ગુરમેહર કૌરે તેનું ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું

નવી દિલ્હી: એબીવીપી સામે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવનાર અને વિવાદમાં આવેલી ગુરમેહર કૌરે હવે તેનું ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું છે. ગુરમેહરે તેના ફેસબુક પર આમ આદમી પાર્ટી  સાથે કરેલી ટિ્વટ બહાર આવી  હોવાનું પણ જાણવા મળ્યું હતું, જેના કારણે તે વધુ વિવાદમાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.

ગુરમેહરે અભિયાન ચલાવ્યું હતું કે તે એબીવીપીથી ડરતી નથી. ત્યારબાદ તેને ધમકી મળી હતી. તેના કારણે દેશમાં ભારે રાજકીય વિવાદ થયો હતો. વિવાદ વકરતાં તેણે તેના અભિયાનને પડતું મૂક્યું હતું. ગુરમેહરે તેના અભિયાનથી પીછેહઠ કરતાં તમામનો આભાર માનતાં જણાવ્યું હતું કે તે હવે તેના આ અભિયાનને પૂરું કરી રહી છે અને મારી અપીલ છે કે હવે મને એકલી છોડી દેવામાં આવે. મારે જે કંઈ કહેવું હતું તે મેં કહી દીધું છે. મને વિશ્વાસ છે કે હવે હિંસા ફેલાવનારા અને ધમકી આપનારા કોઈ પણ લોકો આવું કરતા પહેલાં બે વખત વિચાર કરશે. મારો હેતુ માત્ર આ વાત સાબિત કરાવવાનો જ હતો.

ગુરમેહરના દાદા કમલજિતસિંહે જણાવ્યું કે હવે આ મુદ્દાને અહીં જ રોકી દો, કારણ વિના આ મુદ્દાને ચગાવવામાં આવી રહ્યો છે. કોલેજો, યુનિવર્સિટીઓમાં થતા આંદોલન યોગ્ય નથી. ત્યાં બાળકો ભણવા જાય છે, નહિ કે આંદોલન કરવા, પરંતુ દુઃખની વાત એ છે કે આવી બાબતમાં રાજકીય પક્ષના નેતાઓ પણ નિવેદનબાજી કરે છે. દરમિયાન ગુરમેહરને ધમકી આપવા અને આપત્તિજનક ટીકા કરવાના કેસમાં દિલ્હી પોલીસના સાયબર સેલે અજાણ્યા લોકો સામે કેસ દાખલ કર્યો છે અને આ મામલે દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવીલે ગુરમેહર વતી પોલીસ કમિશનર પટનાયકને ફરિયાદ કરી તરત અેફઆઈઆર દાખલ કરવા માગણી કરી હતી.

http://sambhaavnews.com/

You might also like