ગુર્જર આંદોલન: રેલ પ્રવાસીઓની હેરાનગતિ હજુ પણ યથાવત્

અમદાવાદ: રાજસ્થાનમાં પાંચ ટકા અનામતની માગણીને લઇ ગુર્જર સમાજનું ઉગ્ર આંદોલન આજે ચોથા દિવસે પણ યથાવત્ છે. આંદોલનકારીઓ દ્વારા સિકંદરા પાસે આગ્રા નેશનલ હાઇવે જામ કરવાના પગલે બસ સેવા અને ટ્રેન સેવા વધુ પ્રભાવિત થઈ છે. આજે પણ ર૦થી વધુ ટ્રેન રદ કરવામાં આવી છે. ગુર્જર આંદોલનના લીધે આજે પણ મુંબઇ-દિલ્હીનો ટ્રેન વ્યવહાર ખોરવાયેલો રહેતાં રદ કરાયેલી ટ્રેનોના પગલે હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

અનેક ટ્રેન આજે પણ રદ કરાઈ હતી, જ્યારે દિલ્હી તરફથી ડાઇવર્ટેડ રૂટ ઉપર આવનારી ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન ક્યારે પહોંચશે તેનો ચોક્કસ ટાઇમ આપી ન શકતાં કેટલાય મુસાફરો અટવાઇ રહ્યા છે. દિલ્હી મુંબઈ રેલવે માર્ગ પૂરેપૂરો ઠપ છે. જે પ્રવાસીઓ રેલવેના વિકલ્પમાં રોડ મુસાફરી કરી રહ્યા છે તેમના માટે પણ હવે મુશ્કેલીઓ વધી છે, કેમ કે ગુર્જર આંદોલન હવે રસ્તાઓ પર પહોંચ્યું છે.

ગઈ કાલે એક જ દિવસમાં ૮૦ હજારથી વધુ રેલ પ્રવાસીઓ અટવાયા હતા. આ પરિસ્થિતિ આજે પણ યથાવત્ રહેવાની શક્યતા છે. ગુજરાતભરમાંથી વસંતપંચમીનું શાહી કુંભસ્નાન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ પણ અત્યારે અટવાયા છે. ટ્રેનો બંધ છે અને રસ્તાઓ પર આંદોલનકારીઓ દ્વારા ટ્રાફિક જામના કારણે તેઓને મધ્યપ્રદેશ થઈને આવવાની ફરજ પડી છે.

૧૩ ફેબ્રુઆરી સુધી અનેક ટ્રેન રદ કરાઈ છે. હજુ પણ રેલ વ્યવહાર ક્યારે પૂર્વવત્ થશે તે જાહેર કરવાનું તંત્ર માટે મુશ્કેલ છે. મુસાફરોમાં રોષ છે ગુર્જર આંદોલનના પગલે પેસેન્જરને હેરાનગતિ ન થાય તે માટે અમદાવાદ, વડોદરા, સુરત સહિત તમામ મુખ્ય સ્ટેશન ઉપર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યાં છે.

જ્યારે કેન્સલ થતી ટ્રેનના પેસેન્જરોને ઝડપથી રિફંડ મળી રહે તે માટે વિશેષ કાઉન્ટર પણ રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યાં છે, પરંતુ જવાબ બરાબર નહીં મળતા હોવાની ફરિયાદ યાત્રીઓ કરી રહ્યા છે. પશ્ચિમ રેલવેની અમદાવાદ સહિતની અનેક ટ્રેન રદ કરવાની આજે તંત્રને ફરજ પડી છે. આજે જયપુરથી ઓખા આવતી ટ્રેન પણ રદ કરવામાં આવી છે, જ્યારે કટરાથી ઉપડતી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ વાયા રેવાડી, અજમેર, પાલનપુર થઈને દોડશે.

You might also like