આવતી કાલથી ફરી ગુર્જરોનું અનામત આંદોલનઃ ૧૬૭ ગામમાં ઈન્ટરનેટ બંધ

નવી દિલ્હી: ૧૫ મેથી ગુર્જર સમુદાય ફરીથી બયાનામાં મહાપંચાયત યોજીને અનામત આંદોલનની શરૂઆત કરી રહ્યો છે. સરકારે ગુર્જર આંદોલનને ધ્યાનમાં રાખીને એલર્ટ જારી કરી દીધું છે. રેલવેએ પણ એલર્ટ જારી કર્યું છે અને ગુર્જરોના આંદોલન સાથે કામ લેવા માટે સુરક્ષા દળો બોલાવ્યાં છે. આમ, ભૂતકાળમાં ગુર્જરોના આંદોલન દરમિયાન થયેલી હિંસા અને તોફાનને ધ્યાનમાં રાખીને સરકાર અને રેલવેતંત્ર આ વખતે સતર્ક બની ગયાં છે.


સ્થાનિક અખબારોના જણાવ્યા અનુસાર ગુર્જરોના આંદોલનને ધ્યાનમાં રાખીને ભરતપુરના ડિવિઝનલ કમિશનરે ગુર્જરોની બહુમતી ધરાવતી ૮૦ ગ્રામપંચાયત હેઠળનાં ૧૬૭ ગામમાં ઈન્ટરનેટ પર ૧૫ મે સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કલેક્ટર સંદેશ નાયકે ગુર્જર નેતા કિશોરીસિંહ બેંસલાને વાટાઘાટ માટે એક સંદેશો મોકલ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુર્જરો પાંચ વખત આંદોલન કરી ચૂક્યા છે અને દર વખતે તેમના દ્વારા હિંસા અને તોફાનના કારણે કરોડોની માલ-મિલકતનું નુકસાન થાય છે અને અનેક લોકો જીવ ગુમાવે છે. ૨૦૦૭માં ૨૯ મેથી પાંચ જૂન સુધી ગુર્જરોએ આંદોલન કર્યું હતું, જેના કારણે ૨૨ જિલ્લામાં ૩૮ લોકોનાં મોત થયાં હતાં. ત્યાર બાદ ૨૩ મેથી ૧૭ જૂન, ૨૦૦૮ સુધી ૨૭ દિવસ સુધી આંદોલન ચાલ્યું હતું.

આ આંદોલનના કારણે ૨૨ જિલ્લા સાથે નવ રાજ્ય પ્રભાવિત થયાં હતાં અને ૩૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ફરી ૨૦ ડિસેમ્બર, ૨૦૧૦થી આંદોલન શરૂ થયું હતું. બયાનામાં રેલ રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી ગુર્જરોના આંદોલનમાં ૭૨ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે.

You might also like