ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા પી. ખરસાણીનું નિધન

અમદાવાદ: ગુજરાતના હાસ્યકલાકાર અને નાટક જગતના તાત એવા પી.ખરસાણીનું આજે 95 વર્ષે નિધન થયું હતું.અમદાવાદ ખાતે એક પ્રાઇવેટ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા પી.ખરસાણીએ આજે 5 વાગ્યા આસપાસ પોતાનો નશ્વર દેહ છોડ્યો હતો.ગુજરાતના નાટક અને કલા ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર  પી ખરસાણીના નિધન ના સમાચાર થી ગુજરાતના કલાકારો જગતમાં અને ચાહક વર્ગમાં એક શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમના પાર્થિવ દેહને પોતાની શ્રદ્ધાંજલિ આપવા કલાકારો અમદાવાદ ખાતે તેમના નિવાસ સ્થાને આવી પહોચ્યા હતા.તેમણે 75થી વધુ નાટકોમાં શાનદાર અને જાનદાર અભિનય આપ્યો હતો. પી. ખરસાણી ફિલ્મ કલાકારો અને ચાહકોમાં દાદા તરીકે જાણીતા હતા.

તેમનો જન્મ ઉત્તર ગુજરાતના કલોલના ભાટવાડામાં 19મી જૂન 1926ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમણે 100થી વધુ ફિલ્મોમાં પણ પોતાની અભિનય કાલથી પાત્રોને જીવંત કર્યા હતા. આ સાથે-સાથે તેમણે સેટ ડિઝાઈનર, મંડપ ડિઝાઇનર, લાઇટ ડિઝાઈનર, દિગ્દર્શક, લેખક, નિર્માતા જેવી અનેક પ્રકારના કાર્યો કર્યા છે.

પી. ખરસાણીને ગત મહિને હનુમંત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજસ્થાનમાં જોધપુર પાસે ખરસાણગઢ ગામના નામ પરથી તેમની ખરસાણી અટક પડી હતી. ખરસાણીએ કારકીર્દીની શરૂઆત ચાની રેંકડીના કપ-રકાબી વીછળવાથી કરી હતી.

ભવાઈથી માંડીને શેરી નાટક, રેડિયો, રંગમંચ, અને ફિલ્મો એમ અનેક કલાક્ષેત્રોમાં સફળતાપૂર્વક કામ કર્યું અને લોકોને ભરપૂર હસાવ્યા. તેઓ ઉપેન્દ્ર ત્રિવેદી, રમેશ મહેતા, નરેશ કનોડિયા જેવા ગુજરાતી સ્ટાર સાથે ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. લાખો ફુલાણી ફિલ્મમાં તેમની મહત્વની ભૂમિકા હતી. નારી તુ નારાયણી ગુજરાતી ફિલ્મમાં પણ તેમનો યાદગાર અભિનય રહ્યો હતો. પી. ખરસાણીના જીવન કહાણી અંગે ‘પી. ખરસાણીનો વેશ’ નામે આત્મકથા લખાઇ છે.

You might also like