શિક્ષણ વિભાગ અને શિક્ષકોના પડતર પ્રશ્નોનો માર્ગ સરળ થશે

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા અંદાજપત્ર સત્ર -2016 દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલાં ગુજરાત શૈક્ષણિક ટ્રિબ્યુનલ વિધેયક-2016ને રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મંજૂરી આપી છે. વિધાનસભાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ત્રણ દિવસ અગાઉ તા:- 31મી જાન્યુ.2017ના રોજ રાજ્યપાલે આ વિધેયકને મંજૂરી આપી છે.

પ્રાપ્ત થયેલી વિગત મુજબ શિક્ષણ વિભાગના કર્મચારી કે શિક્ષકો અંગેના કેસ કોર્ટમાં રજૂ થવાના પગલે લાંબા સમય સુધી ઉકેલ નહીં આવતાં કેસનો ભરાવો થતો હતો તો કર્મચારી અને અરજદાર પરેશાન થતાં હતા. તેના સ્થાને તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના નેતૃત્વની સરકારમાં વિધાનસભા અંદાજપત્ર સત્ર વર્ષ-2016ના અંતિમ દિવસ તાઃ-31મી માર્ચ.2016 ના રોજ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગેનું વિધેયક ગૃહમાં રજૂ કર્યું હતું.

જો કે ગુજરાત શૈક્ષણિક ટ્રિબ્યુનલ વિધેયકનો કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો હતો. એટલું જ નહીં સરકારની તરફેણમાં ચુકાદા આપવા હેતુસહ સરકારે ટ્રિબ્યુનલની રચના કરી રહી હોવાનો આક્ષેપ પણ વિપક્ષે કર્યો હતો ત્યારે હવે જ્યારે આગામી વિધાનસભાનું અંદાજપત્ર સત્ર તાઃ20મી ફેબ્રુ.થી શરૂ થવાનું છે. તે પહેલાં રાજ્યપાલ ઓ.પી.કોહલીએ આ વિધેયકને મંજૂરીની મહોર લગાવી દીધી છે. ત્યારે હવે શિક્ષણવિભાગના પડતર પ્રશ્નો કે કર્મચારીઓના પ્રશ્ને અદાલતના સ્થાને ટ્રિબ્યુનલનો માર્ગ મોકળો થયો છે.

You might also like