ગુલબર્ગ કાંડના 22 આરોપીઓની જેલમાં ભૂખ હડતાળ, તંત્રએ ગણાવી અફવા

અમદાવાદ: ગુલબર્ગ સોસાયટી નરસંહાર કાંડમાં જેલની સજા ભોગવી રહેલા 22 આરોપીઓએ ગુરૂવારથી ભૂખ હડતાળ પર જવાની જાહેરાત કરી હોવાની વાત વહેતી થઇ હતી. વહેતી થયેલી વાત અનુસાર કેદીઓ જેલમાં માનસિક ત્રાસની ફરિયાદ કરી રહ્યાં છે. તેમનો આરોપ છે કે જેલના અધિકારીઓ તેમની ફરિયાદની અવગણના કરી રહ્યાં છે. આ સમગ્ર મામલે જેલ તંત્રએ સમગ્ર વાત ખોટી હોવાનું જણાવીને આ વાત પર પૂર્ણવિરામ મુકી દીધું હતું.

કહેવામાં આવી રહ્યું હતું કે અમદાવાદની સાબરમતી સેંટ્રલ જેલમાં બંધ આ કેદીઓએ જેલ અધિક્ષકથી માંડીને તમામ અધિકારીઓ સાથે આ અંગે ફરિયાદ કરી હતી, પરંતુ કોઇએ કોઇ કાર્યવાહી કરી નથી, ત્યારબાદ ભૂખ હડતાળન ફેંસલો કર્યો છે.

તમને જણાવી દઇએ કે ગત શુક્રવારે સ્પેશિયલ એસઆઇટી કોર્ટે તેમાંથી 11 આરોપીઓને આજીવન કારાવાસ (મૃત્યું સુધી)ની સજા સંભળાવી છે. આ સાથે જ અન્ય 12 દોષીઓને સાત વર્ષની જેલની સજા ફટકારી છે, જ્યારે એક અન્ય એકને 10 વર્ષની સજા સંભળાવી હતી.

કોર્ટે 36 આરોપીઓને છોડી મુક્યા
ગોધરાકાંડ પછીના થયેલા ગુલબર્ગકાંડમાં ખાસ કોર્ટે ચુકાદો બે જૂને જાહેર કર્યો હતો. જેમાં ર૪ આરોપીને દોષિત અને ૩૬ આરોપીને નિર્દોષ છોડી મુક્યા હતા. જ્જ પી.બી.દેસાઇએ ર૪ આરોપીનાં સજાના એલાનને લઇને ૬ જૂનના રોજ સુનવણી રાખી હતી. જેમાં બચાવપક્ષના વકીલ અભય ભારદ્વાજે આરોપીને સજા ઓછી થાય તે માટે સુપ્રીમ ચુકાદા રજૂ કરવા માટે સમય માગ્યો હતો. કોર્ટે બચાવપક્ષની દલીલો સાંભળીને આરોપીને સજા માટે ૯મી જૂનના રોજ સુનાવણી રાખી હતી.

ગુલબર્ગકાંડની ટાઈમલાઇન
– 28 ફેબ્રુઆરી, 2002ના રોજ ટોળાએ ગુલબર્ગ સોસાયટીમાં ઘાતકી હુમલો કર્યો. આ હત્યાકાંડમાં કોગ્રેંસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત 69 લોકોનાં મોત થયાં હતાં.
– 3 જૂન, 2002: ક્રાઇમ બ્રાંચે કેસની પ્રથમ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી, જેમાં 23 આરોપીઓ એક બાળઆરોપી અને 14 આરોપીઓને ભાગેડુ દર્શાવ્યા.
– 14 જુલાઇ, 2008: પાંચમી પુરવણી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી. એક વ્યકિતને આરોપી દર્શાવ્યો.
– 18 એપ્રિલ, 2008: પી‌િડતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે કેસની તપાસ યોગ્ય રીતે થતી નથી. આ રજૂઆત બાદ સુપ્રીમ કોર્ટે સીબીઆઇના પૂર્વ ડાયરેકટર ડો.આર. કે. રાઘવનના નેજા હેઠળ એસઆઇટીની નિમણૂક કરી
– 12 ડિસેમ્બર, 2008: એસઆઇટીએ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી નવા 14 લોકોને આરોપી દર્શાવ્યા અને 21 આરોપીઓને ભાગેડુ જાહેર કરાયા
– 16 એપ્રિલ, 2009: કેસમાં 67 આરોપી અને બાળઆરોપીઓ હતા. આ કેસમાં ભૂતપૂર્વ તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી. એરડાને આરોપી બનાવ્યા
– મે 2010: સુપ્રીમ કોર્ટે ખાસ અદાલતને ગુલબર્ગ કેસ ચલાવવાની મંજૂરી આપી, પરંતુ આ કેસમાં ચુકાદો આપવા સામે મનાઇહુકમ આપ્યો
– સપ્ટેમ્બર 2015: ખાસ અદાલતમાં સુનાવણી પૂર્ણ થઇ. આ પછી ચુકાદા માટે ખાસ અદાલતે સુપ્રીમ કોર્ટ પાસે ત્રણ વખત મંજૂરી માગી
– 2 જૂન 2016: ખાસ અદાલતે ચુકાદો જાહેર કર્યો. સજા માટે આરોપીના વકીલ અને સરકારી વકીલે રજૂઆતો કરી

You might also like