ચૈત્રી નવરાત્રિમાં ઘટઃ પૂજન શા માટે કરવું જોઈએ

પાવન પર્વ ચૈત્રી નવરાત્રિમાં દુર્ગા માતાના નવ રૂપોની પૂજા નવ દિવસ સુધી ચાલે છે. ચૈત્રી નવરાત્રિને શરૂઆતમાં પ્રતિપદા તિથિએ ઉત્તમ મુહૂર્તમાં કળશ કે ઘટની સ્થાપના કરવામાં આવે છે.

દુર્ગા સપ્તશતીનાં દુર્ગા માહાત્મ્યમાં લખ્યું છે કે જ્યારે અસુરોનો અત્યાચાર વધવા લાગતો તો તેમાંથી છુટકારો મેળવવા માટે બધા દેવતાઓએ મા શક્તિની ઉપાસના કરી.   દેવીએ પ્રસન્ન થઈને ચૈત્ર અને અશ્વિન શુક્લ પ્રતિપદાથી દશમી સુધી દેવી પૂજન અને વ્રતનું વિધાન બતાવ્યું. એ દિવસથી ચૈત્રી નવરાત્રિનો ઉત્સવ ઉજવવાની પરંપરા શરૂ થઈ. નવારાત્રિ પૂજનની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ. તેના શા નિયમ છે?આવો જાણીએ.

 ઘટઃ પૂજન વિધિઃ- 
 અશ્વિન શુક્લ પ્રતિપદાના રોજ બ્રહ્મમુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ. જો બ્રહ્મમુહૂર્તમાં શક્ય ન હોય તો જેટલું શક્ય હોય તેટલું વહેલી સવારે સ્નાન કરો. ઘરના જ કોઈ પવિત્ર સ્થન પર માટીથી વેદી બનાવો. એ વેદીમાં જ જવ અને ઘઉંને મિક્સ કરીને વાવવા જોઈએ. આ વેદી પર કે તેની નિકટ જ પૃથ્વીનું પૂજન કરો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ પૂજિત સ્થાન પર કળશની સ્થાપના કરવી જોઈએ. જે કળશ તમે સ્થાપિત કરી રહ્યા છો તે માટી, તાંબા, પીત્તળ, સોના કે ચાંદીનુ હોવું જોઈએ.

કળશ પર લાલ કંકુથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો અને કળશના ગળામાં લાલ દોરો લપેટો. સ્થાપિત કરવાની ભૂમિ અથવા ચોકી (પાટલો) પર કંકુ અને હળદરથી અષ્ટદળ કમળ બનાવો. ત્યારબાદ કળશને તેના પર સ્થાપિત કરો. કળશમાં પાણી ભરો. પાણીમાં ચંદન,પંચપલ્લવ, સોપારી , આખી હળદર , કુશ, ગોશાળા કે તળાવની માટી નાખો.  ત્યારબાદ કળશને વસ્ત્રથી અલંકૃત કરો. ત્યારબાદ કળશ પર ચોખા કે જવથી ભરેલ પાત્ર સ્થાપિત કરો. હવે તેના પર લાલ વસ્ત્ર લપેટો અને નારિયળ મૂકો.

કેટલાક લોકો  છિદ્રોવાળી માટલી કે જેને ગરબો કહેવાય છે તેની સ્થાપના પણ કરે છે. આ ગરબામાં દીવો પ્રજ્વલિત રખાતો હોય છે. છિદ્રોમાંથી બહાર રેલાતો પ્રકાશ એક દિવ્ય દ્રશ્ય ઊભું કરે છે.  આ ગરબાનો મૂળ ભાવ એ છે કે માટલીનો બહારથી દેખાતો ભાગ નભોમંડળ છે.

પ્રકાશમય છિદ્રો તારાના પ્રતીક તરીકે જોવાય છે. આ તો બ્રહ્માંડનું ઉપરથી દેખાતું દ્રશ્ય છે પણ તેની મૂળ ઊર્જા અને પ્રકાશનું કેન્દ્રસ્થાન તો માટલીમાં રહેલો દીવો છે. આ દીવો જ પરમાત્મા છે.•
You might also like