અખાતી સંકટઃ ૪૮ લાખ ભારતીય અંગે ઘેરી ચિંતા

નવી દિલ્હી: અખાતી દેશોમાં આતંકવાદના મુદ્દે ગંભીર તણાવ પેદા થયો છે. સાઉદી અરેબિયા, બહેરીન, યમન, ઈજિપ્ત, લિબિયા, માલદીવ અને સંયુક્ત આરબ અમિરાતે (યુએનઆઈ) આ પ્રદેશના એક અન્ય દેશ કતાર સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા છે. ત્યાર બાદ ભારતે ભલે કતાર સાથે સંબંધો જાળવી રાખવાની વાત કરી હોય, પરંતુ તેનાથી અખાતી દેશોમાં વસતા ૪૮ લાખ ભારતીયો અને કતારમાં રહેતા ૬.૫ લાખ ભારતીય નાગરિકોની ચિંતા ઊભી થઈ છે. યુએઈમાં ૨૫-૨૬ લાખ અને સાઉદી અરેબિયામાં ૨૯.૩૦ લાખ ભારતીયો કામ કરે છે. અખાતમાં તણાવ પેદા થવાથી તેમની કામગીરી પર અસર પડી શકે છે.

કતારે મુસ્લિમ બ્રધરહૂડ, અલ કાયદા અને આઈએસ જેવાં આતંકી સંગઠનો સાથે સંબંધો રાખ્યાં હોવાનું આ અખાતી દેશોએ આક્ષેપ કર્યો છે. આ દેશો કતારથી પોતાના રાજદ્વારીઓને પરત બોલાવવા લાગ્યા છે અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જમીની સરહદને સીલ કરવામાં આવી રહી છે. આમ આ દેશો વચ્ચે વધી રહેલા તણાવને કારણે ભારતીય લોકોનું હિત પ્રભાવિત થઈ શકે છે.

આ ઉપરાંત ક્રૂડ ઓઈલ મોઘું થવાનો પણ ડર છે. અખાતી દેશોમાં તણાવ વધવાથી ભારત પર ક્રૂડ ઓઈલની કિંમત પર અસર પડશે. આ તમામ દેશ ક્રૂડ ઓઈલના મોટા ઉત્પાદક છે. ભારત સૌથી વધુ ક્રૂડ ઓઈલ સાઉદી અરેબિયા પાસેથી મેળવે છે અને કતાર પાસેથી ભારત સૌથી વધુ કુદરતી ગેસ પ્રાપ્ત કરે છે. ભારતની ઊર્જા સુરક્ષાની દૃષ્ટિએ આ સમગ્ર દેશો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

આ ઉપરાંત મોદી સરકાર માટે અખાતી દેશો માટે પોતાના સંબંધો વધુ મજબૂત કરવા કાર્યરત છે. નવી પરિસ્થિતિમાં ભારત માટે રાજદ્વારી તાલમેલ સાધવાનો પડકાર ઊભો થઈ શકે છે. ખાસ કરીને ભારત ઈરાનની સાથે તેના વિરોધી દેશ સાઉદી અરેબિયા સાથે પણ સંબંધો વધુ મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે. આમ અખાતી દેશોના તણાવની ભારત પર અસર પડી શકે છે અને ભારતમાં પણ સંકટ પેદા થઈ શકે છે.
http://sambhaavnews.com/

You might also like