વધુ હુમલા થયા હતા અને ત્યાર બાદ શીખ વિરુદ્ધ અમેરિકામાં વારંવાર હિંસા થતી રહે છે. અમેરિકામાં શીખની વસ્તી પાંચ લાખની આસપાસ છે. ર૦૦૪માં અમેરિકાના નેશનલ શીખ કેમ્પેન તરફથી એક અભ્યાસ થયો હતો. જેમાં એવું બહાર આવ્યું હતું કે ૩૪ ટકા અમેરિકનો શીખ અને મુસ્લિમોમાં કોઇ ફરક ગણતા નથી.

You might also like