રૂપાણી સરકારનું બજેટ ‘વિજય’ માટે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારનું પ્રથમ બજેટ ૨૧મી ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં નાણામંત્રી નીતિન પટેલ રજૂ કરશે. નાણામંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી તરીકેની પણ જવાબદારી નિભાવતા નીતિન પટેલ હાલ બજેટની તૈયારીઓમાં વ્યસ્ત છે. દરરોજ નાણાવિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક ચાલી રહી છે. આ ઉપરાંત વિવિધ વિભાગની બજેટ માટેની માગણીઓ સંદર્ભે પણ નાણામંત્રી બેઠક કરી રહ્યા છે. રાજ્યભરની ચેમ્બર ઓફ કોમર્સ પાસેથી સૂચનો મગાવવામાં આવી રહ્યાં છે. હાલ નાણાવિભાગ રાજ્યના વર્ષ ૨૦૧૭-૨૦૧૮ના બજેટની તૈયારીઓમાં ગળાડૂબ છે.

નાણાવિભાગનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વર્ષના બજેટમાં સૌથી વધારે ફોકસ ગ્રામ્ય વિસ્તારને આપવાનું નક્કી કરવામાં આવશે. શહેરી વિસ્તારો કરતાં વધારે યોજનાઓ ગ્રામ્ય વિસ્તારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે રાજ્યના નાણામંત્રી નીતિન પટેલનું આવનારું બજેટ ગ્રામ્યલક્ષી બનીને રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ભાજપ સરકારે ગ્રામ્યલક્ષી બજેટ બનાવવાનો નિર્ણય લીધો છે. તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપની થયેલી હારથી સચેત બનેલી સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક નવી સુવિધાઓ ઊભી કરવા માટેની કવાયત નવા બજેટ માટે કરી છે. સૂત્રોનું માનીએ તો વર્ષ ૨૦૧૭-૨૦૧૮નું બજેટ મુખ્યત્વે ગ્રામ્યલક્ષી હોવા સાથે કૃષિ પર વિશેષ ફોકસ કરનાર બજેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ચાલી રહેલાં આંદોલનોને ધ્યાનમાં રાખીને યુવાનોને રોજગારીની તક પૂરી પાડી શકાય તે દિશામાં પણ ચોક્કસ જોગવાઇઓ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. યુવાનોને માત્ર સરકારી નોકરીમાં જ સ્થાન નહીં આપીને નાના-મધ્યમ ઉદ્યોગ તરફવાળા પર પણ ફોકસ કરવામાં આવશે. ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે પણ અનેક ક્રાંતિકારી યોજનાઓ બજેટમાં સામેલ કરવામાં આવનાર હોવાનું સૂત્રો તરફથી જાણવા મળે છે.

રાજ્યના નાણામંત્રી નીતિન પટેલ દ્વારા બાંધકામ ઉદ્યોગને પ્રોત્સાહિત કરી નવી રોજગારીના સર્જનની કવાયત પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજ્યના દરેક ગરીબ અને મધ્યમવર્ગને પોતાનું ઘરનું સ્વપ્ન પૂરું કરવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ ગરીબ અને મધ્યમવર્ગને સસ્તામાં ઘર આપવાની નવી યોજના પણ શરૂ થાય તો નવાઇ નહીં. સાથે મુખ્યમંત્રી આવાસ યોજના દ્વારા આપવામાં આવતી સબસિડીની રકમમાં પણ વધારો કરવાની જાહેરાત કરવામાં આવશે. ઓછા વ્યાજદરની લોન પણ સરકારના સહયોગથી મળી રહે તેવું વ્યવસ્થાતંત્ર ઊભું કરવાની દિશામાં પણ બજેટમાં જોગવાઇ થવાની સંભાવના રહેલી છે. ૨૦૧૭-૨૦૧૮ના અંદાજપત્રમાં બાંધકામ ક્ષેત્રે પણ વિશેષ ભાર મૂકીને ઘરનું ઘર આપવાનું સરકારનું ફોકસ રહેશે.

ગુજરાતના બજેટમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના અને સૌની યોજના પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે. નર્મદા યોજના માટે રેકોડબ્રેક ૧૦ હજાર કરોડથી વધારે રકમની જોગવાઇ કરવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. રાજ્યમાં પીવાના પાણીની કોઇ મુશ્કેલી ન પડે તે દિશામાં યોજનાઓ પાછળ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી શકે છે.

ચૂંટણીનું વર્ષ હોવાથી મળશે અનેક લાભ

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્રથમ અને વર્તમાન સરકારનું છેલ્લું બજેટ છે. વિધાનસભાની ચૂંટણી તેના નિયત સમયે આવે તો નવેમ્બર-ડિસેમ્બરમાં યોજવામાં આવશે.આથી બજેટ પ્રજાલક્ષી કે મતદારલક્ષી બનવાની સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે. જેના કારણે આ વર્ષે પ્રજા પર સીધા કોઇ વેરા નાખવામાં આવશે નહીં. અનેક ક્ષેત્રોના  વેરાઓમાં ધરખમ ઘટાડો કરવામાં આવે તેવી શક્યતાઓ પણ જણાઈ રહી છે. લાંબા સમયથી પેટ્રોલ-ડિઝલ પર સૌથી વધારે વેટ રાજ્ય સરકાર દ્વારા વસૂલ કરવામાં આવી રહ્યો છે. આથી પ્રથમ વાર પેટ્રોલ-ડિઝલ પરના વેટમાં ઘટાડો કરવામાં આવે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. રાજ્ય સરકાર વેટમાં ઘટાડો કરીને મોંઘવારીને કાબૂમાં રાખવાના પ્રયાસો કરે તેવી શક્યતાઓ છે. સી.એન.જી.અને પી.એન.જી.નાં જોડાણ અને વપરાશ પર નાખવામાં આવતાં ટેક્સમાં પણ રાહતો આપવામાં આવી શકે છે. સ્થાનિક યુવાનોને રોજગારી આપનાર ઉદ્યોગને વધારે પ્રોત્સાહન આપવાની નવી યોજના પણ સરકાર અમલમાં લાવી શકે છે. સરકાર દ્વારા તમાકુની પ્રોડક્ટ પર આ વખતે પણ ટેક્સમાં વધારો કરવામાં આવે તેવી સંભાવના છે.
http://sambhaavnews.com/

You might also like