ગુજરાતી સિનેમામાં પરિવર્તનનો પવન

ગુજરાતી ફિલ્મોને હાલમાં જાણે નવજીવન મળ્યું છે. આ ફિલ્મો માટે સૂગ ધરાવતા યુવાનો હવે તેની ખૂબ જ સરાહના કરી રહ્યા છે. ગુજરાતી સિનેમાની કથા અને માવજત બંનેમાં પરિવર્તનનો જબરદસ્ત પવન ફૂંકાયો છે. ખાસ કરીને મલ્ટિપ્લેક્સના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને આવી ફિલ્મો બનાવાઈ રહી છે. જેથી યુવાપેઢી આ ફિલ્મો જોવા આકર્ષાઈ રહી છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં આવેલા આ પરિવર્તન વિશે ‘અભિયાન’નો વિસ્તૃત અહેવાલ…

છેલ્લા દોઢ દાયકા દરમિયાન ગુજરાતી ફિલ્મો બાબતે મહેણાં સાંભળવાં મળતાં કે ગુજરાતી ફિલ્મો માત્ર સબસિડી માટે જ બને છે. સબસિડી માટે અનિવાર્ય શરત હતી કે, ફિલ્મમાં ગુજરાતી કલ્ચર બતાવ્યું હોય. એટલે ફિલ્મ સર્જકો લોકકથાની જ ફિલ્મ બનાવવાનું વિચારતા. તો જ કે પછી તેમાં પાઘડીવાળા માણસો, ગ્રામ્ય ગુજરાતણો, ગામડું, મેળા અને ખેતરની જ વાત બતાવવામાં આવતી. કાં તો જતિ-સતીની વાર્તા લેવામાં આવતી, કાં તો કોઈ શૂરવીર વીરલાની વાર્તા લેવામાં આવતી. આવી ફિલ્મોની વાર્તા જે વિસ્તારની હોય ત્યાં વધુ ચાલતી.

એવા આક્ષેપો પણ સાંભળવા મળતા કે ગુજરાતી ફિલ્મો કોઈ ચોક્કસ વિસ્તાર કે સમૂહના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. જે-તે વિસ્તારમાં રિલીઝ કર્યા બાદ બીજે ક્યાંય તેને રિલીઝ પણ નથી કરવામાં આવતી. પરિણામે ગુજરાતી સિનેમાના શહેરી પ્રેક્ષકોનો મોટો ભાગ તેનાથી અળગો થઈ ગયો હતો. ગ્રામ્ય પ્રેક્ષકો પણ સાવ ઓછા ખર્ચે બનતી નબળી ફિલ્મોથી ધરાઈ ગયા હતા.

કરુણા એ હતી કે, ગુજરાતી સિનેમાની પરિસ્થિતિની સરખામણી તેલુગુ, તમિલ, કન્નડ કે મરાઠી ભાષાની ફિલ્મો સાથે કરવામાં આવતી અને આલાપ ઉચ્ચારવામાં આવતો કે, તે ભાષાની પ્રાદેશિક ફિલ્મો બધાને ધ્યાનમાં રાખીને ખૂબ માવજતથી બનાવાય છે એટલે દરેક વર્ગના પ્રેક્ષકો તેને જુએ છે.

ગુજરાતી ભાષામાં આવી ફિલ્મો શક્ય નથી. નિરાશાવાદી લોકો તો એમ જ કહેતાં કે, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હવે મરણપથારીએ છે. કેટલાક આશાવાદી લોકો પણ હતા જે કહેતાં હતા કે, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હજુ ભાંખોડિયાં ભરે છે, જ્યારે એનો વિકાસ શરૂ થશે તો બીજી પ્રાદેશિક ફિલ્મોને પાછળ છોડી દેશે.

આશાવાદી લોકોની આશા ફળી રહી છે. મરણપથારીએ કહેવાતા ગુજરાતી ફિલ્મોદ્યોગમાં નવો પ્રાણ રેડાઈ રહ્યો છે. તે હવે તંદુરસ્ત થઈને થનગની રહ્યો છે, હવે સડસડાટ દોડ લગાવીને પ્રથમ હરોળમાં આવવા તૈયાર થઈ ગયો છે. હવે ગુજરાતી ફિલ્મોને સબસિડીની પરવા નથી, હવે ગુજરાતના યુવાનોને ધ્યાનમાં રાખીને અર્બન ફિલ્મો બની રહી છે.

શું છે ગુજરાતી અર્બન સિનેમા ?
ગુજરાતી ફિલ્મોમાં પરિવર્તનની વાત આવે કે પછી અર્બન ગુજરાતી ફિલ્મોની વાત આવે એટલે અભિષેક જૈનનું નામ ચોક્કસપણે લેવાય. દિગ્દર્શક તરીકેની તેમની પ્રથમ ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ એ એક ટ્રેન્ડ સેટ કર્યો. જો કે આ ફિલ્મની માર્કેટિંગ સ્ટ્રેટેજી તરીકે તેમણે અર્બન ગુજરાતી ફિલ્મ એવો શબ્દ વાપર્યો હતો. પછી આવેલી કેટલીક ફિલ્મોએ પણ ઘેટાંચાલ ચાલી અર્બન ટેગ વાપર્યો પરંતુ ધારી સફળતા ન મળી.

આ મુદ્દે અભિષેક જૈન કહે છે કે, “કેવી રીતે જઈશના પ્રમોશન સમયે મારે લોકોને એ વાત જણાવવી હતી કે આ ફિલ્મ અન્ય ગુજરાતી ફિલ્મો કરતાં તદ્દન જુદી છે. પરંતુ આ વાત કહેવી કેવી રીતે કે જેથી પ્રેક્ષકો તેના તરફ આકર્ષાય. તેથી મેં આ ફિલ્મ પર ટેગ લગાવી અર્બન ગુજરાતી ફિલ્મ. આ એક માર્કેટિંગ સ્ટ્રેટેજી હતી. હકીકતમાં સિનેમામાં ક્યારેય રૂરલ કે અર્બન જેવા પ્રકારો નથી હોતા. સિનેમા એ સિનેમા હોય છે.”

અભિષેક જૈનની ‘કેવી રીતે જઈશ’એ લોકોનું ધ્યાન ખેંચ્યું કે હવે પરિવર્તન આવશે. તેના પછી અન્ય કેટલીક ફિલ્મો અર્બનની ટેગ હેઠળ આવી પરંતુ અપેક્ષિત સફળતા ન મેળવી શકી. બાદમાં ફરી વર્ષ ૨૦૧૪માં અભિષેક જૈનની ‘બે યાર’ આવી, જેને સારી એવી નામના મળી. વર્ષ ૨૦૧૫માં સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ ફિલ્મે ગુજરાત તો ઠીક મુંબઈનાં સિનેમાઘરો પણ ગજવ્યાં , જેના પરિણામે મુંબઈના કેટલાક જાણીતા રાજકીય નેતાઓએ આ મુદ્દે ટિપ્પણીઓ પણ કરી.

ત્યારબાદ લોકોને આશા બંધાઈ કે ગુજરાતી સિનેમાના ‘અચ્છે દિન’ હવે શરૂ થયા છે. ગત નવેમ્બરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ની કમાણીના આંકડાઓ જ્યારે આશ્ચર્યજનક સપાટીએ પહોંચ્યા ત્યારે સૌને ગુજરાતી પ્રેક્ષકોની મનોરંજનની ભૂખનો અને ગુજરાતી સિનેમાના સામર્થ્યનો અંદાજ આવ્યો. ભલે આ ફિલ્મને અમુક હદે ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ સામાન્ય ગુજરાતી પ્રેક્ષકને તે ગમી.  હવે આવી જ કેટલીક ફિલ્મોના ટ્રેલર ચર્ચામાં છે તો કેટલીક ફિલ્મો આગામી આગામી સમયમાં રિલીઝ થશે તેવી વાતો પણ ચર્ચાઈ રહી છે.

‘રોમાન્સ કોમ્પ્લિકેટેડ’
ગુજરાતી સિનેમા ભલે અત્યાર સુધી ‘ઢોલિવૂડ’ના નામે ઓળખાતો હોય, પરંતુ આ ફિલ્મનું ટ્રેલર જોઈને એક વિચાર ચોક્કસપણે આવે કે ગુજરાતી ફિલ્મો માટે હવે ‘ઢોલિવૂડ’ની ટેગ ન વપરાવી જોઈએ. ઢોલ, મેળા અને ગામડાંની જગ્યાએ આ ફિલ્મમાં ન્યૂયોર્ક, પરદેશમાં રહેતી યુવાપેઢી દર્શાવાયાં છે.

વળી વિદેશી બીચ પર શૂટ કરેલા બીકિની સીન્સ પણ આ ફિલ્મમાં છે! અદ્ભુત સિનેમેટોગ્રાફી ધરાવતી આ ફિલ્મ ધ્વનિ ગૌતમે દિગ્દર્શિત કરી છે. પહેલી નજરે રોમાંચિત કરતી આ ફિલ્મ વાસ્તવમાં પ્રભાવશાળી છે કે કેમ તે તો જોવું રહ્યું પરંતુ આ ફિલ્મે સામાન્ય ગુજરાતી પ્રેક્ષકની આશામાં વધારો તો કર્યો જ છે.

આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ન્યૂયોર્ક અને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના કેટલાક ભાગોમાં કરવામાં આવ્યું છે. ‘દેશબુક’ જેવી પ્રયોગાત્મક ફિલ્મ આપનારા વિપુલ શર્માએ આ ફિલ્મનો સ્ક્રીનપ્લે લખ્યો છે. દિગ્દર્શક ધ્વનિ ગૌતમ કહે છે કે, “હા ,કેટલાક યુવા દિગ્દર્શકો તથા નિર્માતાઓના પ્રયાસોના પરિણામે ગુજરાતી સિનેમામાં પરિવર્તન આવ્યું છે. અમે ન્યૂયોર્ક ,ન્યૂજર્સી તથા ફ્લોરિડા સહિતની જગ્યાઓએ ફિલ્મનું શૂટિંગ કર્યું છે.

બે અજાણ્યા લોકો વિદેશમાં મળે છે અને કેવી પરિસ્થિતિ સર્જાય છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. મલ્હાર પંડ્યા અને દિવ્યા મિશ્રા મુખ્ય ભૂમિકામાં છે. ઓવરસીઝ લોકેશન પર ગુજરાતી ફિલ્મ બનાવી પ્રેક્ષકોને કંઈક નવું આપવાનો પ્રયાસ અમે કર્યો છે. હવે જોવાનું રહ્યું કે ઓવરસીઝ લોકેશન પર શૂટ થયેલી ફિલ્મ જોવાની દર્શકોને મજા આવે છે કે નહીં.

જો દર્શકોને આ ફિલ્મ ગમશે તો બની શકે કે આગામી ફિલ્મ બીજા કોઈ દેશમાં શૂટ કરીએ. હવે ગુજરાતી સિનેમાનો માહોલ પહેલાં જેવો નથી રહ્યો. બોલિવૂડની ફિલ્મો સાથે જોડાયેલા અને મુંબઈમાં શીખેલા વ્યક્તિઓ અહીં આવી કામ કરી રહ્યા છે. આવા લોકોની બનેલી ટીમના કારણે પડદા પર સારી ગુજરાતી ફિલ્મો જોવા મળી રહી છે.”

રોમાન્સ કોમ્પ્લિકેટેડમાં જાણીતા ગાયક અને કમ્પોઝર દર્શન રાવલે સંગીત આપ્યું છે. મજાની વાત એ છે કે સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ, જાવેદ અલી અને નીતિ મોહને આ ફિલ્મોનાં ગીતો ગાયાં છે. જેના કારણે આ ફિલ્મનાં કેટલાંક ગીતો અત્યારથી જ લોકોની વચ્ચે ચર્ચામાં છે.

જુદા પ્રકારની વાર્તા ‘ઓલ્વેઝ રહીશું સાથે’
બોલિવૂડમાં ભલે ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’, ‘બ્લેક’ કે પછી ‘ક્યૂંકિ’ જેવી મેડિકલ બેકડ્રોપ પર બનેલી ફિલ્મો આવી હોય, પરંતુ ગુજરાતી ફિલ્મોમાં આવી પૃષ્ઠભૂમિવાળી કોઈ ચોક્કસ ફિલ્મો બની નથી. યુવરાજ જાડેજા નામના યુવા દિગ્દર્શક ‘ઓલ્વેઝ રહીશું સાથે’ નામની મેડિકલ બેકડ્રોપ ધરાવતી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ એક મેડિકલ લવસ્ટોરી છે. અન્ય ટ્રેન્ડી ફિલ્મોના બંધારણથી અલગ રીતે તેને બનાવાઈ હોવાની ચર્ચાઓ હાલ ચાલી રહી છે. ફિલ્મની વાર્તા અને ગીતો પણ યુવરાજ જાડેજા દ્વારા જ રચવામાં આવ્યાં છે.

ઉમંગ આચાર્ય નાયક તરીકે અને નાયિકા તરીકે તિલ્લાના દેસાઈ જોવા મળશે. જાણીતા અભિનેતા ભરત ઠક્કર પણ આ ફિલ્મમાં અભિનય કરી રહ્યાં છે. હાલ આ ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનમાંથી પસાર થઈ રહી છે. ફિલ્મના સંગીત સાથે જોડાયેલું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે ઓસમાણ મીરે આ ફિલ્મ માટે એક ગઝલ ગાઈ છે. જેમાં સંગીત સમીર-માનાએ આપ્યું છે.

દિગ્દર્શક યુવરાજ જાડેજા વધુ વિગત આપતાં કહે છે કે, “આ ફિલ્મમાં ઘણાં બધાં ઈમોશન્સ છે. રોમાન્સ, કોમેડી અને ડ્રામાનો સમન્વય આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે સેન્સરે એકપણ કટ સૂચવ્યા વગર આ ફિલ્મને યુ સર્ટિફિકેટ આપ્યું છે.

હાલ અમે આયોજન કરી રહ્યા છીએ કે જાન્યુઆરી માસના અંતમાં આ ફિલ્મ રિલીઝ કરીએ. આશા છે કે પ્રેક્ષકો ‘ઓલ્વેઝ રહીશું સાથે’ને સાથ આપશે.” ગુજરાતી સિનેમાની હાલની પરિસ્થિતિ વિશે યુવરાજ કહે છે કે “હું નથી માનતો કે આ પરિવર્તન અચાનક આવ્યું છે. પહેલાં ગુજરાતી ફિલ્મોને ઓડિયન્સ નહોતું મળતું. હવે ઓડિયન્સ ગુજરાતી ફિલ્મોને જોતું અને આવકારતું થયું છે. તેથી હવે નવીનવી ફિલ્મો આવી રહી છે”.

લવસ્ટોરી આધારિત ‘વિટામિન ‘શી’
અમદાવાદના જાણીતા રેડિયો જોકી ધ્વનિત હવે ગુજરાતી ફિલ્મમાં હીરો તરીકે જોવા મળશે. નામ પરથી જ આ ફિલ્મ જણાવે છે કે જીવનમાં સ્ત્રી પાત્રનું કામ પણ વિટામિન જેવું છે. પોતાના અવાજ દ્વારા ઓળખ ઊભી કરનારા આર.જે. ધ્વનિત હવે ઓનસ્ક્રીન અભિનય કરશે જેમાં તેને અભિનેત્રી ભક્તિ કુબાવત સાથ આપશે. જો કે આ ફિલ્મની મુખ્ય કથાવસ્તુ પ્રેમ છે. આજના સમયમાં પ્રેમનો મતલબ શું કરવામાં આવે છે અને આપણે જેને પ્રેમ માનીએ છીએ તે ખરેખર પ્રેમ છે કે શું તે વિષય પર આ ફિલ્મની વાર્તા વણવામાં આવી છે.

દિગ્દર્શક ફૈસલ હાશ્મી કહે છે કે, “અત્યાર સુધી આપણી બોલિવૂડની ફિલ્મોમાં જે પ્રેમને દર્શાવવામાં આવ્યો તેને આધારે જ આપણે પ્રેમની પરિભાષા નક્કી કરી લીધી છે. તેથી આ બાબતોથી ઉપર જઈને અમારે લોકોને પ્રેમની વ્યાખ્યા અને મતલબ સમજાવવો છે.”

‘બેટર હાફ’ જેવી સીમાચિહ્નરૂપ ફિલ્મ આપનારા આશિષ કક્કડ, જાણીતા કવિ અને વક્તા તુષાર શુક્લ, બોલિવૂડ અભિનેતા કુરુશ દેબુ અને જાણીતા તબીબ હંસલ ભચેચ પણ આ ફિલ્મમાં ક્યાંક ને ક્યાંક દેખાશે. વાત સંગીતની કરીએ તો રઈશ મણિયારે ગીતો લખ્યાં છે અને મેહુલ સુરતીએ તેને સંગીતબદ્ધ કર્યાં છે તેથી ફિલ્મનું સંગીત ઘણું આશાસ્પદ રહેશે.

પરંપરાગત ઓળખ સમાન ‘પાઘડી’
ભારતમાં ફિલ્મમેકિંગ માટે કે પછી દિગ્દર્શકો માટે તીર્થરૂપ ગણાતી સંસ્થા એટલે પૂનેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા. આ સંસ્થામાંથી જ ફિલ્મ મેકિંગ શીખેલા ગુજરાતી સર્જત તપન વ્યાસ ‘પાઘડી’ નામની ફિલ્મ દિગ્દર્શિત કરી રહ્યા છે. ગુજરાતીની વિવિધ ઓળખમાંની એક એવી પાઘડીને જ ફિલ્મની કથાવસ્તુ સાથે સાંકળવામાં આવી છે. ફિલ્મનું કથાબીજ રાજેશ શર્માએ આપ્યું છે જ્યારે સ્ક્રીપ્ટ પ્રવીણ પંડ્યાએ લખી છે. જો કે આ ફિલ્મની થીમ વિનય પાઠકની હિન્દી ફિલ્મ ‘દાસવિદાનિયા’ જેવી હોય તેવું લાગી રહ્યું છે.

ફિલ્મને જર્ની ફિલ્મનું બિરુદ આપવામાં આવ્યું છે. નાયક પોતાની અંતિમ ઇચ્છાઓ પૂરી કરવા પ્રવાસ ખેડે છે. આ નાયક તરીકે રેવંત સારાભાઈ અભિનય કરી રહ્યા છે જ્યારે અભિનેત્રી તરીકે તિલ્લાના દેસાઈ છે. તપન વધુ માહિતી આપતાં કહે છે કે, “અત્યારે પ્રાદેશિક ભાષાની ફિલ્મોનો જમાનો છે. પ્રાદેશિક ભાષામાં સારી એવી ફિલ્મો બની રહી છે. હવે સમય છે કે ગુજરાતીમાં પણ માવજત સાથેની ફિલ્મો બનવી જોઈએ.”

‘સિક્સટીનઃ ફાઈટ અગેઈન્સ્ટ રેગિંગ’
ગુજરાતીમાં વર્તમાન પ્રવાહની કોમેડી ફિલ્મો તો બની ગઈ અને તેને સરાહના પણ મળી ગઈ. કોમેડી તો સિનેમાના વિવિધ રંગોમાંનો એક રંગ છે. અન્ય રંગની ફિલ્મ ક્યારે આવશે જે કોમેડીથી અલગ હોય આ વાતનો જવાબમાં ‘સિક્સટીનઃ ફાઈટ અગેઈન્સ્ટ રેગિંગ’ નામી હોરર અને થ્રિલર ફિલ્મ આવી રહી છે.

કચ્છના ગુલાલ પ્રોડક્શન દ્વારા આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. ગુજરાતી ફિલ્મોમાં વર્તમાન પ્રવાહની કોમેડી અને ફેમિલી ડ્રામાથી અલગ આ ફિલ્મ રેગિંગ અને તેની સાથે સંકળાયેલી ઘટનાઓના સંદર્ભે બનાવાઈ છે. લખધીરસિંહ જાડેજા આ ફિલ્મના દિગ્દર્શનનું સુકાન સંભાળી રહ્યા છે.

સંજય મૌર્ય અને ચિની રાવલ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે, જેનું શૂટિંગ હાલ કચ્છમાં ચાલી રહ્યું છે. યો…યો…ગુજરાતી તરીકે જાણીતા બ્રહ્મા રાવલ પણ આ ફિલ્મ સાથે સંકળાયેલા છે. બ્રહ્મા કહે છે કે, “એક એન્જિનિયરીંગ કૉલેજમાં થતા રેગિંગ અને તેની વિવિધ અસરોનો ઘટનાક્રમ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મને હોરર અને થ્રિલર બનાવી કંઈક નવું આપવાનો પ્રયાસ તો કરાયો જ છે તદુપરાંત કોમેડીના એક નવા સ્વરૂપનો પરિચય પણ કરાવવામાં આવ્યો છે.” ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થતા તેની રિલીઝની જાહેરાત કરવામાં આવશે. ફિલ્મની વાર્તા જયદીપસિંહ ઝાલાએ લખી છે.

‘હુતુતુતુઃ આવી રમતની ઋતુ’
આ ફિલ્મ ગત ૧ જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. ફિલ્મની વાર્તા ઘણી મજેદાર છે, પરંતુ ફર્સ્ટ હાફમાં થોડી ધીમી ગતિ ધરાવતી ફિલ્મ સેકન્ડ હાફમાં સારી રીતે જકડી રાખે છે. ગુજરાતીઓના રસના વિષય એવા શેરબજાર પર આધારિત ફિલ્મ છે. અભિનયની દૃષ્ટિએ ફર્સ્ટ હાફ સરેરાશ ગણી શકાય તેવો રહ્યો, જ્યારે સેકન્ડ હાફમાં સ્ક્રીપ્ટની પકડના કારણે અન્ય કેટલાક નબળાં પાસાઓ સરભર થઈ ગયા છે. જો કે એકંદરે ફિલ્મ પ્રયોગાત્મક છે ઉપરાંત દ્વિઅર્થી સંવાદોની જગ્યાએ સ્વચ્છ મનોરંજન આપી પ્રેક્ષકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરાયો છે. ઉપરાંત દિગ્દર્શક શીતલ શાહને ગુજરાતી ફિલ્મોનાં પ્રથમ મહિલા દિગ્દર્શકનો ખિતાબ મળ્યો તે છોગામાં.

ક્યારે જઈશું પટાયા?
જાણીતા ગાયક અને બિગબોસના ઘરમાં આંટો મારી આવેલા અરવિંદ વેગડાની આ ફિલ્મ આવી રહી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. જો કે આ ફિલ્મ વિશે વધુ કોઈ માહિતી મળી નથી. તેના પ્રમોશનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર નજરે ચડે છે.

જો કે ખરેખર જોવા જઈએ તો પરિવર્તનની શરૂઆત વર્ષ ૨૦૧૧માં નૈતિક રાવલની ફિલ્મ ‘ચાર’ પછી થઈ, પરંતુ યોગ્ય માર્કેટિંગ અને વાતાવરણના અભાવે તે અપેક્ષિત લોકો સુધી પહોંચી નહીં. પરિણામે તે લોકોના ધ્યાનમાં ન આવી. ‘ચાર’ પછી પણ કેટલીક પ્રયોગાત્મક ફિલ્મો ગુજરાતીમાં આવતી રહી અને થોડાંઘણાં અંશે આ પ્રયત્નોને પ્રશંસાઓ મળતી રહી.

વિપુલ શર્માની ‘લવ ઈઝ બ્લાઈન્ડ’ તેમજ ‘દેશબુક’ અને મૌલિક પાઠકની ‘વીર હમીરજી’ પણ પરિવર્તનના દૌરની શરૂઆતની ફિલ્મો હતી. ઝ્રઈઁ્ના વિદ્યાર્થી ધવલ પટેલે તેના સ્ટડી પ્રોજેક્ટ હેઠળ બનાવેલી ફિલ્મ ‘વ્હીસ્કી ઈઝ રિસ્કી’ પણ પ્રયોગાત્મક ફિલ્મ હતી. તેજસ પડિયાની ‘આ તે કેવી દુનિયા’, રઘુવીર જોશીની ‘હેપ્પી ફેમિલી પ્રાઈવેટ લિમિટેડ’, ‘આપણે તો ધીરુભાઈ’ વગેરે ફિલ્મોએ પ્રયત્નોની હારમાળા કાર્યરત રાખી હતી.

જાણીતા ફિલ્મ વિવેચક કાર્તિકેય ભટ્ટ પોતાનો મત રજૂ કરતાં કહે છે કે, “આ પરિવર્તન તો આવવાનું જ હતું, ૧૯૯૬માં આવેલી ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’, વર્ષા અડાલજાના પુસ્તક ‘મારે પણ એક ઘર હોય’ પરથી સંદીપ પટેલે બનાવેલ ‘મોતીના ચોક રે સપનાંમાં દીઠાં’, જે.ડી. મજીઠિયાની ‘દરિયાછોરું’, ‘મોક્ષ’ વગેરે ફિલ્મોએ આશાઓ જગાવી હતી, પરંતુ આ પ્રયત્નો છૂટાછવાયા હોવાથી અને સિંગલ સ્ક્રીનનો સમયગાળો એટલે ધારી સફળતા ન મળી. હવે મલ્ટિપ્લેક્સનો જમાનો આવ્યો છે અને ટેક્નોલોજીનો સાથ પણ મળ્યો છે. તેથી નિર્માતોઓ વધુ પૈસા રોકવાની હિંમત દાખવશે અને પ્રેક્ષકો વધુ થયા છે ઉપરાંત મલ્ટિપ્લેક્સના ટિકિટદર ઊંચા હોવાથી વળતર પણ સારું મળશે. જે ગુજરાતી ફિલ્મોના અર્થતંત્ર માટે ફાયદાકારક સાબિત થશે.”

જાણીતા નાટ્ય અભિનેતા અને ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ ફિલ્મમાં ચમકનારા સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે કે, “આ પરિવર્તન એ કેટલાંક યુવા દિગ્દર્શકો અને કલાકારોના પ્રયત્નોનું પરિણામ છે. ગુજરાતી ફિલ્મો પહેલાં સિંગલ સ્ક્રીનમાં જ ચાલતી અને શહેરોમાં પણ તેના પ્રેક્ષકો નહોતા, ગુજરાતી ફિલ્મો વિશે એવી જ માન્યતા હતી કે અહીંયાં આવી જ ફિલ્મો બની છે, પરંતુ પ્રેક્ષકો અને આજના જમાનાને સુસંગત ફિલ્મો હવે બનવા માંડી છે અને લોકોએ આ ફિલ્મોને સ્વીકારી છે. પ્રેક્ષકોની અપેક્ષાઓ હવે ખૂબ વધી છે તેથી તે પ્રમાણે ફિલ્મો આપવી પડશે. ગુજરાતી ફિલ્મો માટે અત્યારે સંક્રાંતિકાળ છે.”

‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ ફિલ્મમાં અભિનય કરનાર જીમિત ત્રિવેદી કહે છે કે, “ફિલ્મો ત્યારે જ ચાલે જ્યારે તેને પ્રેક્ષકો મળે. એક સમયે ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ હતો પછી ગુજરાતી ફિલ્મોમાં કોઈ ખાસ ફેરફાર કે પરિવર્તન જોવા ન મળ્યાં. હવે વૈશ્વિકીકરણ અને ટેક્નોલોજીનો સાથ મળ્યો છે. સામાન્ય લોકોનાં જીવનને સ્પર્શતી ફિલ્મો આવવા માંડી છે અને નિર્માતાઓને અપેક્ષિત વળતર પણ મળવા માંડ્યું છે.”

કોઈ પણ ફિલ્મમાં દિગ્દર્શક, સંગીત અને અભિનેતા-અભિનેત્રીની ભૂમિકા મહત્ત્વની છે. આ ત્રણેય પાસાં ફિલ્મ માટે પ્રાથમિક અને જરૂરી છે. ઉપરાંત સફળતા કે નિષ્ફળતાનો આધાર પણ તેના પર જ રહેલો છે. આ પરિવર્તનમાં દિગ્દર્શકોનો ફાળો મહત્ત્વનો છે.

કેટલાંક કુશળ દિગ્દર્શકોના પ્રયત્નોના પરિણામે છેલ્લાં ચાર વર્ષમાં આ પરિવર્તન જોવા મળ્યું છે અને આવનારી ફિલ્મો સાથે પણ અન્ય કેટલાક કુશળ દિગ્દર્શકો સંકળાયેલા છે.વાત અભિનેતા-અભિનેત્રીની આવે તો પરિવર્તન દરમિયાન એવા કોઈ ચોક્કસ ચહેરાઓ મળ્યા નથી કે જેના નામ પર જ ફિલ્મ ચાલી જાય. સંગીત ક્ષેત્રે પણ હજુ એટલું ખેડાણ નથી થયું. એક-બે ફિલ્મોનાં અમુક ગીતોને બાદ કરતાં સંગીતક્ષેત્રે પ્રયત્નો જોવા મળ્યા નથી.

ગુજરાતી ફિલ્મો પર સંશોધન
(પીએચ.ડી.) કરનાર જિતેન્દ્ર બાંધણિયા કહે છે,”પરિવર્તનની આ સફર હજુ શરૂ થઈ છે. તેમાં હજુ ઘણાં નામો અને સિદ્ધિઓ ઉમેરાવાની બાકી છે. ગુજરાતી ફિલ્મોમાં અત્યાર સુધીમાં બનેલી તમામ ફિલ્મોમાંથી મેં અડધોઅડધ ફિલ્મો જોઈ છે. જેમાંથી અમુક અપવાદોને બાદ કરતાં સંગીતક્ષેત્રે ખૂબ ઓછા પ્રયત્નો થયા છે, પરંતુ હવે સંગીતને પણ એટલું જ મહત્ત્વ અપાઈ રહ્યું છે. યુવા કલાકારો અને દિગ્દર્શકો જો આ રીતે જ તેમના પ્રયત્નો કરતાં રહેશે તો ફરી ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ આવતા કોઈ નહીં રોકી શકે.”

આ જ મુદ્દા પર જાણીતા અભિનેતા મનોજ જોશી મંતવ્ય રજૂ કરે છે કે, “આ પરિવર્તનને હું સકારાત્મક રીતે જોઈ રહ્યો છું. ગુજરાતમાં પ્રેક્ષકો હોવા છતાં ક્યારેય કન્ટેન્ટ ઓરિયેન્ટેડ ફિલ્મો ન બની, કારણ કે તે ફિલ્મોના નિર્માણમાં માવજતથી કામ લેવાતું જ નહોતું, પરંતુ હવે ગુજરાતી પ્રેક્ષકો કન્ટેન્ટ માગતા થયા છે અને તે પ્રકારની ફિલ્મો આવી રહી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાત બહાર અને વિશ્વના વિવિધ ભાગોમાં વસતાં ગુજરાતી પ્રેક્ષકોએ નવી ગુજરાતી ફિલ્મોને આવકારી છે.

ગુજરાતીઓનો મનોરંજન પ્રત્યેનો ઉત્સાહ જગજાહેર છે ઉપરાંત બોલિવૂડમાં ઘણા ખ્યાતનામ કલાકારો અને સર્જકો છે જે ગુજરાતી છે. છતાં પણ ગુજરાતી ફિલ્મોની કથળેલી હાલત આશ્ચર્યજનક હતી. જો કે હવે યુવા કલાકારો સારા પ્રયત્નો કરી રહ્યા છે જેને ગુજરાતી પ્રેક્ષકો વધાવી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં અંધારા પછી અજવાળું આવ્યું છે અને ગુજરાતી ફિલ્મો માટે આ ક્રાંતિનો સમય છે.”

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પરિવર્તનનો આ પવન હવે કેવાં પરિણામો લઈને આવે છે તે હવે આગામી સમયની ફિલ્મો જોઈને ખબર પડશે. હજુ તો કોમેડી કે ફેમિલી ડ્રામા પ્રકારની ફિલ્મો જ આવી છે. સસ્પેન્સ , થ્રિલર, હોરર કે પછી ડાર્ક સિનેમા જેવા ઘણા પ્રકારની ગુજરાતી ફિલ્મોનો સ્વાદ ચાખવાનો હજુ બાકી છે. એક પ્રકારની ફિલ્મથી થાક્યા પછી પ્રેક્ષકો અલગ પ્રકારની ફિલ્મ માગવાના જ છે. જો કે અત્યારે આ ક્ષેત્રની ફિલ્મો ગુજરાતીમાં નવી કે વહેલી લાગે, પરંતુ આગામી સમયમાં પ્રેક્ષકો તેના સાક્ષી બનવાના છે તે વાત ચોક્કસ છે.

ગુજરાતી ફિલ્મોનો વિકાસ જોઈને ગર્વ અનુભવું છું
કૃષ્ણકાંત ભૂખણવાલા ૧૩ ગુજરાતી અને બે હિન્દી ફિલ્મોના દિગ્દર્શન સાથે ગુજરાતી, હિન્દી, બંગાળી અને અંગ્રેજી ભાષાની ૧રપથી વધુ ફિલ્મો અને ટીવી-સિરિયલો તથા નાટકોમાં અભિનયના ઓજસ પાથરી ચૂક્યા છે. કે.કે.ના હુલામણા નામે ઓળખાતા ભૂખણવાલાનું જીવન અને ફિલ્મી ક્ષેત્રની સફર સરાહનીય છે.

એક સમયે ગુજરાતી ફિલ્મનું નામ પડતાં જ નાકનું ટેરવું ચડી જતું, પરંતુ કેટલાંક વર્ષોથી આ પવન બદલાયો છે. હવે દર્શકો ગુજરાતી ફિલ્મોને પણ ગંભીરતાથી લઈ રહ્યાં છે. આ બદલાતા દૃષ્ટિકોણ અંગે ગુજરાતી ફિલ્મોના એક સમયના ટ્રેન્ડસેટર અને પીઢ ડિરેક્ટર કૃષ્ણકાંત ભૂખણવાલા સાથે ‘અભિયાન’ની ખાસ વાતચીત…

ગુજરાતી ફિલ્મોમાં પરિવર્તન આવ્યું છે?
શારીરિક તકલીફને લીધે ઘણાં વર્ષોથી થિયેટરમાં ફિલ્મ જોવા જઈ શક્યો નથી, પરંતુ વાંચવા-સાંભળ્યા મુજબ ‘કેવી રીતે જઈશ’ ફિલ્મથી ગુજરાતી સિનેમાનો ટ્રેન્ડ બદલાયો અને આ ટ્રેન્ડસેટર યુવાનો છે, જે આવકારદાયક બાબત છે. ગુજરાતી સિનેમાનું ભાવિ હવે ઊજળું દેખાય છે.

સામા પ્રવાહની ફિલ્મો બની છે?
મેં અને અરુણ ભટ્ટે ‘ડાકુરાણી ગંગા’ બનાવેલી. કેતન મહેતાની ‘ભવની ભવાઈ’, કાંતિલાલ રાઠોડની ‘કંકુ’નો સમાવેશ કરી શકાય. વધુ ફિલ્મો બની નથી, પરંતુ દરેક સમયે સારી ફિલ્મો બનતી આવી છે.

હાલની અર્બન ફિલ્મો જેવી ફિલ્મો તમારા સમયમાં બનતી?
અર્બન વિષય પર અગાઉ પણ સારી ફિલ્મો બની છે, જેની શરૂઆત ‘ડાકુરાણી ગંગા’થી થઈ એવું કહી શકાય. ત્યારે જે ઓફબીટ કે સામા પ્રવાહની ફિલ્મો કહેવાતી તે હાલ અર્બન ફિલ્મ કહેવાય છે. એ વખતે ફોક ટ્રેન્ડ વધુ ચાલતો. ગુજરાતીમાં નિયમિત ફિલ્મો રવિન્દ્ર દવેની ‘જેસલ તોરલ’ પછી શરૂ થઈ. બાદમાં લોકકથા આધારિત ફિલ્મોનો ટ્રેન્ડ આવ્યો.

હાલમાં બનતી અર્બન ફિલ્મો અંગે શું કહો છો?
‘કેવી રીતે જઈશ’, ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ જેવી અર્બન ફિલ્મોથી ગુજરાતી સિનેમાના સારા દિવસો આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ બધી ફિલ્મો યુવાનોને આકર્ષે તેવી છે. આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મોનું સ્તર ખૂબ ઊંચંુ જાય તેવી શક્યતા છે. તે માટે અલગઅલગ વિષયો પર ફિલ્મો બને તે ઇચ્છનીય છે. કોઈ પણ ટ્રેન્ડ લાઈફ-ટાઈમ ચાલતો નથી.

હાલના સમયમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં જે બદલાવ આવ્યો છે તે જોતાં એમ ચોક્કસ કહી શકું કે, આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મોનું સ્તર બોલિવૂડને આંબી જશે. બોલિવૂડનું બજેટ અને કાર્યશૈલી ભલે મોટા સ્તરનાં હોય, પરંતુ વિષય પસંદગી અને પિક્ચરાઈઝેશન સમાંતર થઈ શકે. હાલમાં જ બનેલી અર્બન ફિલ્મોના દિગ્દર્શકો અને પ્રોડ્યુસર્સની સાથે હું દર્શકોને પણ અભિનંદન આપું છુ.

લોકોએ અર્બન ફિલ્મોને સ્વીકારી છે. પ્રેક્ષકોની અપેક્ષાઓ હવે ખૂબ વધી છે તેથી તે પ્રમાણે ફિલ્મો આપવી પડશે. ગુજરાતી ફિલ્મો માટે અત્યારે સંક્રાંતિકાળ ચાલી રહ્યો છે.: સિદ્ધાર્થ રાંદેરિયા જાણીતા નાટ્ય અભિનેતા

શું છે બ્રિજ સિનેમા?
સિનેમામાં ભલે રૂરલ કે અર્બન જેવા પ્રકારો ન હોય, પરંતુ સામાન્ય પ્રેક્ષકોએ તો હાલ આ ભાગલા સ્વીકારી લીધા છે. રૂરલ સિનેમા તરીકે ઓળખાતી રૂઢિગત ફિલ્મો અને અર્બન સિનેમા તરીકે ઓળખાતી નવી પ્રયોગાત્મક ફિલ્મોએ ઓડિયન્સને બે ભાગમાં વહેંચી દીધું છે.

હવે શહેરી અને ગ્રામ્ય પ્રેક્ષકોને ગુજરાતી ફિલ્મો થકી સાંકળવા હોય તો શું કરવું? આ જ વિચાર સાથે ‘બ્રિજ સિનેમા’નો કોન્સેપ્ટ લઈને જાણીતા અભિનેતા હિતેનકુમાર આવી રહ્યા છે. તે કહે છે કે, ‘ગુજરાતમાં પાંચ-છ મેટ્રો સિટીને બાદ કરતાં લગભગ વિસ્તારો ગ્રામ્ય છે અથવા નાનાં શહેરો છે. આ પરિસ્થિતિમાં જો આપણે ફિલ્મોમાં રૂરલ અને અર્બન જેવી વાડાબંધી કરીશું તો ગુજરાતી ફિલ્મોને ધાર્યું માર્કેટ ક્યારેય નહીં મળે.

ફિલ્મો, દિગ્દર્શકો, નિર્માતાઓ, કલાકારો, પ્રેક્ષકો અને આવક આ તમામ બાબતોમાં મર્યાદા આવી જશે. તેથી આ બંને પ્રકારની ફિલ્મોને સાંકળી લે એવા બ્રિજ સિનેમાના કોન્સેપ્ટની ખૂબ જરૂર છે. મારી આગામી ફિલ્મ ‘પ્રેમરંગ’ આ પ્રકારની ફિલ્મ છે. આ ફિલ્મ દરેક વર્ગ અને વયજૂથના પ્રેક્ષકોને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી છે. ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા તમામ દિગ્દર્શકોને હું એ જ અપીલ કરું છું કે, આપણે આ વાડાબંધી તોડી સાથે મળી કામ કરવું જોઈએ.’

ફિલ્મના મુખ્ય અભિનેતા હિતેનકુમાર એક એવી વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યા છે જેની ઉંમર ૨૮ વર્ષની છે, પરંતુ તેની વિચારસરણી ૧૧ વર્ષના બાળક જેવી છે. ચાંદની અને સોનમ નામની અભિનેત્રીઓ આ ફિલ્મમાં કામ કરી રહી છે.

રફીક પઠાણે આ ફિલ્મની વાર્તા લખી છે અને દિગ્દર્શન સંભાળ્યું છે. દેવેન્દ્ર પંડિત, ભરત ઠક્કર, હેતલ રાઠોડ અને રૂપા દીવેટિયા પણ આ ફિલ્મમાં છે. ફિલ્મમાં સમીર-માનાએ સંગીત આપ્યું છે. ઉપરાંત આ ફિલ્મ નવી જગ્યાઓ પર જઈ શૂટ કરવામાં આવી છે અને ત્યાંના સ્થાનિકોને જ ફિલ્મમાં દેખાવાની અને અભિનય કરવાની તક આપવામાં આવી છે.

ગુજરાતી ફિલ્મસર્જકોને સ્ફુરેલી આ નવી સમજ જળવાઈ રહે અને દર વખતે કારગત થતી રહે તો ગુજરાતી ફિલ્મોમાં ફૂંકાયેલો આ પરિવર્તનનો પવન સફળતાના સઢ ફરકાવી શકે એવી આશા દરેક ગુજરાતીના મનમાં સેવાઈ રહી છે.

આ પરિવર્તનને હું સકારાત્મક રીતે જોઈ રહ્યો છું. છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાત બહાર અને વિશ્વના વિવિધ ભાગોમાં વસતાં ગુજરાતી પ્રેક્ષકોએ નવી ગુજરાતી ફિલ્મોને આવકારી છે. : મનોજ જોશી જાણીતા અભિનેતા

ગુજરાતી ફિલ્મોમાં પેરેલલ સિનેમા છે?
કોઈ પણ ભાષાની ફિલ્મો માટે પેરેલલ સિનેમા વધુ મહત્ત્વ ધરાવે છે. પેરેલલ સિનેમા એટલે કે પ્રેક્ષકો આવકારશે કે નહીં, ફિલ્મ સફળ થશે કે નહીં એની પરવા કર્યા વિના ફિલ્મસર્જક જે કહેવા માગતો હોય એ જ વાત કહેનાર ફિલ્મ.

પેરેલલ ફિલ્મોમાંથી કોમર્શિયલ ફિલ્મો માટેની પ્રેરણા કે પછી અન્ય તકનીક મળતી રહી છે. જોકે ગુજરાતીમાં અત્યાર સુધીમાં એવી કોઈ ચોક્કસ ફિલ્મો નથી બની કે જેને પેરેલલ ફિલ્મનો દરજ્જો આપી શકાય, પરંતુ કેટલાક સર્જકોએ તે માટે પ્રયત્નો જરૂર કર્યા છે. આ પ્રયત્નો માટે કૃષ્ણકાંત ભૂખણવાલાનું નામ જાણીતું છે.

‘મેઘધનુષ્ય’ને કરમુક્તિ મળશે?
સમલૈંગિક સંબંધો અને તેને લગતા હક્કો અંગે ગુજરાતી ફિલ્મ ‘મેઘધનુષ્ય’ બનાવાઈ છે. આ ફિલ્મ ૨૦૧૩થી તૈયાર થઈ ચૂકી છે, પરંતુ કેટલાક વિવાદોના કારણે હજુ સુધી તે રિલીઝ થઈ શકી નથી. ફિલ્મમાં એક સમલૈંગિક યુવાનની વાત કરવામાં આવી છે.

જોકે ફિલ્મના વિષયને કારણે તેને કરમુક્તિ આપવામાં ન આવી હોવાને કારણે ફિલ્મના નિર્દેશક ડૉ. કે.આર. દેવમણિએ ગુજરાત હાઈકોર્ટમાં દાદ માગી હતી. હાઈકોર્ટે આ મુદ્દે નિર્દેશકના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. જોકે હાઈકોર્ટના ચુકાદાને ગુજરાત સરકારે સુપ્રીમમાં પડકાર્યો હોવાથી કાનૂની લડાઈ ચાલુ જ છે.

ફિલ્મમાં રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલે પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં છે. ભીમ વાકાણી, જિત ઉપેન્દ્ર, અલ્પના મજુમદાર અને ભૌમિક નાયકે તેમાં અભિનય કર્યો છે. ફિલ્મમાં ગીતોને બદલે આર.જે. ધ્વનિત અને આર.જે. દેવકીના સ્વરમાં કવિતાને સ્થાન અપાયું છે. ફિલ્મ અંગે માનવેન્દ્રસિંહ કહે છે, ‘ગુજરાતી સિનેમા બદલાઈ રહ્યો છે. અમે પણ પ્રવાહથી અલગ ફિલ્મ બનાવી, જેમાં સમલૈંગિકતા અંગે સમાજમાં પ્રવર્તતી ગેરસમજ દર્શાવાઈ છે. જોકે ફિલ્મને કરમુક્તિ ન આપવી એ ગેરબંધારણીય બાબત છે.’

હવે સંગીતને પણ એટલું જ મહત્ત્વ અપાઈ રહ્યું છે. યુવા કલાકારો અને દિગ્દર્શકો જો આ રીતે જ તેમના પ્રયત્નો કરતાં રહેશે તો ફરી ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ આવતા કોઈ નહીં રોકી શકે. : જિતેન્દ્ર બાંધણિયા ગુજરાતી ફિલ્મો પર સંશોધનકર્તા

ચિંતન રાવલ

You might also like