ગુજરાત મહિલા કોંગ્રેસ નોટબંધીના વિરોધમાં થાળી-વેલણ વગાડશે

અમદાવાદ: કેન્દ્ર સરકારનાં નોટબંધીના એલાનના પચાસ દિવસ પછી પણ લોકો બેન્ક કે એટીએમમાંથી જરૂરિયાત મુજબની રોકડ રકમ મેળવવામાં ઓછી વત્તી મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગઇ કાલે રાષ્ટ્રપતિએ પણ નોટબંધીથી સામાન્ય લોકોની હાલાકી વધશે તેવી સ્પષ્ટતા કરી છે. નોટબંધીના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર ધરણાં વગેરે યોજાઇ રહ્યાં છે. હવે મહિલા કોંગ્રેસ આગામી તા.૮ અને ૯મીએ રાજ્યભરમાં થાળી-વેલણ વગાડીને નોટબંધી સામેનો વિરોધ વ્યક્ત કરશે.

મહિલા કોંગ્રેસના ટોચનાં સૂત્રો કહે છે કે, નોટબંધીને કારણે મહિલાઓ વિશેષરૂપે હેરાન થઇ રહી છે કેમ કે મહિલાઓનો રોજબરોજનો વ્યવહાર રોકડ આધારિત હોય છે. ગુજરાતમાં અમદાવાદ, સહિતનાં મહાનગરોના ઇન્ફોર્મલ માર્કેટમાં મહિલાઓ પણ હોઇ આ મહિલાઓ નોટબંધીની ભોગ બની છે.

ગુજરાતમાં બાળકો અને મહિલાઓમાં કુપોષણનું પ્રમાણ વધુ હોઇ નોટબંધીથી એક પ્રકારે બાળકો અને મહિલાઓની થાળીનો રોટલો પણ છીનવાઇ ગયો છે તેમ જણાવતાં મહિલા કોંગ્રેસના ટોચનાં સૂત્રો વધુમાં કહે છે, ‘મહિલા કોંગ્રેસ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા મથકો અને અમદાવાદ સહિતનાં ૮ મહાનગરોમાં આગામી તા.૮ અને ૯ જાન્યુઆરીએ નોટબંધીના વિરોધમાં થાળી-વેલણ વગાડવાનાે કાર્યક્રમ અાપશે. અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરમાં જિલ્લા તેમજ મહાનગર સ્તરના કાર્યક્રમ થશે. અમદાવાદમાં ઠક્કરબાપાનગર ચાર રસ્તા ખાતે આગામી રવિવારે બપોરે બે વાગ્યે મોટી સંખ્યામાં મહિલા હાજર રહીને થાળી-વેલણ વગાડી નોટબંધી સામે પોતાનો વિરોધ વ્યક્ત કરશે.
http://sambhaavnews.com/

You might also like