ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટેની ‘ગુજકેટ’ ૨૩ એપ્રિલે યોજાશે

અમદાવાદ, બુધવાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧ર વિજ્ઞાનપ્રવાહ પછી ડિગ્રી ઇજનેરી અને ડિગ્રી ફાર્મસીના વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. આ વર્ષે એડમિશન માટે ધો.૧ર વિજ્ઞાનપ્રવાહના ગ્રૂપ-એ, ગ્રૂપ-બી અને ગ્રૂપ-એબીના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષા તા.ર૩ એપ્રિલ ને સોમવારે યોજાશે.

ધો.૧ર વિજ્ઞાનપ્રવાહના અભ્યાસક્રમ આધારિત ગુજકેટની પરીક્ષા માટેનો અભ્યાસક્રમ રહેશે. પરીક્ષા માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિત વિષયના બહુવૈકલ્પિક પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન ધરાવતાં પ્રશ્નપત્ર રહેશે.

ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે એટલે કે ૪૦ પ્રશ્ન ભૌતિકશાસ્ત્રના અને ૪૦ પ્રશ્ન રસાયણશાસ્ત્રના એમ કુલ ૮૦ પ્રશ્ન, ૮૦ ગુણ અને ૧ર૦ મિનિટનો સમય આપવામાં આવશે. ઓએમઆરશીટ પણ ૮૦ પ્રત્યુત્તર માટેની રહેશે.

જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ-અલગ રહેશે, જે માટેની ઓએમઆર આન્સરશીટ પણ અલગ આપવામાં આવશે એટલે કે જીવવિજ્ઞાન અને ગણિત પ્રત્યેકમાં ૪૦ પ્રશ્ન, ૪૦ ગુણ અને ૬૦ મિનિટનો સમય આપવામાં આવશે. ઓએમઆર આન્સરશીટ પણ પ્રત્યેક વિષય માટે ૪૦ પ્રત્યુત્તર માટે રહેશે.

વિદ્યાર્થીઓને પરીક્ષાનાં પ્રશ્નપત્ર ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે. આવેદનપત્ર ઓનલાઇન ભરવાનું રહેશે. તે અંગેની તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. પરીક્ષા સવારના ૧૦ થી સાંજના ૪ દરમિયાન જિલ્લા કક્ષાનાં કેન્દ્રો ખાતે યોજાશે.

You might also like