VIDEO: સાંપ્રદાયિક અને જાતિવાદનો જનતાએ કર્યો અસ્વીકારઃ વિજય રૂપાણી

ગુજરાતઃ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં બાદ આ ચૂંટણીમાં ફરીથી ભાજપનો વિજય થતાં રાજ્યનાં મુખ્યમંત્રી પદને લઇ અવનવા નામો સામે આવી રહ્યાં હતાં. જેમાં ફરીથી “જય-વિરૂ”ની જોડી નક્કી થઇ ગઇ છે. કમલમ્ ખાતે ધારાસભ્યોનાં દળની મુખ્યમંત્રીનાં નામને લઇ બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં વિજય રૂપાણીની ફરીથી ગુજરાતનાં સીએમ તરીકે પસંદગી કરાઇ છે અને ડે.સીએમ તરીકે નીતિન પટેલની પસંદગી કરાઇ છે. એટલે કે ફરીથી વિજય રૂપાણી રાજ્યનાં મુખ્યમંત્રી બન્યાં છે. તેમજ નીતિન પટેલને પણ ડે.સીએમનાં પદે યથાવત્ રખાયાં છે.

ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિજય રૂપાણીનાં નામનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે વિજય રૂપાણી ફરીથી સીએમ બનતાં રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવાં મળ્યો. ભાજપનાં નિર્ણયને કાર્યકર્તાઓએ વધાવ્યો. રાજકોટ ભાજપનાં કાર્યકર્તાઓએ ભવ્ય ઉજવણી પણ કરી.

બેઠકમાં શાસકપક્ષનાં નેતા ચૂંટાયા બાદ વિજય રૂપાણી અને નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ આયોજી હતી. આ બેઠકમાં સીએમ વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે,”કેન્દ્રીય નેતૃત્વએ અમારા પર વિશ્વાસ મુક્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસનાં મુદ્દાને અમે આગળ ધપાવીશું. ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું રહેશે.

49 ટકા મત સાથે રાજ્યમાં ભાજપને બહુમતી મળી છે. સાંપ્રદાયિકતા અને જાતિવાદનો જનતાએ અસ્વિકાર કર્યો છે. અમે રાજ્યપાલ પાસે મળવા માટે સમય માગીશું. વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી શપથવિધિનાં સ્થળની પસંદગી કરવામાં આવશે. તમામ સમાજ અને વિકાસને લઇને અમે આગળ વધીશું.

2002 અને 2017માં ભાજપને સૌથી વધુ મત મળ્યાં. જે બેઠકો પર ભાજપનો પરાજય થયો તેનાં મુદ્દે પણ સમીક્ષા કરવામાં આવશે. ભાજપ સરકારને જનતાએ 27 વર્ષનું મેન્ડેટ આપ્યું તે જ મોટો વિજય છે. જનતાએ ભાજપની સરકારને સ્વીકારી છે. જ્યારે સાંપ્રદાયિક અને જાતિવાદનો જનતાએ અસ્વીકાર કર્યો.

જે બેઠકો પર ભાજપનો પરાજય થયો તે બેઠક પર હવે વધુ સમીક્ષા કરાશે. ભાજપની સરકારે ગુજરાતમાં વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. કોંગ્રેસનાં એક પણ ઇરાદાઓ સાકાર ન થયાં.”

You might also like