ગુરુ પૂર્ણિમા એ જ છે વ્યાસ પૂર્ણિમા

આજે અષાઢ સુદ પૂર્ણિમાએ ઉજવાતી ગુરુ પૂર્ણિમા વેદવ્યાસની જન્મતિથિ છે. મહર્ષિ વેદવ્યાસના જન્મની કથા રોચક છે. પૌરાણિક કથાઓ અનુસાર પ્રાચીન કાળમાં સુધન્વા નામનો એક રાજા હતો. તે એક દિવસ શિકાર કરવા જંગલમાં ગયો. એ જ સમયે તેની પત્ની રજસ્વલા થઈ ગઈ. રાણીએ એ સમાચાર તેણે પાળેલા એક શિકારી પક્ષી મારફતે રાજાને મોકલાવ્યા. આ સમાચાર સાંભળતા જ રાજા સુધન્વાએ પોતાનું જીવન તત્ત્વ એક પાત્રમાં ભરી તે પાત્ર શિકારી પક્ષીને આપ્યું. પક્ષી એ પાત્ર લઈ આકાશમાં ઊડવા લાગ્યું.
રસ્તામાં તે શિકારી પક્ષીને સામે જ એક બીજું શિકારી પક્ષી મળી ગયું. બંને પક્ષીઓ વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધ દરમિયાન શિકારી પક્ષીની પકડમાંથી પાત્ર સરકી ગયું અને તે યમુના નદીમાં પડયું. એ વખતે યમુનામાં બ્રહ્માના શ્રાપથી પીડિત એક અપ્સરા માછલી સ્વરૂપે રહેતી હતી. એ માછલીરૂપી અપ્સરા એ જીવન સત્વને પી ગઈ. એના પ્રભાવથી તે ગર્ભવતી બની ગઈ. ગર્ભાધાનનો સમય પૂરો થવા આવ્યો હતો ત્યારે એક માછીમારે પાણીમાં નાંખેલી જાળમાં મત્સરૂપી અપ્સરા ફસાઈ ગઈ. માછીમારે એ માછલીના પેટને ચીર્યું. તો તેમાંથી એક બાળક અને એક બાળકી બહાર આવ્યાં. એ પછી માછીમાર એ બંને નવજાત શિશુઓને લઈ મહારાજા સુધન્વા પાસે ગયો. મહારાજા સુધન્વાને પુત્ર ના હોવાથી પુત્રને પોતાની પાસે રાખી લીધો તેને મત્સ્યરાજ એવું નામ આપવામાં આવ્યું. જ્યારે બાલિકા હવે માછીમાર પાસે જ રહી ગઈ. તેના શરીરમાંથી માછલીની ગંધ આવતી હોવાથી બાળકીનું નામ મત્સ્યગંધા રાખવામાં આવ્યું. પાછળથી એ કન્યા સત્યવતી તરીકે પણ ઓળખાઈ. મત્સ્યગંધા વયસ્ક બનતા તે પણ હવે નદી કિનારે જતી અને નાવ ચલાવતી.
એક ઋષિના આશીર્વાદથી મત્સ્યગંધા સુગંધા બની ગઈ
એક વાર પરાશર મુનિ યમુનાના કિનારે આવી ચડયા. તેઓ યમુના પાર કરવા માગતા હતા. પરાશર મુનિ મત્સ્યગંધાની નાવમાં જ બેઠા. તેઓ મત્સ્યગંધા અર્થાત્ સત્યવતીનાં રૂપ-સૌંદર્ય પર આસક્ત થઈ ગયા. પરાશર મુનિએ કહ્યું: ”હે દેવી ! હું તમારી સાથે સહવાસ કરવા માગુ છું.”
મત્સ્યગંધા અર્થાત્ સત્યવતીએ કહ્યું: ”મુનિવર ! આપ તો બ્રહ્મજ્ઞાની છો અને હું એક માછીમારની દીકરી. આપણો સહવાસ સંભવ નથી.”પરાશર મુનિ બોલ્યાઃ ”બાલિકે! તું ચિંતા ના કર. પ્રસૂતિ થયા બાદ પણ તું કુમારી જ રહીશ.” એટલું કહીને મુનિ પરાશરે પોતાના યોગબળથી નાવની ચારે તરફ ગાઢ ધુમ્મસ રચી દીધું. અને મત્સ્યકન્યા સત્યવતી સાથે સહવાસ કર્યો. એ પછી પરાશર મુનિએ સત્યવતીને આશીર્વાદ આપતાં કહ્યું: ”તારા શરીરમાંથી હવે માછલીની ગંધ નહીં આવે, બલ્કે તે ગંધ હવે સુગંધમાં પરિવર્તિત થઈ જશે.”
સમય પૂરો થતાં સત્યવતીના ગર્ભમાંથી એક પુત્ર જન્મ્યો. જન્મતાંની સાથે જ બાળક મોટો થઈ ગયો અને એણે પોતાની માતાને કહ્યું: ”માતા! તું જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે મને યાદ કરજે. હું તારી સમક્ષ ઉપસ્થિત થઈ જઈશ.” એટલું કહીને તે બાળક તપસ્યા કરવા દ્વૈપાયન નામના દ્વીપ પર ચાલ્યો ગયો. આ બાળક રંગે શ્યામ હતો તેથી તે કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાયો. અને એ કૃષ્ણ દ્વૈપાયન એજ મહર્ષિ વેદવ્યાસ. એમણે વેદોની વ્યાખ્યા અને વિભાજન કર્યા તેથી તેઓ વેદવ્યાસ તરીકે ઓળખાયા. હિંદુ ધર્મશાસ્ત્રો અનુસાર મહર્ષિ વેદવ્યાસ ત્રિકાળજ્ઞાની હતા. તેમણે પોતાની દિવ્ય દૃષ્ટિથી જોઈને જાણી લીધું હતું કે, કળિયુગમાં ધર્મ ક્ષીણ થઈ જશે. ધર્મ ક્ષીણ થઈ જતાં લોકો નાસ્તિક, કર્તવ્યહીન અને અલ્પઆયુ વાળા થઈ જશે. એક વિશાળ વેદનું સાંગોપાંગ અધ્યયન કળિયુગના લોકો કરવાનું સામર્થ્ય ધરાવતા નહીં હોય એ હેતુથી મહર્ષિ વેદ વ્યાસે વેદોને ચારભાગોમાં વહેંચી નાખ્યા, જેથી ઓછી બુદ્ધિવાળા અને ઓછી સ્મરણશક્તિવાળા લોકો પણ વેદોનો અભ્યાસ કરી શકશે.” વેદવ્યાસે એક મહાન વેદને ચાર ભાગોમાં વહેંચ્યા તે (૧) ઋગ્વેદ (૨) યજુર્વેદ (૩) સામવેદ અને (૪) અથર્વવેદ તરીકે ઓળખાય છે. વેદોમાં રજૂ થયેલું જ્ઞાન અત્યંત ગૂઢ અને શુષ્ક હોવાના કારણે તેમણે એ જ વેદોને પુરાણોમાં પરિર્વિતત કર્યા. પુરાણોમાં રોચક પ્રસંગો મૂક્યા જેથી કળિયુગના લોકો વેદોના જ્ઞાનને સરળતાથી સમજી શકે. •
http://sambhaavnews.com/

You might also like