ક્રિકેટ વિશ્વકપ અપાવનારો કેપ્ટન હાલ કચોરી વેચે છે

વડોદરાઃ દસ વર્ષ પહેલાં પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર ભારતને વિશ્વકપ અપાવનારો કેપ્ટન ઇમરાન શેખ હાલ કચોરીઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. ક્રિકેટમાં નાણાંની કોઈ તંગી નથી, પરંતુ આ સ્ટાર ક્રિકેટર તો કચોરીઓ વેચીને પોતાનું પેટ ભરવા મજબૂર છે. આ કહાણી છે ગુજરાતના ૩૦ વર્ષીય ઇમરાન શેખની. શેખ મૂક-બધિર ક્રિકેટર છે અને આ શ્રેણીના ક્રિકેટમાં વિશ્વકપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. તેનું શાનદાર પ્રદર્શન જોઈને જ તેને રાષ્ટ્રીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

દસ વર્ષ પહેલાં ઇમરાને ભારતીય ટીમની નાજુક પરિસ્થિતિમાં અર્ધસદી ફટકારીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મદદ કરી હતી. આજે એ જ ઇમરાનને ભુલાવી દેવામાં આવ્યો છે અને તે વડોદરાના જૂના પાદરા રોડ પર કચોરીઓ વેચી રહ્યો છે.

એક અંગ્રેજી અખબારને સાંકેતિક ભાષામાં ઇમરાને કહ્યું, ”ક્રિકેટ મારો શોખ છે અને હું હજુ પણ રમવા ઇચ્છું છું, પરંતુ મારી આર્થિક સ્થિતિ સારી નથી. મૂક-બધિર ક્રિકેટરમાં એટલા પૈસા નથી. આથી મેં કચોરીઓ વેચવાનો નિર્ણય કર્યો છે. મારી પત્ની રોજા આમાં મારી મદદ કરે છે. મારા કોચ નિત્યેન્દ્રસિંહના પ્રયાસોથી મને ગુજરાત રિફાઇનરીમાં હંગામી નોકરી મળી છે.

ઇમરાને ૨૦૦૫ના વર્લ્ડકપની સેમિફાઇનલમાં નેપાળ વિરુદ્ધ ૭૦, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ૬૦ અને પાકિસ્તાન વિરુદ્ધ ૬૨ રન બનાવ્યા હતા. ટીમને વિજય અપાવવામાં ઇમરાનની ભૂમિકા ખાસ રહી હતી એટલું જ નહીં, વર્લ્ડકપની ફાઇનલમાં તેણે ઈંગ્લેન્ડ સામે ૪૦ રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ પણ ઝડપી હતી.

You might also like