મૌલાના કાઝમી, અંજર શાહે ગુજરાતના યુવાનોને જેહાદ માટે ઉશ્કેર્યા હતા

અમદાવાદ: એનઆઇએ તથા દિલ્હી એટીએસ દ્વારા ઉત્તર પ્રદેશ તથા બેંગલુરુથી ધરપકડ કરાયેલા અલકાયદાના બે આતંકી મૌલાના અબુસ સમી તથા અંજર શાહે ગુજરાતના વિવિધ શહેરોમાં અલકાયદા તથા જેહાદી પ્રવૃતિમાં જોડાવા માટે યુવાનોને ભડકાવતાં ભાષણ કર્યાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ઘટનાથી ગુજરાત એટીએસ સહિતની તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે અને તમામ દિશામાં તપાસ શરૂ કરી દીધી છે.

બે દિવસ પહેલાં યુપીના હરદોઇથી મૌલાના અબુસ સમી કાઝમીની (રહે. દિલ્હી) નેશનલ ઇન્વે‌સ્ટિગેશન એજન્સીએ ધરપકડ કરી છે. તેની ઉપર આરોપ છે કે તે અલકાયદાનો આતંકી છે અને જેહાદમાં સામેલ કરવા યુવાનોને ભડકાવી રહ્યો છે. દિલ્હી એટીએસએ પકડેલા મૌલાના અંજર શાહ કાસમીને અલકાયદામાં જોડાવવા માટે ભડકાઉ ભાષણ આપવાના ગુનામાં બેંગલુરથી ધરપકડ કરી છે. અલકાયદાના બન્ને આતંકીઓ એનઆઇએની કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે

ચોંકાવનારી વાત એ છે કે આ બંને આતંકીઓ ગુજરાતમાં આવીને યુવાનોનાં બ્રેઇનવોશ કરવા માટે તથા અલકાયદા અને જેહાદી પ્રવૃત્તિમાં જોડાવા માટે ભડકાઉ ભાષણ કર્યાં છે. એનઆઇએ સમક્ષ કરેલી કબૂલાતમાં જાણવા મળ્યું હતું કે મૌલાના અબુસ સમી કાઝમીએ વાપી અને ભરૂચમાં આવીને યુવાનોનું બ્રેઇનવોશ કરવાની કોશિશ કરી હતી જ્યારે મૌલાના અંજર શાહ કાસમીએ ગોધરા, ભરૂચ, મોડાસા, વાપી જેવી અનેક જગ્યાએ આવીને યુવાનોને ભડકાવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર બન્ને આતંકીઓ દેશમાં વિવિધ જગ્યાએ આતંકી હુમલા તથા નેતાઓની હત્યા કરવાના ફિરાકમાં હતા. બન્ને આતંકીઓ મસ્જિદોમાં યુવાનોને ભેગા કરીને ધર્મના નામે અલકાયદા તથા જેહાદી ભાષણો આપ્યાં હતાં. બંને આતંકીઓ પાકિસ્તાનમાં એક મૌલાના સંપર્કમાં હતા. અગાઉ ધરપકડ કરાયેલા અલકાયદાના આતંકી ઝફર મસૂદ અબ્દુલ રહેમાન અને મૌલાના આસિફ બંને જણા અંજર શાહ કાસમીના સંપર્કમાં હતા અને સ્લીપર સેલ બનાવવાનો પણ આદેશ આપ્યો હોવાની કબૂલાત એનઆઇએ સમક્ષ કરી છે.

સુરક્ષા એજન્સીઓનાં સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા મૌલાના અંજર શાહ કાસમીનો પુત્ર મોડાસાના મદરેસામાં અભ્યાસ કરી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ગુજરાતના કેટલા યુવાનોનાં બ્રેઇનવોશ થયાં છે અને તે મુદ્દે સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે આવનારા દિવસમાં બન્ને આતંકીઓની પૂછપરછ થાય તેવી શક્યતાઓ છે.

You might also like