આને ગુજરાતી ભાષાનો પ્રચાર કહેવાય ?

હાલ ગુજરાતી સિનેમા ધીમેધીમે આગેકૂચ કરી રહ્યો છે. નવા કલાકાર-કસબીઓ તેમના કૌશલ્ય વડે પ્રયોગાત્મક ફિલ્મો પણ આપી રહ્યા છે. સંગીતની દૃષ્ટિએ પણ હવે સારાં ગીત અને સંગીતની શરૃઆત થઈ છે. આ તમામની વચ્ચે નોંધવાલાયક મુદ્દો એ છે કે છેલ્લા એક વર્ષથી રિલીઝ થઈ રહેલી નવા ટ્રેન્ડની કેટલીક ગુજરાતી ફિલ્મોમાં હિન્દી અને અંગ્રેજીનો વ્યાપક પ્રચાર જોવા મળે છે.

આ ફિલ્મોનાં ગીતો પરથી અંદાજ મેળવવો મુશ્કેલ થઈ પડે છે કે ફિલ્મ કઈ ભાષામાં બની છે? તેમાંય ઘણાંમાં તો હિન્દી અને પંજાબી ગીતોની ભરભાર હોય છે. ક્યાંક ક્લબ સોંગના નામે તો ક્યાંક સૂફી સંગીતના નામે અન્ય ભાષાઓના સંગીતનું ચોકઠું બેસાડી દેવામાંં આવે છે. ગુજરાતી ફિલ્મોના એક અનુભવી ગીતકાર આ પરિસ્થિતિનો તાગ આપતાં કહે છે કે, “ગુજરાતના ઘણાં લેખકો અને કવિઓ સારાં ગીતો લખી શકે છે, જેના જૂનાં અને નવાં ઉદાહરણ આપણી પાસે છે જ.”

આ લોકો ગુજરાતીમાં સૂફી કે અન્ય ગીતો લખી શકે છે. કેટલીક ફિલ્મોને બાદ કરતા મોટાભાગની ફિલ્મોમાં જે લોકો ગુજરાતી ફિલ્મો માટે જ ગીતો લખે છે તેની પાસે લખાવવામાં આવે છે, પરિણામે જ્યારે સૂફી કે અન્ય જાણીતા ટ્રેન્ડનાં ગીતોની વાત આવે ત્યારે આવા કવિઓ તે પ્રકારનાં ગીતો લખી નથી શકતા અથવા તો ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક તેના બદલે અન્ય કોઈ ભાષાના ગીતકારને આ કામ આપી દે છે”. જેને ગુજરાતી ભાષાના પ્રચાર માટેનું એક સબળ માધ્યમ માનવામાં આવે છે તેનાં ગીતોમાં જ જો આવો વિરોધાભાસ હશે તો આ ટ્રેન્ડ ક્યાં જઈને અટકશે તે એક ચિંતાજનક વિષય છે.

You might also like