ગુજરાતીઓ, હવે તો ગુજરાતીમાં બોલો!

“હું એ જ ભાષામાં સર્વશ્રેષ્ઠ કામ આપી શકું જે ભાષા મને મૌલિકતાથી વિચારવાની શક્તિ આપે છે. મૌલિક કામ ક્યારેય વિદેશી ભાષામાં ન થઈ શકે. નકલ કરવી હોય તો બીજી ભાષામાં લખી શકાય, પરંતુ ચિંતન તો માતૃભાષામાં જ થઈ શકે.” ફ્રેન્ચ લેખક જીન પેટ્રિક મોડેનોએ ૨૦૧૪નો સાહિત્ય માટેનો નૉબલ પારિતોષિક મેળવતી વખતે આ શબ્દો કહ્યાં હતા. ફ્રાન્સમાં સાહિત્ય ક્ષેત્રે નૉબેલ પારિતોષિક મેળવનાર લેખકોમાં જીન પેટ્રિક પંદરમા સાહિત્યકાર છે.

ભારતમાં અત્યાર સુધી રવીન્દ્રનાથ ટાગોરે સાહિત્ય ક્ષેત્રે નૉબેલ પારિતોષિક મેળવ્યું છે. તેમની વિજેતા કૃતિ ‘ગીતાંજલિ’ તેમની માતૃભાષા બંગાળીમાં હતી. તેઓ માતૃભાષાના મહત્તમ પ્રયોગના હિમાયતી હતા. બાળકોને કયા માધ્યમમાં શિક્ષણ આપવું તે ચર્ચા દરેક માતૃભાષા દિવસે થતી રહે છે, પરંતુ બાળકો માતૃભાષાના માધ્યમમાં અભ્યાસ કરે તેનો અંતિમ ધ્યેય એ જ છે કે આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીનો પ્રચાર થાય. ગુજરાતનાં મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત અન્ય ઘણાં શહેરોમાં માતૃભાષાનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. મોટાં શહેરોમાં પરપ્રાંતીય લોકો રહેતાં હોવાથી અન્ય ભાષામાં વાત થતી જોવા મળે તે સ્વાભાવિક છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે એક ગુજરાતી પણ બીજા ગુજરાતી સાથે હિન્દી કે અંગ્રેજીમાં વાત કરતો જોવા મળે છે.

અમદાવાદની એક કૉલેજના ગુજરાતીના અધ્યાપક અને ગુજરાતી ભાષા પર સંશોધનકર્તા ડૉ.નિસર્ગ આહીર કહે છે, “વાતચીતમાં હિન્દી કે અંગ્રેજીનો ઉપયોગ કરવાથી પોતે સુધરેલા કે હોશિયાર સાબિત થશે તેવી ભ્રામક માન્યતા લોકોનાં મનમાં બંધાતી હોય છે. મોટાં શહેરોમાં આ સ્થિતિ વધુ જોવા મળે છે. જ્યાં દુકાનદારો, રિક્ષાવાળાઓ, સેલ્સમેન અને રિસેપ્શનિસ્ટ વગેરે ગુજરાતી ગ્રાહક સાથે પણ હિન્દી કે અંગ્રેજીમાં જ વાત કરે છે. બહુભાષી લોકોની વચ્ચે બીજી ભાષાનો પ્રયોગ થાય તે સમજી શકાય, પરંતુ તથ્યોના આધારે એ જણાય છે કે ગુજરાતીઓ માતૃભાષાનું ગૌરવ વધારવાનો મત ધરાવતા નથી. જો આમ જ થતું રહેશે તો ગુજરાતી ભાષા પોતાનું અસ્તિત્વ ખોઈ બેસશે અને ગુજરાતી ભાષાનું સમૃદ્ધ શબ્દભંડોળ ધીમેધીમે ઓછું થઈ જશે.”

એવું નથી કે ગુજરાતી ભાષાનો પ્રયોગ ન કરવાનો ટ્રેન્ડ માત્ર અંગ્રેજી માધ્યમમાં ભણેલા લોકોમાં જ છે. હાલ સ્થિતિ એવી છે કે, ઑફિસ કે કંપનીઓમાં સિક્યોરિટી ગાર્ડથી લઈને મેનેજર સુધીની વ્યક્તિ હિન્દીને જ પ્રાધાન્ય આપે છે. જેથી ગુજરાતીમાં વાત કરવાની ઇચ્છા ધરાવતી વ્યક્તિ પણ કમને હિન્દીમાં જ વાત કરતી થઈ છે. અમદાવાદમાં લૉનો અભ્યાસ કરતાં જનાર્દન જોશી કહે છે , “હું જે કૉચિંગ ક્લાસમાં જાઉં છું ત્યાં મોટાભાગના વિદ્યાર્થીઓ હિન્દીમાં જ વાત કરે છે. અજાણ્યા હોય તો ઠીક પરંતુ તેમને જાણ થાય કે સામેવાળી વ્યક્તિ ગુજરાતની છે છતાં તેઓ હિન્દીમાં જ વાત ચાલુ રાખશે. આ સ્થિતિમાં એક સામાન્ય યુવાનને બહાર ગુજરાતીમાં વાતની શરૂઆત કરવાનો સંકોચ થાય તે સ્વાભાવિક છે.”
અમદાવાદની કૉલેજિયન ધારા શર્મા કહે છે, “ગુજરાતી નાટકોમાં કે સાહિત્યમાં ગુજરાતી ભાષા મીઠી અને સમૃદ્ધ હોવાનું અનુભવાય છે, પરંતુ મોટાં શહેરોનાં મૉલ, મલ્ટિપ્લેક્સ, શો-રૂમ કે કૉલેજમાં ગુજરાતી ભાષામાં વાતચીત નહીંવત્ થાય છે. આ અંગે અમારા મિત્રવર્તુળમાંથી એક જ તારણ મળે છે કે, હિન્દી-અંગ્રેજીમાં વાત કરીને લોકો પોતાને આધુનિક સાબિત કરવા મથી રહ્યાં છે.”

શહેરોમાં રહેતાં લોકો આ પરિસ્થિતિથી ટેવાઈ ગયા હશે, પરંતુ ગુજરાતના અન્ય ભાગોમાં રહેતાં લોકો જ્યારે શહેરની મુલાકાત લે છે ત્યારે તેમના આશ્ચર્યનો પાર રહેતો નથી. આ અંગે જૂનાગઢનો યુવાન ડેનિસ પંચોલી કહે છે, “હું અવારનવાર અમદાવાદ અને વડોદરા જતો હોઉં છું. ત્યાં મોટાભાગના વિસ્તારોમાં હિન્દી ભાષા જ બોલાતી હોય છે. કોઈ અજાણી ગુજરાતી વ્યક્તિ સાથે વાત કરવાની થાય ત્યારે તે હિન્દી ભાષાને જ પ્રાથમિકતા આપે છે. અમુક પૉશ વિસ્તારોમાં તો દુકાનો કે રેસ્ટોરાંનાં બોર્ડ પણ ગુજરાતીમાં નથી હોતાં. ત્યારે આપણે ગુજરાત બહારના કોઈ વિસ્તારમાં પ્રવેશી ગયા હોઈએ તેવું પ્રતીત થાય છે.”

યુવાનો ઘરની બહાર ગુજરાતી ભાષાનો ઓછો ઉપયોગ કરે છે. યુવાનો સાથે સંકળાયેલાં પ્રચાર માધ્યમો પણ તેમની ભાષાની પ્રાથમિકતા સાથે જોડાયેલાં હોઈ શકે. આ અંગે જાણીતા ગાયક અરવિંદ વેગડા કહે છે, “હાલમાં યુવાનો એફ.એમ. રેડિયો વધુ સાંભળે છે અને તે સગવડિયું માધ્યમ હોઈ લોકોની વધુ નજીક છે. એફ.એમ.માં ગુજરાતી ગીત કે ભાષાનો પ્રચાર સાવ ઓછો જોવા મળશે. શું તેમને ગુજરાતી ભાષા વામણી લાગે છે ? ગુજરાતી સંગીતને પ્રોત્સાહન મળશે તો ગુજરાતી ભાષાને પણ પ્રોત્સાહન મળી શકે.”

હિન્દી એ રાષ્ટ્રભાષા છે અને અંગ્રેજી વિશ્વભાષા. બંનેનું જ્ઞાન અનિવાર્ય છે અને પ્રયોગ પણ, પરંતુ માતૃભાષાને વામણી સમજી તેનો પ્રયોગ ટાળવામાં આવે તો ‘ઝેર તો પીધાં જાણી જાણી’ જેવી પરિસ્થિતિ સર્જાશે તે ચોક્કસ છે. ગુજરાતી ભાષાના પ્રચાર-પ્રસાર માટે વિદેશમાં થતી પ્રવૃત્તિઓ ગુજરાતમાં આ પરિસ્થિતિ હોય તો બહાર વસતાં ગુજરાતીઓ માતૃભાષા વિશે શું વિચારી રહ્યાં છે તે જાણવું પણ જરૂરી છે. કારણ કે ત્યાં જન્મેલી ગુજરાતી પેઢી તો પોતાના ઘર સિવાય નહીંવત્ સ્થળે ગુજરાતી ભાષાના સંપર્કમાં આવે છે. યુ.એસ.એ.ના ફ્લોરિડામાં રહેતા જગદીશ વ્યાસ વિદેશમાં રહેતા ગુજરાતીઓનાં બાળકો માતૃભાષા શીખે તે માટે છેલ્લાં ૧૬ વર્ષથી પ્રયાસરત છે. બાળકોને સરળતાથી ગુજરાતી શીખવવા તેમણે ઈન્ટરેક્ટિવ સીડી બનાવી છે. જેના દ્વારા બાળક આપમેળે ગુજરાતી શીખતું થઈ જાય છે.

વિશ્વના ૨૨ દેશોમાં વસતાં ગુજરાતીઓ વચ્ચે આ સીડીની ૮૨,૫૦૦થી પણ વધુ નકલ વેચવામાં આવી છે. કક્કો, બારાક્ષરીથી માંડીને ગુજરાતી ભાષાનાં તમામ પાસાં ઉપરાંત તસવીરો અને ઓડિયો-વીડિયો પણ તેમાં આવરી લેવાયા છે. જગદીશભાઈ કહે છે, “હું ૧૯૭૯માં અમેરિકા ગયો અને સ્થાયી થયો. મારી બંને પુત્રીઓનો જન્મ પણ ત્યાં જ થયો. ત્યાં રહ્યા બાદ મને ઘરમાં પણ અંગ્રેજીમાંં વાત કરવાની ટેવ પડી હતી. થોડાં વર્ષો બાદ મારી માતા ત્યાં આવ્યાં ત્યારે એવું બનતું કે હું અને મારી પુત્રીઓ અંગ્રેજીમાં વાત કરીએ (કારણ કે મારી બંને પુત્રીઓને ત્યારે ગુજરાતી નહોતું આવડતું) અને હસીએ. અમને હસતાં જોઈ તે પણ હસવા માંડે. એક દિવસ તેમણે મારી સમક્ષ અંગ્રેજી શીખવાની ઈચ્છા દર્શાવી. જેથી તેઓ મારી પુત્રીઓ સાથે વાતચીત કરી શકે. આ વાતથી મને ઘણો આઘાત લાગ્યો. બાદમાં મેં નક્કી કર્યું કે પરદેશમાં રહેતાં ગુજરાતીઓનાં બાળકોને ગુજરાતી બોલતાં કરવાં. દોઢેક વર્ષની મહેનતના અંતે મેં ઈન્ટરેક્ટિવ લર્નિંગ સીડી બનાવી અને તેનું મૂલ્ય મામૂલી રાખ્યુંં અને તમામ વાલીઓને તેમનાં બાળકોને સીડી દ્વારા ગુજરાતી શીખવવા ભલામણ કરી. આ પ્રયાસને સારો પ્રતિસાદ મળ્યો જેથી હું ગર્વની લાગણી અનુભવું છું.”

બ્રિટનમાં વસતાં ઘણાં ગુજરાતીઓ પણ માતૃભાષાને વેગ આપવા કાર્યરત છે. બ્રિટનમાં ઓ.સી.આર. નામના પરીક્ષા બોર્ડ દ્વારા જી.સી.એસ.ઈ. અને ‘એ’ લેવલની ગુજરાતી ભાષાની પરીક્ષાઓ લેવાતી આવે છે. હાલ આ બોર્ડ વિચારણા કરી રહ્યું છે કે, ૨૦૧૬ની પરીક્ષા પછી જી.સી.એસ.ઈ. અને ‘એ’ લેવલની ગુજરાતી ભાષાની પરીક્ષાઓ લેવી કે નહીં, કારણ કે ગુજરાતી ભાષાના પરીક્ષાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, પરિણામે બોર્ડ પર આર્થિક બોજો વધી રહ્યો છે. સંગત સેન્ટર અને અન્ય કેટલાંક ગુજરાતી સંગઠનો હવે આ પરિસ્થિતિના કારણે વધુ સક્રિય થયાં છે.”

લંડનમાં રહેતાં ભરત સચાણિયા પોતાનો મત રજૂ કરતાં કહે છે, “અહીં ઘણાં ગુજરાતીઓ સામાજિક કાર્યક્રમમાં ગુજરાતી ભાષાનો પ્રયોગ સાવ ઓછો કરે છેે. ઘરમાં પણ બાળકો સાથે અંગ્રેજીમાં વાત કરશે અને અંતે ફરિયાદ કરશે કે વિદેશમાં જન્મેલી ગુજરાતી પેઢીને ગુજરાતી ભાષા આવડતી નથી. જેના પરિણામે સરકાર ગુજરાતી ભાષાની પરીક્ષા બંધ કરવાના નિર્ણય પર વિચારણા કરી રહી છે. હવે વડીલોએ ઘરમાં ગુજરાતીમાં વાત કરવાનું શરૂ કરવાની જરૂર છે. તો જ આપણી માતૃભાષાનું જતન થશે.”

ચિંતન રાવલ

You might also like