અમદાવાદની 7 બેઠકો માટે મહિલા કોંગ્રેસે ટિકિટ માગી

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક આગામી તા.૩થી પ નવેમ્બર એમ ત્રણ દિવસ માટે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે મળવાની હોઇ મહિલા કોંગ્રેસ દ્વારા શહેરની બાપુનગર, નિકોલ, અમરાઇવાડી સહિત સાત બેઠકની માગણી કરાઇ છે. સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ બાળાસાહેબ થોરાટની અધ્યક્ષતામાં દિલ્હી બાદ ફરીથી અમદાવાદમાં આગામી શુક્રવારથી પક્ષના ઉમેદવારોને નિશ્ચિત કરવા સ્ક્રીનિંગ કમિટીની ત્રણ દિવસીય બેઠક યોજાશે.

છેલ્લી ર૦૧રની ચૂંટણીમાં ભાજપને સોળ બેઠક પૈકી ૧૪ બેઠક મળી હોઇ પક્ષના હાલના બન્ને સિટિંગ ધારાસભ્ય શૈલેશ પરમાર અને ગ્યાસુદ્દીન શેખને પુનઃ ટિકિટ મળશે જ્યારે બાકીની બેઠક પૈકી અડધોઅડધ એટલે કે સાત બેઠક માટે મહિલા કોંગ્રેસ દ્વારા પક્ષ હાઇકમાન્ડ સમક્ષ વટવા, નિકોલ, ચાંદલોડિયા, બાપુનગર, સાબરમતી, અમરાઇવાડી અને નરોડા બેઠક પર મહિલા ઉમેદવારને ટિકીટ ફાળવવાની માગણી કરાઇ છે અલબત્ત છેલ્લી ર૦૧રની ચૂંટણીમાં ઠક્કરબાપાનગરથી એકમાત્ર મહિલા ઉમેદવારને ટિકિટ અપાઇ હતી.

આ અંગે પૂછતાં ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ સોનલબહેન પટેલ વધુમાં કહે છે વિધાનસભાની ચૂંટણીમાં અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જેમ મહિલા અનામત ન હોઇ પક્ષ હાઇકમાન્ડ કોઇ મહિલા લોકપ્રિય હોવા છતાં તેને ટિકિટ ફાળવવામાં ખચકાટ અનુભવે છે. જે તે મહિલા ઉમેદવાર પોતાની બેઠક પર સ્વપક્ષના પુરુષ અગ્રણીઓનો સંગઠન પરનો દબદબો તેમજ આર્થિક સદ્ધરતા વગેરે બાબતોથી ટિકિટ મેળવવામાં મુશ્કેલી અનુભવે છે. હરિફ પક્ષનો ઉમેદવાર પણ પુરુષ હોય તો મહિલા ઉમેદવારને સમાન તક મળતી નથી. પરિણામે દિ‌લ્હીના કેન્દ્રીય નેતૃત્વની ઇચ્છા હોવા છતાં મહિલા ઉમેદવારોની ટિકિટના મામલે મહંદશે બાદબાકી કરાય છે જેના કારણે વિધાનસભાની ચૂંટણીમાં મહિલા અનામત હોવું ખાસ જરૂરી છે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.

You might also like