ગુલબર્ગકાંડઃ સમાજ માટે કાળો દિવસ

અમદાવાદમાં ઈન્કમટેક્સ ચાર રસ્તા નજીક આવેલી નવરંગપુરા ફેમિલી કોર્ટ ખાતે જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા વચ્ચે આરોપીઓથી ભરેલી ત્રણ પોલીસવૅન કોર્ટ પરિસરમાં આવી અને પરિસરમાં હોબાળો થયો. પોલીસવૅનમાં બેઠેલા આરોપીઓને મળવા માટે કોર્ટ પરિસરમાં આવેલા તેમના કુટુંબીજનો અને મીડિયાકર્મીઓએ દોટ લગાવી અને કોર્ટ પરિસરમાં હોહા થઈ ગઈ. આમ તો કોર્ટ પરિસરમાં આવાં દૃશ્યો બહુ સામાન્ય હોય છે, પરંતુ આ દૃશ્ય મહત્ત્વનું એટલા માટે છે કે પોલીસવૅનમાં બેઠેલા આરોપીઓ ગુલબર્ગ કેસના આરોપીઓ હતા.

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ગુલબર્ગ સોસાયટીમાં ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨માં થયેલા હત્યાકાંડ સંદર્ભે સ્પેશિયલ કોર્ટે ૧૭ જૂનના રોજ ૨૪ કસૂરવારને સજા સંભળાવી. ૨૪ આરોપીઓ પૈકી ૧૧ને ખૂન સહિતના અપરાધ અન્વયે કલમ ૩૦૨ હેઠળ આજીવન કારાવાસની સજા ફટકારાઈ જ્યારે અન્ય ૧૩ને ખૂન સિવાયની હળવી કલમો હેઠળ કસૂરવાર ઠેરવી સાતથી દસ વર્ષની સજા ફટકારાઈ. ૧૩ પૈકી એક આરોપી મંગીલાલ જૈનને ૧૦ વર્ષની સજા જ્યારે અન્ય ૧૨ને સાત વર્ષની સજા ફટકારાઈ. ગુલબર્ગકાંડમાં છેક ૧૪ વર્ષે સ્પેશિયલ કોર્ટે તેનો ચુકાદો સંભળાવ્યો હતો તેથી આ ચુકાદા પર સૌની મીટ મંડાયેલી હતી.

વર્ષ ૨૦૦૨માં થયેલા ગુલબર્ગકાંડમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત ૬૯ લોકોની હત્યા થઈ હતી. ઘટના બાદ અહેસાન જાફરીનાં પત્ની ઝાકીયા જાફરીએ વર્ષ ૨૦૦૬માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે મુખ્યમંત્રી તેમજ અન્ય રાજકારણીઓ તેમજ પોલીસની મિલીભગતના કારણે ગુલબર્ગકાંડ સર્જાયો હતો.

જોકે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીની રચના કરાઈ હતી અને એસઆઈટીએ નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપી હતી. આ કેસમાં ૭ સપ્ટેમ્બર, ૨૦૦૯થી ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી જેમાં ૩૩૮ જેટલા સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. ગુલબર્ગકાંડનો ચુકાદો ૩૧ મે સુધીમાં જાહેર કરવાનો સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો હતો જેના પગલે આ ચુકાદો જાહેર કરાયો હતો. ૩૧ મે બાદ આ કેસમાં ત્રણ મુદત પડી હતી જેમાં પ્રથમ મુદતમાં ૩૬ નિર્દોષોને છોડી મુકાયા હતા જ્યારે આરોપીઓને સજા ફરમાવવા માટે બીજી મુદત પડી હતી જેમાં ૧૭ જૂનની તારીખ મુકરર કરવામાં આવી હતી. આ કેસમાં મૂળભૂત રીતે ૬૬ આરોપી હતા જે પૈકી છ આરોપી ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યા હતા જયારે એક આરોપી કૈલાસ ધોબીને ભાગેડુ જાહેર કરાયો હતો.

નોંધપાત્ર બાબત એ છે કે આ કેસમાં સૌથી વધુ હત્યા કરવાનો આરોપ જેના પર છે તે કૈલાસ ધોબીએ સજાના દિવસે હાજર થઈ જવા જણાવ્યું હતું અને ૧૭ જૂનના રોજ તે કોર્ટ ખાતે હાજર પણ થઈ ગયો હતો. કૈલાસ ધોબીએ ગુલબર્ગકાંડમાં છ લોકોની હત્યા કરી હોવાનું એસઆઈટીએ તેના રિપોર્ટમાં નોંધ્યું હતું. કૈલાસ ધોબીને આજીવન કારાવાસની સજા ફટકારાઈ છે.

આ કેસમાં સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ પી. બી. દેસાઈએ તેમનો ચુકાદો સંભળાવતા પહેલાં કોર્ટનાં અવલોકનો રજૂ કર્યાં હતાં. વકીલો, પત્રકારો અને આરોપીઓથી ખીચોખીચ ભરેલા કોર્ટરૂમમાં પી.બી. દેસાઈએ જણાવ્યું કે ગુલબર્ગકાંડના ૯૦ ટકા આરોપીઓ જામીન પર છૂટ્યા હતા ત્યારે તેમનો વ્યવહાર સાક્ષીઓ કે પુરાવાઓને નુકસાન પહોંચાડે તેવો ન હતો. જેલમાં જે આરોપીઓ હતા તેમનો રેકૉર્ડ પણ સારો રહ્યો હતો. તમામ આરોપીઓનો ભૂતકાળ તપાસવામાં આવે તો તેમની સામે કોઈ જ ક્રિમિનલ રેકૉર્ડ ન હતો તેથી તમામ આરોપીએ જે કૃત્ય આચર્યું તે માત્ર એક જ દિવસની દુર્ઘટના માનીને ઘટનાને ધ્યાને લેવાઈ છે.

જામીન પર છૂટેલા આરોપીઓનું વર્તન સમાજ માટે જોખમરૂપ ન હોવાથી તેમને સુધરવાની એક તક આપવી જોઈએ તેથી આ કેસમાં કોઈને પણ ફાંસીની સજા ફરમાવાઈ નથી. ૧૧ આરોપીઓને આજીવન કારાવાસની સજા અપાઈ છે. જોકે આ કેસમાં સ્પેશિયલ કોર્ટે આજીવન કારાવાસનાં વર્ષો અંગે કોઈ જ સ્પષ્ટતા કરી નથી. સામાન્ય રીતે આજીવન કારાવાસ એટલે આરોપી જીવે ત્યાં સુધી તેણે જેલવાસમાં રહેવાનું હોય છે, પરંતુ રાજ્ય સરકારને કલમ ૪૩૩ એ હેઠળ આજીવન કારાવાસને ૧૪ વર્ષની સજામાં તબદીલ કરવાની વિશેષ સત્તા મળે છે.

તેથી સ્પેશિયલ કોર્ટે રાજ્ય સરકારને તેને મળતી આ વિશેષ સત્તાનો ઉપયોગ નહીં કરવાની ભલામણ કરી આજીવન કારાવાસની સજા યથાવત્ જ રાખવાની ભલામણ કરી છે. જોકે આ માત્ર એક ભલામણ જ છે. રાજ્ય સરકાર ધારે તો તેને મળેલી વિશેષ સત્તાનો ઉપયોગ કરી શકે છે. કોર્ટે એમ પણ ઠેરવ્યું કે અલગ અલગ ગુનાની સજા આરોપીઓએ એકસાથે ભોગવવાની રહેશે.

આ સમગ્ર કેસમાં મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે સ્પેશિયલ કોર્ટે ગુલબર્ગકાંડને કલમ ૧૨૦બી હેઠળ પૂર્વયોજિત કાવતરું ગણ્યું નથી તેમજ કલમ ૩૪ અન્વયે સમાન હેતુની થિયરીને માન્ય રાખી નથી. ફરિયાદપક્ષ તરફથી કરાયેલા બળાત્કારના આરોપને પણ કોર્ટે માન્ય રાખ્યો નથી. આવા સંજોગોમાં જે કલમો લગાડવામાં આવી તે કલમો હેઠળ આરોપીઓને સજામાં થોડી રાહત મળી છે તેમ કહી શકાય.

સજાની સુનાવણી થઈ તે પહેલાંની મુદતમાં કોર્ટમાં બંને પક્ષે ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી જેમાં બચાવપક્ષે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને જણાવ્યું હતું કે જો આતંકવાદીઓને સુધરવાની તક મળતી હોય તો ગુલબર્ગકાંડના આરોપીઓને પણ સુધરવાની તક મળવી જોઈએ. જેની સામે સરકારી વકીલે કોર્ટમાં વિરોધ કરતા જણાવ્યું હતું કે આતંકવાદીઓ તો બીજા દેશમાંથી આવીને આતંક અને હિંસા ફેલાવે છે જ્યારે આ કેસમાં આરોપીઓ માટે એવું કહી શકાય કે ભાઈને ભાઈ કો મારા.

દોષિતો અને મૃતકો એકબીજાના મિત્રો હતા. ગુલબર્ગકાંડની ઘટના બની ત્યારે સૂત્રોચ્ચાર કરીને હુમલા કરવામાં આવ્યા હતા તેથી જવાબદાર આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ. બચાવપક્ષ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે પૂર્વ સાંસદ અહેસાન જાફરીએ તેમની રિવોલ્વરમાંથી કરેલા ફાયરિંગના કારણે ટોળંુ ઉશ્કેરાયું હતું અને ત્યારબાદ આ સમગ્ર ઘટના બની.

જોકે પીડિતોના વકીલ એસ. એમ. વોરાએ રજૂઆત કરી હતી કે ગુલબર્ગકાંડ માટે અહેસાન જાફરી જવાબદાર નથી,પરંતુ તે સમયનો માહોલ જવાબદાર હતો. પીડિતોના વકીલે ગુલબર્ગકાંડને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ માનવા રજૂઆત કરી આરોપીઓને ફાંસી અને આજીવન કેદ અપાય તેવી માગણી કરી જ્યારે બચાવપક્ષે રહેમનજર રાખીને આરોપીઓને સુધરવાની તક આપવા રજૂઆત કરી હતી.

ગુલબર્ગકાંડમાં નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપનાર એસઆઈટીએ તેની સમગ્ર તપાસ દરમિયાન ૨૫ લોકોને આરોપી તરીકે દર્શાવ્યા હતા જે પૈકી કોર્ટે ૧૧ લોકોને સજા ફટકારી હોવાનું એસઆઈટીનાં સૂત્રોએ જણાવ્યું હતું. આ સમગ્ર કેસમાં ફરિયાદપક્ષ અને બચાવપક્ષ બંનેને ચુકાદાથી અસંતોષ છે. ઝાકીયા જાફરીના મતે આરોપીઓને ફાંસીની સજા થઈ નથી તેથી તેઓ આ ચુકાદાને ભવિષ્યમાં ઉપરી અદાલતમાં પડકારવા માટે તેમના વકીલની સલાહ લેશે જ્યારે સામા પક્ષે બચાવપક્ષ તેમના વળતર માટે તેમજ સજામાં કાપ માટે ઉપરી અદાલતનાં દ્વાર ખટખટાવે તેવી સંભાવના છે.

કોર્ટમાં સજાની સુનાવણી બાદ આજીવન કારાવાસ મેળવનાર આરોપીઓના કુટુંબીજનોના આક્રંદથી કોર્ટ પરિસર ગુંજી ઊઠ્યું હતુ. એક મહિલા બેભાન થઈ જતાં એમ્બ્યુલન્સ પણ બોલાવવી પડી હતી. સજા પામનારા આરોપીઓનાં બાળકો તેમના પિતાની એક ઝલક જોવા પોલીસવૅન આસપાસ ફરતા દેખાયા હતા. આ લાગણીસભર દૃશ્યો વચ્ચે પણ એક બાબત નોંધવી પડે કે ગુલબર્ગકાંડને સ્પેશિયલ કોર્ટે સમાજ માટે કાળા દિવસ તરીકે ઓળખાવ્યો છે ત્યારે હવે બંને પક્ષ ઉપરી અદાલતમાં જશે કે કેમ તે તરફ સૌની મીટ મંડાયેલી છે.

સોનલ અનડકટ

You might also like