અમેરિકામાં વધારે એક યુવકની સ્ટોર લૂંટ્યા બાદ હત્યા

વોશિંગ્ટન : અમેરિકામાં ગુજરાતીઓ પર હૂમલાની ઘટનાઓ બની રહી છે. અમેરિકામાં લૂંટનાં ઇરાદે હૂમલામાં વધારે એક ગુજરાતીની હત્યા થતા સ્થાનિક ગુજરાતીઓમાં ગભરાટ ફેલાયો છે. અમેરિકાનાં ફ્લોરિડા સ્ટેટમાં એક કન્વેનિયન્સ સ્ટોરમાં કામ કરતા મૂળ આણંદનાં સોજિત્તાનાં વતની ઉજ્વલ પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેનાં કારણે પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં આધાતની લાગણી વ્યાપ્ત થઇ છે.

મૃતક ઉજ્વલ પટેલ આણંદનાં સોજીત્રાનો વતની હતો. તે ફ્લોરિડાનાં ઓકાલા સિટીનાં સ્ટોરમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો. જો કે શુક્રવારે લૂંટનાં ઇરાદે હત્યા થયા બાદ સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. સોજીત્રાનો વતની અને છેલ્લા 30 વર્ષથી અમેરિકાનાં ફ્લોરિડામાં સ્થાયી હેમંતભાઇ પટેલના એકમાત્ર સંતાન ઉજ્જવલની હત્યાથી તેનાં પરિવાર સહિત સમગ્ર પંથકમાં દુખ સાથે સાથે રોષની લાગણી પ્રસરી જવા પામી છે.

ઉજ્વલનાં 2 વર્ષ અગાઉ જ લગ્ન થયા હતા. શુક્રવારે સ્ટોર બંધ કરવાનાં સમયે એક અશ્વેત યુવકે સ્ટોરમાં ઘૂસેને કેશ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ઉજ્વલ સામે ગન તાકીને રોકડ નાણાની માંગ કરી હતી. ઉજ્વલે તેને તમામ કેશ આપી દીધી હોવા છતા પણ અશ્વેત યુવકે તેની છાતીપર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી ધરબી દીધી હતી. ઉજ્વલનાં લગ્ન પણ અમેરિકામાં જ થયા હતા. ગત્ત નવરાત્રી સમયે ઉજ્જવલ હેમંતભાઇ સાથે પહેલીવાર ભારત આવવાનો હતો પરંતુ નોકરીમાંથી રજા નહી મળતા તે આવી શક્યો નહોતો.

You might also like