ગુણોત્સવનું જ ગુણાંકન થવું જોઈએ

ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવાના ભાગરૂપે સરકાર દ્વારા દર વર્ષે શાળાકીય કાર્યક્રમ ગુણોત્સવનું આયોજન કરવામાં આવે છે. ર૦૦૯થી ઊજવાતાં ગુણોત્સવમાં અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું આંધણ કર્યા પછી પણ સરકાર ધારી સફળતા મેળવી શકી નથી. જોકે ગુણોત્સવ દરમિયાન કરવામાં આવતા મૂલ્યાંકન માટે શિક્ષણ વિભાગ દ્વારા એજ્યુકેશન ઈન્સ્પેક્ટર્સને જવાબદારીઓ સોંપવામાં આવી છે. જોકે એજ્યુકેશન ઈન્સ્પેક્ટર્સ (એઆઈ)ની મોટાભાગની જગ્યાઓ હાલ ખાલી પડી હોવાને કારણે સમગ્ર સરકારી તંત્રને ગુણોત્સવના કાર્યક્રમમાં જોડી દેવાય છે. આમ, સરકારી અધિકારીઓને સમય ઉપરાંત નાણાં પણ વેડફાઈ રહ્યાં હોવાનું શિક્ષણ સાથે સંકળાયેલા લોકો માની રહ્યાં છે.

ગુણોત્સવની શિસ્ત માત્ર મુલાકાત પૂરતી
ગુણોત્સવ દરમિયાન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રાજકોટ તાલુકાના બેડલા ગામની શાળાની મુલાકાત લીધી હતી. પ્રાર્થનાસભા બાદ મુખ્યમંત્રીએ દરેક રૂમમાં જઈ વિદ્યાર્થીઓને મળીને સંવાદ કર્યો હતો તથા તેમની સાથે ભોજન પણ લીધું હતું. પાંચેક કલાક સુધી તેઓ શાળામાં રહ્યાં ત્યાં સુધી વિદ્યાર્થીઓને સતત શિસ્તમાં રાખીને શાળાનું વાતાવરણ સારું રાખવાનો પ્રયાસ સરકારી તંત્રએ કર્યો હતો.

જોકે મુખ્યમંત્રીનો કાફલો શાળામાંથી ગ્રામસભામાં જવા રવાના થયો કે તરત જ શાળાની વિદ્યાર્થિનીઓ પાસે ભોજનનાં એઠાં વાસણો સાફ કરાવાયાં હતાં. આવી સ્થિતિમાં ગુણોત્સવનો હેતુ સફળ થયો ગણી શકાય? આ મુદ્દો ચર્ચાની એરણ પણ રહ્યો હતો. સવાલ એ છે કે, મુખ્યમંત્રી જે શાળામાં ગયાં હોય ત્યાં જ શિસ્ત અને ગુણવત્તાની શિખામણ તેમની મુલાકાત પૂરતી જ અસર કરતી હોય તો અન્ય અધિકારીઓ જે સ્કૂલે ગયા હશે તે સ્કૂલોનો કેવો અંદાજ લગાવી શકાય?

હાલ અધિકારીઓ કરે છે મૂલ્યાંકન
શાળાઓ અને શિક્ષકોના સ્વ અને બાહ્ય શૈક્ષણિક મૂલ્યાંકન માટે ગુજરાત સરકાર દ્વારા ર૦૦૯થી શાળાકીય કાર્યક્રમ ગુણોત્સવનું આયોજન થાય છે. જેમાં શિક્ષણ વિભાગ ઉપરાંત રાજ્યમાં ફરજ બજાવતા આઇએએસ, આઇપીએસ સહિતના સેંકડો અધિકારીઓને ગુણોત્સવની પ્રક્રિયામાં જોતરી દેવાય છે. જેઓ શાળાઓમાં જઇને પ્રાથમિક સુવિધાઓ, શિક્ષકો-વિદ્યાર્થીઓની હાજરી, ભણાવવાની રીત, અભ્યાસની ક્ષમતા, બાળકોના અભ્યાસનું સ્તર, પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ, શારીરિક સ્વચ્છતા, શાળાની સફાઈ, રમતગમત પ્રવૃત્તિ, કલા-કૌશલ્ય પ્રવૃત્તિ જેવી બાબતોનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરે છે.

એજ્યુકેશન અધિકારીની જગ્યાઓ ખાલી
મૂલ્યાંકનના આધારે જે તે શાળાનો તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ગ્રેડ નક્કી કરવામાં આવે છે. આ ગ્રેડના આધારે શાળામાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. હકીકતમાં આવાં શાળાકીય મૂલ્યાંકન માટે વર્ષોથી શિક્ષણ વિભાગ દ્વારા દરેક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. જોકે આશ્ચર્યજનક રીતે રાજ્યમાં મંજૂર થયેલી એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની કુલ ૮૨ જગ્યાઓ પૈકી ૩૧ માર્ચ, ર૦૧પની સ્થિતિએ માત્ર ૪ જગ્યાઓ પર જ એજ્યુકેશન ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે એટલે કે ૭૮ જગ્યાઓ ખાલી પડી છે.

એજ્યુકેશન ઈન્સ્પેક્ટરનું કાર્ય
શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકોના કહેવા મુજબ ગુણોત્સવમાં જે બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે તે તમામ બાબતોની દેખરેખ રાખીને તે અંગેનો રિપોર્ટ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂ કરવાની જવાબદારી એજ્યુકેશન ઇન્સ્પેક્ટરના શિરે હોય છે. એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે દર પંદર દિવસે શાળાની મુલાકાત લઈને શાળાની ભૌતિક સુવિધાઓ, શિક્ષકોની ભરતી, શાળાનું પરિણામ, આરટીઇ તથા રોસ્ટર પદ્ધતિ જેવી યોજનાઓની અમલવારી જેવી બાબતોનું મૂલ્યાંકન કરે છે. શૈક્ષણિક સત્રના પ્રારંભે શાળાઓ દ્વારા કરવામાં આવતાં ફીવધારાનું મૂલ્યાંકન તથા શિક્ષકો-કર્મચારીઓની ભરતી અને વિદ્યાર્થીઓનો શાળાપ્રવેશ ધારાધોરણ મુજબ થાય છે તે જોવાની જવાબદારી પણ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોની હોય છે.

એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દ્વારા દરેક શાળાના એકાઉન્ટનું પણ મોનિટરિંગ કરીને સરકાર દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટ જે-તે હેતુ માટે વપરાય છે કે કેમ તેની નોંધણી ઉપરાંત શાળાની લાઇબ્રેરી, લેબોરેટરી, ગ્રાઉન્ડ જેવી અનેક બાબતોનું સમયાંતરે નિરીક્ષણ કરીને ગુણવત્તા અંગેનો અહેવાલ જિલ્લા શિક્ષણાધિકારીને સોંપવાનો હોય છે. ખાનગી શાળાઓમાં સરકારના માપદંડો મુજબની ભરતી અને લઘુતમ વેતન જેવી બાબતો ઉપર તેમની દેખરેખ રહે છે. શાળા અને શિક્ષણ વિભાગ વચ્ચે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એક સેતુ તરીકેનું કામ કરે છે. જેથી શાળાની દરેક બાબતથી શિક્ષણાધિકારી વાકેફ રહીને યોગ્ય કાર્યવાહી કરી શકે.

જોકે હાલમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોની જગ્યાઓ ખાલી હોવાથી ચોક્કસ રિપોર્ટ શિક્ષણ વિભાગ સુધી પહોંચતો નથી. આમ, શાળા ઉપર શિક્ષણ વિભાગનો કંટ્રોલ રહેતો નથી. જેથી શાળા સંચાલકો કેટલાંક કિસ્સામાં પોતાની મનમાની કરે છે.
જે મેન્યુઅલ જળવાવું જોઈએ તે જળવાતું ન હોવાથી જ સરકારે અતિ ભારે ખર્ચા કરીને આવા ગુણોત્સવ કરવાની ફરજ પડે છે. ગુણોત્સવ પાછળ કરોડોનું આંધણ અને સરકારી તંત્રનો સમય બરબાદ કરવાને બદલે મંજૂર મહેકમ મુજબ જો એજ્યુકેશન ઈન્સ્પેક્ટરની ખાલી જગ્યાઓ ભરી દેવામાં આવે તો સરકારને ગુણોત્સવના તાયફા કરવાની જરૂર રહે નહીં.
આ વર્ષે પણ ગુણોત્સવનો કાર્યક્રમ ફારસ બની રહ્યો હતો તેથી એજ્યુકેશન ઈન્સ્પેક્ટરો દ્વારા જ સર્વગ્રાહી મૂલ્યાંકન કરાવવું જોઈએ તેવું શિક્ષણજગતમાં ચર્ચાઈ રહ્યું છે.

સુઓમોટો દાખલ કરો!
ગુણોત્સવથી શિક્ષણમાં કોઈ સુધારો થતો ન હોવાના અને સમય તથા નાણાંનો થતો હોવાના આક્ષેપ સાથે પોરબંદરના વકીલ બી. એચ. ઓડેદરાએ ચીફ જસ્ટિસને પત્ર લખીને આ અંગે સુઓમોટો દાખલ કરવા વિનંતી કરી છે. પત્રમાં શિક્ષકો પાસે અન્ય કામો ન કરાવવાં, પૂરતો પગાર ચૂકવવા તથા શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી જેવી માગણીઓ પણ કરી છે.

હિરેન રાજ્યગુરુ

પૂરક માહિતી: દેવેન્દ્ર જાની,રાજકોટ

You might also like