ગુજરાત વિધાનસભા ચૂંટણીનું એલાન, 9 અને 14 ડિસેમ્બરે મતદાન, 18 ડિસેમ્બરે મતગણતરી

નવી દિલ્હી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામા થતાં વિલંબ અંગે ઊભા થયેલા વિવાદ વચ્ચે આજે ચૂંટણી પંચે રાજ્યમાં  થનારા મતદાનના કાર્યક્રમની જાહેરાત કરી છે. બે તબક્કામાં મતદાન યોજાશે. રાજ્યમાં 9 અને 14 ડિસેમ્બર મતદાન યોજાશે. 18 ડિસેમ્બરે મતગણતરી યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠક પર જ્યારે બીજા તબક્કામાં 93 બેઠક પર મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની બેઠકો પર મતદાન યોજાશે.

રાજ્યમાં 4.30 કરોડ મતદારો છે. ગુજરાતની 182 બેઠક પર મતદાન યોજાશે. રાજ્યમાં 50128 મતદાન મથકોની વ્યવસ્થા કરાશે. મતદારોને ફોટો સાથેની સ્લીપ અપાશે. 102 બુથ પર સંપૂર્ણ પણે મહિલાઓ ફરજ બજાવશે. તમામ પોલિંગ બુથ પર વીવીપીએટ મશીનો ગોઠવાશે. સાત દિવસ અગાઉ મતદારોને ઓળખકાર્ડ અપાશે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ આગામી ૨૩ જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે. ગુજરાતી ભાષામાં ગાઇડલાઇન્સ ઉપલબ્ધ રહેશે. ગુજરાતમાં આદર્શ આચર સંહિતા લાગુ કરાઇ. ગુજરાતી ભાષામાં વોટિંગ ગાઇડ હાજર રહેશે.આખી ચૂંટણી પ્રક્રિયાની વિડીયોગ્રાફી થશે. ઉમેદવાર ચૂંટણીમાં 28 લાખનો ખર્ચ કરી શકશે. 10 લાખ 46 હજાર નવા મતદાતાઓ ઉમેરાયા.

હિમાચલ પ્રદેશ સાથે ૧૮૨ સીટવાળી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર નહીં કરવામાં આવતાં ચૂંટણી પંચ સમક્ષ અનેક પ્રકારના આક્ષેપ અને ટીકા થઈ રહી છે. વિપક્ષ તરફથી એવા આક્ષેપ થઈ રહ્યા છે કે ગુજરાતની ચૂંટણી જાહેર કરવામા વિલંબ કરી ચૂંટણી પંચ રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારને આચારસંહિતા લાગુ થવાના પહેલાનો સમય આપી રહ્યું છે. જેથી ભાજપ લોકોને લલચાવનારી વિવિધ સ્કીમોની જાહેરાત કરી મતદારોને તેમના તરફ કરી શકે. આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર એ કે જ્યોતિએ ગુજરાત પહેલા હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખ જાહેર કરવાના તેમના નિર્ણયનો બચાવ કરતાં જણાવ્યું હતું કે ચૂંટણીની તારીખ જાહેર કરતાં પહેલાં અનેક કારણો પર વિચારણા કરવામાં આવે છે. જેમાં હવામાન, પૂર રાહત કામગીરી અને તહેવારો જેવી બાબત પર ખાસ વિચારણા કરવામાં આવે છે.

બીજી તરફ કોંગ્રેસ તરફથી એવા આક્ષેપ થઈ રહ્યા છે કે ગુજરાતમાં પાટીદારો અને ઓબીસી દ્વારા જે આંદોલન ચાલી રહ્યાં છે તેનાથી ગભરાઈને ભાજપ ગુજરાતની ચૂંટણી જાહેર કરવામાં વિલંબ કરાવી રહ્યો છે. બીજી તરફ ચૂંટણી પંચે હિમાચલ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ ૧૮ ડિસેમ્બરે જાહેર કરવાની વાત કરી હોવા છતાં ગુજરાતની ચૂંટણી જાહેર કરવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે ? તેવા સવાલ થઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં ૧૮૨ સીટ છે. અને વર્તમાન વિધાનસભાની મુદત ૨૨ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ પૂરી થઈ રહી છે. ત્યારે ભાજપે આ વખતે ૧૫૦થી વધુ સીટ જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં પટેલ-પાટીદાર મતદારો કિંગમેકર સાબિત થઈ શકે તેમ છે. તેથી આ મતદારો ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વના સાબિત થઈ શકે તેમ હોવાથી બંને પક્ષ તરફથી તેમના મતો અંકે કરવા અત્યારથી જ વિવિધ તરકીબો અજમાવવામાં આ‍વી રહી છે.

You might also like