હવે વધુ કોન્ફિડન્ટ છુંઃ ગુલ પનાગ

કદાચ જ કોઈ એવુંં કામ હશે, જે પૂર્વ મિસ ઇન્ડિયા અને અભિનેત્રી ગુલ પનાગ ન કરી શકતી હોય. અભિનયથી રાજકારણમાં પગ મૂકનાર અને પોતાનાં લગ્નમાં બુલેટ મોટરસાઈકલની સવારી કરનારી ગુલ પનાગને ઘણી મહિલાઅો પોતાના માટે પ્રેરણા માને છે. હવે ગુલ અેક વધુ કીર્તિમાન મેળવીને પાઈલટ બની ચૂકી છે. તેણે પાઈલટની અઘરી પરીક્ષા પણ પાસ કરી લીધી છે. ગુલે ભારતીય મહિલાઅોની સ્થપાયેલી રૂઢીઅોને તોડી નાખી છે, જોકે તે ખુદને મહિલાઅો માટે અાદર્શ માનતી નથી.

ગુલ કહે છે કે હું નસીબદાર છું કે હું એક એવા ઘરમાં જન્મી, જ્યાં બાઈક ચલાવવું, બહાર જવું કે થિયેટરમાં કામ કરવું માત્ર પુરુષોનું કામ ન હતું. અાપણા ત્યાં મહિલાઅોને પોતાનો જીવનસાથી પસંદ કરવાની અથવા ગમતાં કપડાં પહેરવાની અાઝાદી પણ હોતી નથી. કેટલીક મહિલાઅો ચંદ્ર પર પણ જઈ રહી છે, પરંતુ કેટલીક મહિલાઅોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ભારત અને બીજા ઘણા દેશો એવા છે કે જ્યાં હજુ મહિલાઅોને સ્કૂલ જવાની અાઝાદી પણ નથી. વર્ષ ૧૯૯૯માં મિસ ઇન્ડિયા રહી ચૂકેલી ગુલ પનાગે ખૂબ જ અોછી ફિલ્મોમાં કામ કર્યું. તે કહે છે કે એવું નથી કે મારી પાસે કામ ન હતું, પરંતુ હું એક જ પ્રકારના રોલ ભજવવા ઇચ્છતી ન હતી. હું કોઈનું નામ લઈને કોઈને બદનામ કરવા ઇચ્છતી નથી, પરંતુ મહિલાઅો પાસેથી બોલિવૂડમાં એક જ પ્રકારના રોલની અાશા રખાય છે. હું તેવી નથી. હું વધુ સારું કામ કરી શકું છું. અા વખતે હું વધુ કોન્ફિડન્ટ છું. તેથી મારી જાતને માત્ર ફિલ્મો સુધી સીમિત રાખવા ઇચ્છતી નથી. ૨૦૦૭માં ‘ડોર’ ફિલ્મ માટે મળેલી પ્રશંસા છતાં પણ ગુલ માત્ર અભિનય સુધી મર્યાદિત રહેવા ઇચ્છતી નથી. •
http://sambhaavnews.com/

You might also like