અખાતી દેશોમાં ચીજવસ્તુુની જેમ ભારતીય મહિલાઓ વેચાય છે

હૈદરાબાદ: આંધ્રપ્રદેશના એક પ્રધાને અખાતી દેશોમાં ઘરેલુ કામ કરતી આંધ્રપ્રદેશની મહિલાઓ પર અત્યાચાર થતા હોવાનું જણાવીને કહ્યું છે કે આંધ્રપ્રદેશની મહિલાઓનું દુકાનના માલસામાનની જેમ રીતસરનું વેચાણ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે આ મહિલાઓ ત્યાંની જેલમાં જીવન વીતાવવા મજબૂર બને છે. આ મહિલાઓ પોતાના ખરાબ સ્વભાવના માલિકોના અત્યાચારથી તંગ આવી જઇને અથવા તો વિઝાની મુદત સમાપ્ત થવા પર ભારત આવવાની કોશિશ કરી રહી છે.

તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે આંધ્રપ્રદેશ અને તેલંગણા રાજ્યની મહિલાઓને દુકાનના સામાનની જેમ વેચવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે આ બાબતમાં પહેલ કરીને આ મહિલાઓને મદદ કરવી જોઇએ. આંધ્રપ્રદેશના પ્રવાસી ભારતીયો બાબતના પ્રધાન પી.રઘુનાથ રેડ્ડીએ આ અંગે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને પત્ર લખીને આ મહિલાઓને પરત લાવવાની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.

તેમણે જણાવ્યું છે કે આવી મહિલાઓને જરૂરી વિઝા ડોક્યુમેન્ટ આપીને અને વિનામૂલ્યે પ્રવાસની સુવિધા પૂરી પાડીને તેમને સ્વદેશ પરત લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવી જોઇએ, એટલું જ નહીં અખાતી દેશોમાં ભારતીય દૂતાવાસોએ આ બાબતમાં દરમિયાનગીરી કરીને તેમને જરૂરી કપડાં અને રહેવા માટે મદદ કરવી જોઇએ.

રેડ્ડીના જણાવ્યા અનુસાર સાઉદી અરેબિયામાં આ મહિલાઓ રૂ.૪ લાખમાં, બહે‌િરન, યુએઇ અને કુવૈતમાં રૂ.એક લાખથી લઇને રૂ.ત્રણ લાખમાં વેચવામાં આવે છે. તાજેતરમાં જ અખાતી દેશો પાસે લગભગ રપ મહિલા કેદીને મદદ કરવા રાજ્ય સરકારે વિનંતી કરી છે. ભારતીય આંકડા અનુસાર બહે‌િરન, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા, યુએઇ અને ઓમાનના છ અખાતી દેશોમાં ૬૦ લાખ બિનનિવાસી ભારતીયો વસે છે.

You might also like