મૃતપ્રાય ઢોલીવૂડના હવે ‘અચ્છે દિન’

ગાંધીનગર: મહારાષ્ટ્રમાં મરાઠી ચલચિત્રો, બંગાળમાં બંગાળી ચલચિત્રો તો દક્ષિણ ભારતમાં જે તે રાજ્યનાં ભાષાના ચલચિત્રો કળા, સંસ્કૃતિના મામલે પોતપોતાના રાજ્ય ઉપરાંત દેશ-વિદેશમાં પણ ડંકો વગાડે છે. કમનીસબે આપણા ગુજરાતમાં ગુજરાતી ચલચિત્રોની હાલત કફોડી છે. હિન્દી ચલચિત્રોની સામે ભાગ્યેજ ગુજરાતી ચલચિત્રોએ ‘છેલ્લો દિવસ’ જેવા એકાદ-બે અપવાદ સિવાય સ્પર્ધા કરી છે. જો કે મૃતપાય ઢોલીવૂડના હવે ‘અચ્છે દિન’ આવવાના છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા માટેની નીતિ ઘડી કઢાઈ છે. રાજ્યના પ્રવક્તા મંત્રી નીતીન પટેલ દ્વારા આવતીકાલે સવારે ગાંધીનગરના નવા સચિવાલયના સ્વર્ણિમ સંકુલ ચોક ખાતે ગુજરાતી ચલચિત્રો માટેની નવી પ્રોત્સાહન નીતિની જાહેરાત કરાશે.

ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર છેક ઓકટોબર ૨૦૧૫થી મથામણ કરતી હતી. જે માટે પ્રારંભમાં ડ્રાફટ પોલિસી પણ તૈયાર કરાઈ હતી. જો કે હવે રાજ્ય સરકાર દ્વારા આ ડ્રાફટ પોલિસીને અંતિમરૂપ આપી દેવાયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આવતીકાલે નીતીન પટેલ ગુજરાતી ચલચિત્રોના નિર્માણ માટે રૂ. ૫૦ લાખ સુધીની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી શકે છે. તમામ મલ્ટીપ્લેકસ થિયેટરને બપોરના ત્રણથી રાતના દશ વાગ્યા સુધીના પ્રાઈમ ટાઈમમાં ઓછામાં ઓછી એક ગુજરાતી ચલચિત્ર દર્શાવવાની ફરજ પણ પડાશે. આ માટે મલ્ટીપ્લેકસ થિયેટરને પ્રતિ ટિકિટ રૂ. બેની સહાયતા અપાશે.

ઓસ્કાર અથવા તો કેન્સ ફિલ્મસ ફેસ્ટિવલમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ઈનામ જીતનાર ગુજરાતી ચલચિત્રને પાંચ કરોડનું ઈનામ, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગુજરાતી ચલચિત્રને રૂ. એક કરોડનું ઈનામ અપાય તેવી શકયતા છે. ‘એ’ સર્ટિફિકેટ ધરાવતું ચલચિત્ર સિવાયના તમામ ચલચિત્રને ટેકસમાં સો ટકા રાહત અપાશે. આ ઉપરાંત ગુજરાતી ટીવી ચેનલને પણ ગુજરાતી સંસ્કૃતિ દર્શાવવા કાર્યઓના પ્રસારણ માટે પ્રતિ એપિસોડ રૂ. દશ હજાર સુધીની આર્થિક સહાયની પણ જાહેરાત થઈ શકે છે.

You might also like